Abtak Media Google News

૧૯૬૬માં આવેલ ‘તીસરી મંજીલ’ ફિલ્મથી કારકીર્દી શરૂ કરી, તેમણે કેબરે રોક, ડિસ્કો, ગઝલ અને શાસ્ત્રીય સંગીત સાથે અનેક વૈવિઘ્યસભર ગીતો આપ્યા, તેઓ એક સારા નાયક પણ હતા. શોલે ફિલ્મનું ગીત ‘મહેબુબા મહેબુબા’ આજે પણ બધાને યાદ છે. તેમણે ૩૩૧ ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપ્યું હતું

એકલવીર છતાં સંગીતના ‘પંચમ’ કહેવાયા

રાહુલ દેવ બર્મન હિન્દી ફિલ્મ જગતનાં ખ્યાતનામ સંગીતકાર જે આપણે બધા પંચમદાના નામથી ઓળખીયે છીએ, બોલીવુડના જાણીતા

સંગીતકાર એસ.ડી. બર્મનના તેઓ પુત્ર હતા. તેમનો જન્મ ૨૭ જુન ૧૯૩૯ના રોજ કલકતામાં થયો હતો. આર.ડી. બર્મનને સંગીત વારસામાં મળ્યું હતું. પિતા બોલીવુડના જાણીતા સંગીતકાર હોવાથી તેમને સંગીતકાર થવામાં વાર ન લાગીને પિતાના પગલે હિન્દી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત આપ્યું, તેમના સક્રિય વર્ષો ૧૯૬૧ થી ૧૯૯૪ રહ્યા. તેમનું અવસાન મુંબઇ ખાતે ૪ જાન્યુઆરી ૧૯૯૪માં માત્ર ૫૪ વર્ષની ઉમરે થયું હતું. તેમના ઉપનામોમાં આર.ડી., પંચમદા અને શહેનશાહે સંગીત હતા.

રાહુલ દેવ બર્મન સંગીતકાર, ગાયક, અભિનેતા અને સારા સંગીત એરેંજર હતા. ભારતીય ફિલ્મ જગતમાં પિતાના પગલે તેઓ પણ મહાન સંગીતકાર બન્યા હતા. શોલેનું ‘મહેબુબા… મહેબુબા’ ગીત બધાને યાદ હોય જ જે આર.ડી. એ ગાયું હતું. બચપણના આર.ડી. જયારે રડતા ત્યારે સંગીત નોટેશનના પાંચના નોટના સ્કેલ મુજબ રડવાનો અવાજ હોવાથી તેનું નામ પંચમ પડયું ને જુદી જુદી પાંચ નોટેશનમાં રોઇ શકતા હતા. અભિનેતા અશોકકુમારે તેને વારંવાર પાનું ઉચ્ચારણ કરતા જોયાને નામ  ‘પંચમ’ પાડયું.

આર.ડી. બર્મને પ્રારંભિક શિક્ષણ પિતા પાસેથી શિખ્યું બાદમાં ૧૯૫૬માં ‘ફંટુશ’ ફિલ્મમાં એક ગીતમાં પિતાએ ધુન બનાવવાની તક આપી હતી. ૧૯૫૭માં ‘પ્યાસા’ ફિલ્મમાં સાઉન્ડ ટ્રેકમાં કામ કરવાની તક આપી. મુંબઇમાં આર.ડી. બર્મને અલી અકબરખાન (સરોદ), સમના પ્રસાદ (તબલા) સાથે જાણીતા સંગીતકાર સલિલ ચૌધરીને ગુરુ માન્ય હતા. આર.ડી. બર્મને પિતાના ફિલ્મોમાં સહાયકના રૂપમાં સેવા આપી હતી તે ઓરકેસ્ટ્રામાં હારમોનિયમ વગાડતા હતા. મુખ્ય સંગીતકાર બન્યા પહેલા ચલતી કા નામ ગાડી (૧૯૫૮), કાગઝ કે ફૂલ (૧૯૫૯), તેરે ઘર કે સામને (૧૯૬૩), બંદીની (૧૯૬૩), જીદી (૧૯૬૪), ગાઇડ (૧૯૬૫) જેવી ફિલ્મોમાં સહાયક સંગીતકાર તરીકે કામ કર્યુ પોતાની હીટ રચના ‘હે અપના દિલ તો આવાર’ સોલવાસાલ ફિલ્મમાં માઉથ ઓર્ગન વગાડીને સૌના દિલ જીતી લીધા હતા.

