Abtak Media Google News

૧૬ સભ્યોની સમિતિના અધ્યક્ષ રહેશે ઇસ્ટ ઝોન કચેરીના ડીએમસી: ટેન્ડર મૂલ્યાંકન સમિતિ ખાસ પ્રોજેક્ટ માટે આવેલા ભાવની ઓફરમાં વાટાઘાટ કરશે અને નીતિ વિષયક નિર્ણય પણ લેશે

રાજકોટ મહાનગર પાલિકામાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર, રસ્તાના કામો, બ્રિજ, હાઉસિંગ, બાંધકામ, સોલીડ વેસ્ટના સહિતના અલગ-અલગ વિભાગના કામો  માટે પ્રસિદ્ધ કરવામાં આવતા ટેન્ડરની ઓફરમાં વાટાઘાટ કરવા તથા નીતિવિષયક નિર્ણય લેવામાં  એકસૂત્રતા જળવાય રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ૧૬ સભ્યોની  ટેન્ડર મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે.જેના અધ્યક્ષ ઇસ્ટ ઝોન કચેરીના નાયબ મ્યુનિસિપલ કમિશનર રહેશે.

કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારના પ્રોજેકટના અમલીકરણમાં એકસૂત્રતા જળવાઇ રહે, એજન્સી દ્વારા રજૂ કરવામાં આવતી ઓફર વ્યાજબી છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે તથા અલગ અલગ પ્રોજેક્ટમાં નીતિવિષયક નિર્ણય લેવા માટે ૧૬ સભ્યની ટેન્ડર મુલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ઇસ્ટ ઝોન કચેરીના ડીએમસીને અધ્યક્ષ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે.જ્યારે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના ડીએમસી સભ્ય તરીકે કાર્યરત રહેશે. આ ઉપરાંત સભ્ય તરીકે સ્માર્ટ સિટીના એડિશનલ સિટી એન્જિનિયર, ચીફ એકાઉન્ટન્ટ, ચીફ ઓડિટર ,સિટી એન્જિનિયર સ્પેશિયલ આવાસ, સિટી એન્જિનિયર સ્પેશિયલ ડ્રેનેજ, વેસ્ટ ઝોન કચેરીના સિટી એન્જિનિયર, સેન્ટ્રલ ઝોન કચેરીના  સિટી એન્જિનિયર, ઇસ્ટ ઝોન કચેરીના સિટી એન્જિનિયર, રોશની શાખાના એડિશનલ સિટી એન્જિનિયર, ડાયરેક્ટર  આઇટી વિભાગ, ડાયરેક્ટર પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર, એડિશનલ સિટી એન્જિનિયર વોટર વર્ક્સ શાખા, પર્યાવરણ ઇજનેર જે તે પ્રોજેક્ટ વિષયના નિષ્ણાંત અને ટેકનિકલ વિભાગના આસીસ્ટન્ટ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેન્ડર મૂલ્યાંકન સમિતિ ખાસ પ્રકારના પ્રોજેક્ટ નીતિવિષયક નિર્ણય લેવાના કિસ્સામાં જે તે વિભાગને મદદરૂપ થશે આટલું જ નહીં પાણી પુરવઠા,ભૂગર્ભ ગટર, આવાસ યોજના, બ્રિજ, રસ્તા કામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો, આઇટી વિભાગના કામ અને કોર્પોરેશનના અન્ય વિભાગ માટે ખાસ પ્રકારના પ્રોજેક્ટ માટે પ્રસિદ્ધ કરવામાં આવતા ટેન્ડર અને અન્ય સૂચવવામાં આવતા પ્રોજેક્ટના મૂલ્યાંકન માટેનું કામ કરશે. જે તે વિભાગ હસ્તકના પ્રોજેક્ટ માટે ટેન્ડર મૂલ્યાંકન સમિતિના અધ્યક્ષની મંજૂરી મેળવી સમિતિની બેઠક બોલાવવાની રહેશે. ટેન્ડર મૂલ્યાંકન સમિતિના અધ્યક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સભ્યોએ હાજર રહેવું પડશે અને જે તે પ્રોજેક્ટ અંગે સંલગ્ન વિભાગે આ સ્પષ્ટ અભિપ્રાય આપવાનું રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના અલગ-અલગ પ્રોજેક્ટમાં કેટલી વાર વિસંગતતાઓ સર્જાતી હતી અને કોઈ એક પ્રોજેક્ટ બે-ત્રણ વિભાગને લાગુ પડતો હોય તેવા કિસ્સામાં નીતિવિષયક નિર્ણય લેવા પણ સમસ્યા ઊભી થતી હતી. હવે ટેન્ડર મૂલ્યાંકન સમિતિમાં તમામ વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય કોઈપણ પ્રોજેક્ટમાં એજન્સી દ્વારા રજૂ કરવામાં આવતાં ભાવમાં વાટાઘાટ કરવા અને નીતિવિષયક નિર્ણય લેવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.