Abtak Media Google News

માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ દર્શાવતી હાઇકોર્ટ: રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવા આદેશ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત ૫થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. ફેસ કવર માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા લોકોને ૧૦થી ૧૫ દિવસ સુધી કોવિડ કેર સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલો. આ ઉપરાંત તેમની પાસેથી દંડ પણ વસૂલો તેવું કોર્ટે કહ્યું છે. રાજ્ય સરકાર આવી પોલિસી લાવવાની બાબતમાં અવઢવમાં હતી અને તેમણે હાઇકોર્ટને કહ્યું કે તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી છે. તેને કારણે તેમને પોલિસીના અમલમાં મુશ્કેલી આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન ન કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે ૮ દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.

માસ્ક નહીં પહેરનારની ઉંમર અને લાયકાત ધ્યાને લઇ જવાબદારી સોંપાશે

માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય ૧૦ દિવસથી ૧૫ દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે તેવો પણ કોર્ટનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.