૧૯૫૯માં રાજ ફિલ્મમાં સંગીતકાર તરીકે સાઇન કરી જો કે આ ફિલ્મ કયારેય પુરી ન થઇ શકી, બાદમાં ૧૯૬૧ માં કોમેડીયન મહેમુદની ફિલ્મ ‘છોટે નવાબ’ માં પીતા વ્યસ્ત હોવાથી પોતાને તક મળી અને સંગીતકાર બની ગયા બાદમાં મહેમુદની ‘ભૂત બંગલા’ માં પણ આર.ડી. એ સંગીત આપ્યું હતું. આર.ડી. બર્મનની સાચી પહેચાન ૧૯૬૬માં આવેલી શમ્મી કપૂરની ફિલ્મ ‘તીસરી મંજીલ’ થી બોલીવુડને મળી પછી તો આશા ભોંસલે સાથે લગ્ન પણ કર્યા હતા.

Rd1

તીસરી મંજીલના સદાબહાર ગીતોમાં નવી પેઢીનું સંગીત પીરસ્યુ તે બાદમાં બહારો કે સપને, પ્યાર કા મૌસમ, યાદો કી બારત, જવેલ થીફ, પ્રેમ પુજારી જેવી હિટ ફિલ્મો આર.ડી. ના સંગીતથી ચાર ચાંદ લાગી ગયા હતા. તેમની પહેલી પત્ની રીટા પટેેલ હતી. ૧૯૬૬માં લનને ૧૯૭૧ માં છુટાછેડા થયા બાદ ૧૯૮૦માં વિખ્યાત ગાયિકા આશા ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. ૧૯૭૦ના દશકામાં સુપર સ્ટાર રાજેશ ખન્ના, ગાયક કિશોરકુમાર અને આર.ડી. બર્મનની જોડીએ શ્રેષ્ઠ ફિલ્મો, ગીતો બોલીવુડને આપી. તેમની લોકપ્રિયતા ટોચ ઉ૫ર હતી. કટી પતંગ, આરાધના, હરેરાામા હરે કૃષ્ણ, અમર પ્રેમ, બુઢા મિલ ગયા, કારવા જેવી વિવિધ હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું, આર.ડી. એ આપણા સંગીત વાદ્યો સાથે વેસ્ટર્ન મ્યુઝિક સાઝનો ઉ૫યોગ કરીને યુવા વર્ગને ડોલાવતું સંગીત આપ્યું.

૧૯૭૨માં સીતા ઔર ગીતા, મેરે જીવન સાથી, રામપૂરકા લક્ષ્મણ, બોમ્બે ટુ ગોવા, અપના દેશ, પરિચય, યાદો કી બારાત, ૧૯૭૩માં આપ કી કસમ ને ૧૯૭૫માં બોલીવુડની સૌથી સફળ ફિલ્મ શોલેમાં, ચર્ચાસ્પદ ફિલ્મ ‘આંધી’માં પણ આર.ડી. બર્મન છવાઇ ગયા હતા. અમુક મ્યુઝિકલ ફિલ્મ જેવી કે હમ કીસીસે કમ નહીં, નાગીન, કયા હુઆ તેરા વાદા, શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો હતો. કસમે વાદે, ઘર, ગોલમાલ, સનમ તેરી કસમ, જેવી ફિલ્મો આવી, તેમને પહેલો ફિલ્મ ફેર ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’માટે મળ્યો હતો. આજ વર્ષે રોકી, સત્તે પે સત્તા અને લવસ્ટોરી જેવી  હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

