Abtak Media Google News

રાજકોટ રેલવે ડિવિઝને સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી એક વર્ષમાં રૂા.૧૦.૫૪ લાખની બચત કરી છે તેમ પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.

પર્યાવરણને મજબૂત બનાવવા માટે રાજકોટ રેલ્વે ડિવિઝન સતત સકારાત્મક પગલા લઈ રહ્યું છે જેમાં પરંપરાગત સંસાધનોની જગ્યાએ વધુને વધુ પર્યાવરણને અનુકૂળ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ જ ક્રમમાં મંડળના આઠ સ્ટેશનો રાજકોટ, ઓખા, જામનગર, લખમંચી, ચમારજ, મોડપુર, લાખાબાવાલ અને પીપળીમાં છત સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે. આ સોલર પેનલોથી વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૧૪૪૮૪૧ કેડબલ્યુએચ યુનિટ્સનું ઉત્પાદન થયું હતું, જેના કારણે રાજકોટ ડિવિઝન દ્વારા એક વર્ષમાં આશરે ૧૦.૫૪ લાખ રૂપિયાની આવક બચાવવામાં આવી છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ વીજળી ઇજનેર  શ્રી અર્જુન શ્રોફે માહિતી આપી હતી કે ગ્રીન એનર્જી પહેલ અંતર્ગત રાજકોટ સ્ટેશન ખાતે ૧૬૪.૮ કેડબલ્યુપી, ઓખા ખાતે ૮૫ કેડબલ્યુપી, જામનગર ખાતે ૧૦ કેડબલ્યુપી, લખમંચી ખાતે ૧.૫ કેડબલ્યુપી, ચમારજ અને મોડપુર ખાતે ૧ કેડબલ્યુપી , ૭.૫ કેડબ્લ્યુપી ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ લાખાબાવળ અને પીપળી ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકોટ ડીઆરએમ .ઑફિસ સંકુલમાં ૧૦ કેડબલ્યુપી અને ૧૮.૯ કેડબલ્યુપીના સોલર પ્લાન્ટ અને રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં ૧૪.૮ કેડબલ્યુપી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. આ રીતે, રાજકોટ ડિવિઝન વિવિધ સ્થળોએ સોલર પ્લાન્ટ લગાવીને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે તેમ રેલવેની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.