Abtak Media Google News

કાળવાથી ચિતાખાનાનો રોડ દિવાળી પહેલા બનાવવા રજૂઆત, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ મહાનગર પાલિકાના ગઇકાલે મળેલા જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ દ્વારા આક્રમક મૂડમાં બઘડાટી બોલાવવામાં આવી હતી અને અધિકારીઓને જાડી ચામડી જેવા શબ્દોથી સંબોધવામાં  આવ્યા હતા. બીજી બાજુ શહેરના ખાડા ખોદેલા રસ્તાઓ, સફાઈ અને જોશિપુરાની દુકાનો ના પ્રશ્નો વિરોધ પક્ષો દ્વારા ઉઠાવ્યા હતા.

જુનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે  મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં બોર્ડની શરૂઆત સાથે જ વિરોધ પક્ષના વિજય ભાઈ વોરાએ મનપાના જાડી ચામડીના અધિકારીઓ કામ ન કરતા હોય અને ખોટા બહાના બતાવતા હોવાનું જણાવ્યું હતું, ત્યારે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ અને મનપાના કોર્પોરેટર શશીભાઇ ભીમાણીએ અધિકારીઓ પૂરતું કામ ન કરતા હોવાના કારણે ભાજપની બોડી બદનામ થાય છે અને એમ.જી. રોડ બાબતે લોકો ગાળો આપતા હોવાનું જણાવી હાલમાં શહેરમાં જે કામ ચાલી રહ્યું છે જે ગતિએ થવું જોઈએ તેવો સુર પુરાવ્યો હતો,

જ્યારે વિરોધ પક્ષના નેતા અદ્રે માન પંજા એ કાળવાથી ચિતાખાનાનો રોડ દિવાળી પહેલા થઈ જવો જોઈએ તેમ જણાવી જો એક અઠવાડિયામાં રોડનું કામ શરૂ નહીં થાય તો, કાળવા ચોકમાં જૂનાગઢના લોકો અને વેપારીઓને સાથે રાખી વિરોધ પક્ષ આંદોલન કરશે તેવી ચીમકી ભર બોર્ડમાં ઉચ્ચારી હતી.

જનરલ બોર્ડમાં સામાન્ય પ્રશ્નોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વિરોધ પક્ષોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા,  બીજી બાજુ ચૂંટણી સમયે જોષીપરા ખાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જોષીપરાની દુકાનોનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ લાવી, વેપારીઓને દુકાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પણ હજુ સુધી દુકાનો ફાળવાઇ નથી, ત્યારે આ વખતે જ્યારે મુખ્યમંત્રી જુનાગઢ આવે છે ત્યારે જોષીપરાની દુકાનનું ફાઇનલ કરીને જાય તેવું ઉગ્ર શબ્દોમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.