Abtak Media Google News

“અબતક સંભારણુ”

રાજકારણ અને વકીલાતના અભય વ્યક્તિત્વ એવા અભયભાઈ ભારદ્વાજે ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા: બપોરે ૨થી ૩ વાગ્યા દરમિયાન અંતિમદર્શન, મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત: ૩ વાગ્યા બાદ મોટામવા સ્મશાનમાં અંતિમવિધિ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. તેઓને રાજકોટમાં સારવાર આપ્યા બાદ ચેન્નાઇ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તેમની તબીયત ધીરે ધીરે સુધારા પર હોવાનું સામે આવ્યું હતું. જો કે બાદમાં ગઈકાલે તેઓનું સારવાર દરમિયાન જ નિધન થયું હતું. હાલ તેઓનો પાર્થિવ દેહ આજે સવારે અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાંથી રાજકોટ આવવા રવાના થયો છે. તેઓની અંતિમ યાત્રા બપોરે ૩ કલાકે નીકળશે. આ પૂર્વે બપોરે ૨થી ૩ વાગ્યા દરમિયાન અંતિમ દર્શન રાખવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓ જોડાશે. રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજે સંસદ સભ્ય બન્યા બાદ અબતક ચેનલ સાથે વિશેષ વાતચીત કરી હતી. જેના અંશો અહીં રજૂ કરાયા છે.

પ્રશ્ન: જીત બાદ ગુજરાતની જનતાને શું કહેવા માંગશો?

જવાબ: ગુજરાતની પ્રજા શાણી પ્રજા છે સમજદાર પ્રજા છે અતિ શસક્ત પ્રજા છે. અમે હવે ગુજરાતની પ્રજાના અવાજ બન્યા છીએ. ગુજરાતની પ્રજાનો અવાજ સંસદમાં મુકવાનો છે. પ્રજાએ મને અધિકાર આપ્યો છે શક્તિ આપી છે સાથો સાથ જવાબદારી પણ આપી છે. ગુજરાતની જે વાત છે ગુજરાતની પ્રજાની જે વાત છે એ સંસદમાં સ્થાન પામે. મારી નૈતિક જવાબદારીઓ હું નિભાવિશ. ગુજરાતની જનતાને હું કહેવા માંગીશ તમારા સૌનો હું ઋણી છું.

પ્રશ્ન: જજોની ટ્રાન્સફર અને નિમણૂક પર આક્ષેપો થતા હોય છે ? આપનું શું મંતવ્ય છે?

જવાબ: હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિએ એક રેફરન્સ કરવો જોઈએ. મુદ્દો એવો છે કે હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિને આર્ટિકલ ૭૪ બંધનકર્તા છે.આર્ટિકલ ૭૪ એવું કહે છે. કેબિનેટ કોઈ પણ નિર્ણય લે તેમાં તે ફરીથી પૂર્ણ વિચાર માટે મૂકી શકે છે.પરંતુ બીજી વાર જો મૂકે તો તેને બંધનકર્તા છે.આમ કોઈ પણ જજની નિમણૂક કરવી કે ના કરવી, સરકાર એવો નિર્ણય કરે કે નહીં નિમવી જોઈએ આ વ્યક્તિ ને. રાષ્ટ્રહિત માં ન નિમવી જોઈએ, આક્ષેપોને કારણે નહીં નિમવી જોઈએ.. તો એ આર્ટિકલ ૭૪ નીચે રાષ્ટ્રપતિ ને બંધનકર્તા છે. રાષ્ટ્રપતિ ને બંધારણ બંધનકર્તા છે સર્વોચ્ચ અદાલત ના ચુકાદા કરતા પણ વધારે. અને એના કારણે જે જ્યુડિશિયલ કમિશન, જજની પસંદગી માટે કમિશન બનાવવાની વાત છે એ એક જ આખી જ વ્યવસ્થા ને સુદધ કરવા માટે છે.અને એના અનુસંધાનમાં આખા રાષ્ટ્રમાં જે જાગૃતિ આવી છે, વકીલો પણ જે માંગણી કરી રહ્યા છે. ન્યાયમૂર્તિઓ પણ જે પીડિત છે તે માંગણીઓ કરી રહ્યા છે. કે નેશનલ જ્યુડિશિયલ કમિશન અને નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટની જો રચના કરવામાં આવે તો પ્રશ્નનો નિકાલ કરવામાં આવે તેવી સ્થિતિ છે.

Abhay

પ્રશ્ન: સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેચ ક્યારે મળશે?