Rd2

રાજેશ ખન્ના, કિશોરકુમાર અને આર.ડી. બર્મનની ત્રિપુટીએ ૩ર હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું. ૧૯૬૦ થી ૧૯૯૦ના ત્રણ દશકામાં આર.ડી. એ ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપીને રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે લત્તાજી પાસે પણ શ્રેષ્ઠ ગીતો ગવડાવ્યા હતા. ૧૯૮૦ દશકાના અંતમાં બપ્પી લહેરી અને અન્ય સંગીતકારોની ડિસ્કો સંગીત રચનાઓ આવવાથી તેમને કામ મળતું ઓછું થયું હતું. છેલ્લે વિઘુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘પરિન્દા’ માં સંગીત આપ્યું હતું. જો કે તેના મૃત્યુ બાદ રીલીઝ થનારી ફિલ્મ ૧૯૪૨ એ લવસ્ટોરી  ખુબ જ સફળ સંગીત રહ્યું હતું. જેમાં ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.બંગાળી પરંપરાના દુર્ગા પૂજા માટે ગીતોની રચના કરીને મહત્વ પૂર્ણ યોગદાન આર.ડી.એ આપેલ, જો કે બાદમાં આ ગીતો ફિલ્મોમાં પણ આવ્યા હતા. ‘મેરી ભીગી ભીગી સી’, ફિલ્મ અનામિકા, કટી પતંગનું ગીત ‘પ્યાર દિવાનો હોતા હૈ’ અને આંધી ફિલ્મનું ‘તેરે બીના જીંદગી સે કોઇ શિકવા નહી’ જેવા હિટ ગીતોથી આર.ડી. બર્મન સદૈવ અમર થઇ ગયા હતા. પંચમદાને બોલીવુડ સંગીતમાં ક્રાંતિ લાવવાનું શ્રેય મળે છે. તેમણે ડિસ્કો અને રોકને  બંગાળી સંગીત સાથે મેળવીને યુવા વર્ગને ગમતું સંગીત આપ્યું હતું. આર.ડી. પશ્ર્ચિમી, લેટીન, ઓરીએંટલ અને અરબી સંગીતથી ખુબ જ પ્રભાવિત હતા.

કુદરત ફિલ્મનું ગીત ‘હમે તુમ્સે પ્યાર કિતના’ કિશોરકુમાર અને શાસ્ત્રીય સંસ્કરણ પરવિન સુલ્તાના પાસે ગવડાવીને હીટ કરી દીધું.

આર.ડી. બર્મન વિદેશી ધુનો ઉપરથી ઘણા હિન્દી ફિમી ગીતો બનાવ્યા હતા. શોલે ફિલ્મનો મહેબુબા મહેબુબા, સાયપ્રસ દેશનું ગીત, કહો યુ લવ મી, ની કોપી હતી. પંચમદાએ ૩૩૧ ફિલ્મો કરી જેમાં ૨૯૨ હિન્દી, ૩૧ બંગાળી, ૩ તેલુગુ અને તામિલ-ઉડિયાની બે ફિલ્મો સાથે ૧ મરાઠી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. મરાઠીની પાંચ ટીવી ધારાવાહિકમાં પણ સંગીત આપ્યું હતું. ૨૦૧૩માં તેના માનમા સરકારે ટપાલ ટીકીટ પણ બહાર પાડી હતી. ૨૦૧૬માં તેમના જન્મ દિવસે ગુગલે આર.ડી.બર્મનનું ડડલ બનાવીને ૭૭માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવીને શ્રઘ્ધાંજલી પાઠવી હતી.

રિધમ વિના સુપરહિટ ગીતો

Rd4

૧૯૭૪માં આવેલી ‘અજનબી’ ફિલ્મમાં ‘હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે’ ગીતમાં રીધમ વગર ગાડીના અવાજ અને સીટીનો ઉપયોગ કરીને સુપર ડુપર કર્યુ. આવી જ રીતે ૧૯૬૭માં ફિલ્મ ‘બહારો કે સપને’ માં ‘આજા પિયા તોહે પ્યાર દુ’ ગીતમાં પણ રીધમ વગર માત્ર વાંસળી અને ગીટાર મુખડું પુરૂ થાય પછી વગો છે. ‘સોલવા સાલ’ ફિલ્મમાં માત્ર ૧૯ વર્ષની વગે ગીત ‘હૈ અપના દિલ તો આવારા’ માં સુંદર માઉથ ઓર્ગન વગાડીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત પડોશન ફિલ્મના જાણીતા ગીત ‘મેરે સામને વાલી ખીડકી મેં’ માં રસોડાના વાસણોનો ઉપયોગ કર્યો તો તીસરી મંજીલમાં કાચના ગ્લાસનો અવાજ ચમચી વગાડીને કર્યો હતો.

આર.ડી.બર્મનને મળેલા એવોર્ડ

* ફિલ્મ ફેર એવોર્ડ – શ્રેષ્ઠ સંગીતકાર એવોર્ડ ફિલ્મ: સનમ તેરી કસમ, માસુમ, ૧૯૪૨ એ લવ સ્ટોરી

* એવોર્ડ માટે નોમીનેશન થયેલ હિટ ફિલ્મો કારવા, યાદો કી બારાત, આપકી કસમ, ખેલ ખેલ મેં, શોલે, મહેબુબા, હમ કિસી સે કમ નહી, કિનારા, શાલિમાર, શાન, લવસ્ટોરી, બેતાબ અને સાગર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.