Abtak Media Google News

સોનાને લાગે ક્યાંથી કાટ ?

ભારત સહિત વિશ્વમાં સલામત રોકાણ અને અર્ધી રાતના હોંકારા તરીકે સોનાને જ ભીડ પડે ત્યારે ભેરૂ તરીકે કામ આવે તે રીતે આદર્શ રોકાણ તરીકે માનવામાં આવે છે. અત્યારે કેટલાક વિશિષ્ટ અને ચોક્કસ કારણોસર આવતા નવા વર્ષ સુધીમાં સોનુ વિક્રમી ભાવ સપાટી ૬૩,૦૦૦ના ૧૦ ગ્રામ એટલે કે, ૧ તોલા સુધીના ભાવ સપાટી કુદાવી લેશે.

૨૦૨૦માં આર્થિક અને સામાજીક અનિશ્ર્ચીતતા કોરોના કાળમાં સોનુ સલામત રોકાણ તરીકે વધુ મજબૂત બન્યું હતું. પીળી ધાતુ ૫૬૧૯૧ સુધી પહોંચી ગઈ હતી.  કોરોના કાળ બાદ વૈશ્ર્વિક, આર્થિક રણનીતિમાં આવેલા બદલાવ નીચા વ્યાજદર અને આર્થિક પ્રવાહી અનિશ્ચિત પરિસ્થિતિને લઈ ૨૦૧૯ના મધ્યકાળ દરમિયાન જ કેટલીક ચોક્કસ પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય મુદ્રામાં ચડાવ-ઉતારથી સોનુ રોકાણકારો માટે હોટ ફેવરીટ બન્યું હતું.

આ વર્ષે ૩૯૧૦૦થી શરૂ થયેલા સોનાના ભાવ વધારાને લગતા હવે વિક્રમજનક ૬૩,૦૦૦ના ભાવ તરફ આગળ વધી રહ્યું છે. બે વર્ષ પહેલા ૩૯૧૦૦થી શરૂ થયેલી આ ભાવ વધારાની રફતાર ૩૮૪૦૦ અને ૫૬૧૯૧ના મથાળે પહોંચી હતી. કોરોના કટોકટીને લઈને અને ડોલરની અસ્થિરતા ને લઈ સોનુ વધુ સલામત બનતા આ નવી સપાટીની આશા બંધાઈ છે. અમેરિકાની રાજકીય કટોકટી અને સેનેટમાં આવેલા ઉતાર-ચઢાવને લઈને સોનાની માંગ વધી છે. ભારત અને ચીનમાં ૨૦૨૧માં સોનુ નવી સપાટીએ પહોંચશે. એચડીએફસીના સીનીયર સમીક્ષક તપન પટેલના જણાવ્યા મુજબ સોનુ આગામી દિવસોમાં ૬૩,૦૦૦ની સપાટીએ પહોંચશે.

સલામત રોકાણ અને ડોલરની હાલક-ડોલક સ્થિતિ અને રૂપિયાના ઉતાર-ચઢાવને લઈ સોનુ અત્યારે સૌથી વધુ સલામત રોકાણ બન્યુ હોવાથી ૨૦૨૧નું વર્ષ સોનાના ભાવમાં ૬૩,૦૦૦નો વિક્રમ નોંધાવશે તેવું નિશ્ર્ચીત ગણવામાં આવ્યું છે.

સોનાના ભાવના વિક્રમજનક સપાટી તરફ પ્રયાણની સાથે સાથે અત્યારે ડોલરમાં નબળાઈના કારણે રૂપિયા સહિતની વિશ્ર્વની શેડો કરન્સી પણ તેજી તરફ આગળ વધી રહી છે. ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં પ્રવેશી ચૂકી છે. આજે પ્રારંભીક તબક્કામાં ભારતીય શેરબજાર પણ તેજી તરફ આગળ વધી રહી છે. નિફટી ૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૮૩૪ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે, બેંક નિફટી અને મીડકેપમાં પણ તેજીનો તિખારો જોવા મળ્યો છે. ટાટા મોટર્સ, એસબીઆઈ, એચડીએફસી લાઈફ અને જેએસડબલ્યુ સ્ટીલમાં ૨ ટકાથી લઈ ૨.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

લાલચુઓ દૂર રહે

વૈશ્ર્વિક, આર્થિક રણનીતિ, નીચા ઉતરતા જતા વ્યાજદર, ડોલરની હાલક-ડોલક સ્થિતિ વચ્ચે ફૂગાવો બેકાબુ બને તેવી પરિસ્થિતિ વચ્ચે ક્રિપ્ટો કરન્સી અને ખાસ કરીને બીટકોઈનમાં ભારે તેજી જોવા મળી રહી છે. ડોલરની નબળાઈને લઈ ક્રિપ્ટો કરન્સી, બીટકોઈનનો બેફામ તેજીના દોરમાં તુરંત પૈસાવાળા થઈ જવાની લાલચ રોકાણકારો માટે મોટા અનર્થ સર્જે તેમ હોવાથી લાલચુઓને આંધળુકીયા કરવાથી દૂર રહેવું જોઈએ.

શેરબજાર ગ્રીન ઝોનમાં જ રહેશે !

વિશ્ર્વની વર્તમાન આર્થિક પ્રવાહી સ્થિતિને જોતા ૨૦૨૧માં સોનુ ઓલટાઈમ હાઈની નવી સપાટી પ્રાપ્ત કરશે. શેરબજાર પણ ગ્રીન ઝોનમાં જ રહેશે.આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૭૨૨૩ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.  ક્રિપ્ટો કરન્સી અને ખાસ કરીને બીટકોઈનની તેજીની હરણફાળ જોવા મળશે. બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીમાં આંધળુકીયા કરનારાઓને ચેતતા રહેવાની સલાહ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.