જવાબ: હાઇકોર્ટની બેચના સંદર્ભે મારે કહેવાનું કે સૌરાષ્ટ્ર અને ગુજરાત નો પ્રશ્ન જુદો છે. આપણે ત્યાં હાઇકોર્ટ હતી, હાઇકોર્ટ ની બેચ હતી જે આપણી પાસેથી લઈ લેવામાં આવી. આપનો કિસ્સો બીજા કરતા જુદો છે. ગુજરાત રિઓર્ગેનાઇઝેશન એક્ટ, બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટમાં સુધારો કરવાથી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. ૬૦૦ માઈલ, ૪૦૦ માઈલ જ્યાંથી પણ લોકોને આવું પડતું હોય તે તમામ નો અધિકાર છે કે તેઓને હાઇકોર્ટની બેચ મળે.માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ જ્યાં જ્યાં લોકોને તકલીફ છે ત્યાં બેચ મળવી જોઈએ. તમે દ્વારકાથીઅમદાવાદ જતા હોઈ તો ૬૦૦ કિલોમીટર થાય એવા ઘણા રાજ્યો હશે ત્યાં આ પ્રશ્ન છે. તમામ પ્રજાને ન્યાય સરળતાથી મળી શકે તે માટે હાઇકોર્ટ ની બેચ મળવી જોઈએ. તેવી મારી પ્રામાણિક માન્યતા છે.

પ્રશ્ન: લોકડાઉનમાં નાના વકીલોની હાલત કાફોળી બની છે ? આપના મતે તેનો ઈલાજ શું ?

જવાબ: અતિ સમૃદ્ધ વકીલો છે તેને એક જરૂરિયાતમંદ વકીલોના પરિવારને સંભાળી તેનું ધ્યાન રાખવું જોઈએ. રાજકોટ બાર એસોસિએશન જે કરે છે, કોઈને જાણ કર્યા વિના બધા ને ઘરે કીટ પોહચાડે છે આવી વ્યવસ્થા તમામ બાર એસોસિએશન કરે તે જરૂરી છે. જ્યાં નાના સ્તરે આ વ્યવસ્થા ન હોઈ ત્યાં જીલ્લા બાર એસોસિએશન ની આ જવાબદારી છે.સરકારની રાહ જોયા વિના સમૃદ્ધ વકીલોએ તેમની સમૃદ્ધિ જરૂરિયાતમંદ વકીલો માટે વહાવી દેવી જોઈએ.

પ્રશ્ન: ચીની વસ્તુઓના બહિષ્કાર ભારતીયો કરી રહ્યા છે, આપ શું માનો છો?

જવાબ: ચીન એક દુશ્મન રાષ્ટ્ર છે.કોંગ્રેસના નરસિંહ રાવે જે વડાપ્રધાન તરીકે ભૂલ કરી જેને કારણે આપણે વૈશ્વિક વ્યવસ્થામાં બંધાઈ ગયા છીએ. ભારત સરકાર પ્રતિબંધ મૂકે એ પહેલાં જ આપણે એક ભારતીય તરીકે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ.માણસે હૃદયથી નક્કી કરવું જોઈએ કે હું ચીનની વસ્તુ નહીં લવ.

આપણે તેજસ્વી અને ખૂબ ઊંડી સમજણ ધરાવતી વ્યક્તિને ગુમાવી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Pm Modi

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવામાં હંમેશાં અગ્રેસર રહ્યા છે. એ ખૂબ દુખની વાત છે કે આપણે આવા તેજસ્વી અને ખૂબ ઊંડી સમજણ ધરાવતી વ્યક્તિને ગુમાવી છે. આ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબહેન બારા સાથે અભય ભારદ્વાજને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા. આમ તેઓએ ટ્વીટર ઉપર સંદેશો પાઠવીને અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અભયભાઇના નિધનથી મેં પરમ મિત્ર ગુમાવ્યો: વિજયભાઈ શોકમગ્ન

Vijay Rupani

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ અને ભાજપા અગ્રણી અભયભાઇ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વ. અભયભાઇના અવસાનથી શોકમગ્ન સંવેદના સાથે તેમને ભાવાંજલિ આપતા શોક સંદેશમાં જણાવ્યું છે કે, પોતાના પરમ મિત્ર, અદના સાથી, સહકાર્યકર્તા અને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઇના અવસાનથી ભાજપા અને વ્યકિતગત રીતે તેમને પોતાને અને ગુજરાતને મોટી ખોટ પડી છે વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે અભયભાઇ ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા. ખાસ કરીને તેઓ લડાયક નેતૃત્વ કરવા સાથે દેશ, ધર્મ, સંસ્કૃતિ, સમાજ માટે તેમનું કમિટમેન્ટ-પ્રતિબદ્ધતા હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, સ્વ. અભયભાઇ સૌને સાથે લઇને ચાલનારા સરળ સ્વભાવના વ્યકિતત્વના ધની હતા. તેમની વર્ષોથી ગ્રાસરૂટ લેવલના કાર્યકર્તાથી માંડીને રાજ્યસભાના સાંસદ તરીકેની જીવનયાત્રા રહી છે, તેનું પણ મુખ્યમંત્રીશ્રીએ સ્મરણ કર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, તેમના અવસાનથી સ્વ. અભયભાઇના પરિવારને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એક સંનિષ્ઠ-સારા નેતા-કાર્યકતા ગુમાવ્યા છે.  મુખ્યમંત્રીએ સ્વ. અભયભાઇ ભારદ્વાજના આત્માની પરમશાંતિની પરમાત્માને પ્રાર્થના કરવા સાથે તેમના પરિવાર પર આવી પડેલી આ કપરી વેળાને સહન કરવા પ્રભૂ હિંમત આપે દુ:ખ સહન કરવાની શકિત આપે તેમ પણ શોકાંજલી સંદેશમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.