Abtak Media Google News

લાંબી પ્રક્રિયાથી સિવિક સેન્ટરોમાં અરજદારોનની કતારો: અધિકારીઓ પણ તોબા પોકારી ગયા, સરકાર નવી સિસ્ટમમાં સુધારો કરે તેવી માંગ

રાજ્યભરમાં લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્ર એક સમાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઇ-ઓળખ સોફ્ટવેરની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેથી નાગરિકોની સરળતા વધે પરંતુ આ ઈ-ઓળખે લોકોની હેરાનગતિ વધારી દીધી છે. અગાઉ જન્મ મરણમાં સુધારા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આસાનીથી થઈ શકતા હતા પરંતુ હવે સામાન્ય સુધારા માટે પણ નાગરિકોએ ઝોન કચેરીના પગથિયા ઘસવા પડે છે.જેને કારણે સિવિક સેન્ટરોમાં લાંબી કતારો જોવા મળે છે. નવા સોફ્ટવેરમાં પ્રક્રિયા ખૂબ જ લાંબી હોવાના કારણે કલાકો સુધી રાહ જોવા છતાં જન્મ-મરણનું પ્રમાણપત્ર લોકોને મળતું નથી.

અગાઉ મહાપાલિકા દ્વારા પોતિકા સોફ્ટવેરના આધારે જન્મ અને મરણનું પ્રમાણપત્ર આપવામાં આવતું હતું.જેમાં સુધારો કોર્પોરેશનની એકમાત્ર સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે થઇ શકતો હતો  જેનાથી લોકો સરળતાથી સુધારો કરી શકતા હતા.પરંતુ ગત ઓકટોબર માસથી રાજ્ય સરકાર દ્વારા જન્મ-મરણના પ્રમાણપત્ર માટે રાજ્યભરમાં ઈ-ઓળખ સોફ્ટવેરની અમલવારી શરૂ કરવામાં આવી છે. પ્રક્રિયા ખૂબ જ લાંબી હોવાના કારણે એક સર્ટિફિકેટમાં ઓછામાં ઓછો આઠથી દસ મિનિટનો સમય પસાર થઇ જાય છે. અગાઉ મહાપાલિકાના પોતીકા  સોફ્ટવેરમાં માત્ર ૩૦થી ૩૫ સેક્ધડમાં પ્રમાણપત્ર મળી જતું હતું. જેથી સિવિક સેન્ટર ખાતે લોકોની લાઈનો પણ લાગતી ન હતી. પરંતુ નવા ઈ-ઓળખ સોફ્ટવેર બાદ લોકોની સુવિધાને બદલે હેરાનગતિ વધી છે. જન્મ કે મરણના પ્રમાણપત્રમાં સુધારો સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જ થઇ શકતો હતો. માત્ર એક ઝોન કચેરી સુધારાની કાર્યવાહી ચાલતી હોવા છતાં ખૂબ જ સરળતા રહેતી હતી. પરંતુ નવા ઓળખ સોફ્ટવેરની અમલવારી બાદ ઝોનમાંથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર નીકળ્યું હોય તે જ ઝોનમાં સુધારો થઈ શકે છે. એટલે લોકોએ ફરજિયાતપણે ઝોન કચેરી સુધી ધક્કા ખાવા પડે છે.અહીં અરજદારોની લાંબી કતારો હોવાના કારણે કલાકો સુધી રાહ જોવા છતાં જન્મ કે મરણના પ્રમાણપત્રમાં સુધારો થઈ શકતો નથી. સરકારે લોકોની સરળતા માટે નવી સિસ્ટમ લાગ્યું કરી છે પરંતુ વાસ્તવમાં આ સિસ્ટમથી લોકોની હેરાનગતિમાં બેસુમાર વધારો થયો છે. નવી ઇ-ઓળખ સોફ્ટવેરની અમલવારી હવે બંધ કરી રાજ્ય સરકારે ફરી મહાપાલિકા કે અન્ય સંસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને પોતીકા સોફ્ટવેરની અમલવારી કરવાની છૂટ આપવી જોઇએ તેવી માગણી પણ લોકોમાંથી ઉઠી રહી છે. અગાઉ મહાપાલિકા દૈનિક ૧૨૦૦ થી ૧૫૦૦ પ્રમાણપત્ર ઇસ્યુ કરતું હતું પરંતુ હવે લાંબી પ્રક્રિયાના કારણે માંડ ૫૦૦ થી ૬૦૦ પ્રમાણપત્ર ઇસ્યુ થાય કે કલાકો રાહ જોવા છતાં વારો ન આવતો હોવાના કારણે અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટેકનોલોજીના યુગમાં લોકો એ એક સામાન્ય પ્રમાણપત્ર મેળવવા માટે પણ લાંબી રાહ જોવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.