Abtak Media Google News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ જનાદેશનો લાભ ખાટવા વિધાનસભાની ચૂંટણી પણ વ્હેલી આવશે તેવી વહેતી થયેલી અટકળો પર પૂર્ણવિરામ મુકી દેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થતાં એવી અટકળો વહેતી થવા પામી છે કે, હાલ જનાદેશનો લાભ ખાટવા માટે ભાજપ વિધાનસભાનું નિયત સમય પહેલા વિસર્જન કરી વહેલી ચૂંટણી આપવાની તૈયારી કરી રહી છે. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધું છે અને એવું ભારપૂર્વક જણાવ્યું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર યોજાશે. વહેલી ચૂંટણી યોજવાની વાત સંપૂર્ણપણે હંબક છે. ડિસેમ્બર 2022માં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. રાજ્યની જનતાએ ભાજપની વિકાસની રાજનીતિનો સ્વીકાર કર્યો છે. હાલ રાજ્યભરમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં જો વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો પક્ષનો ઐતિહાસિક વિજય થાય તેવી સંભાવના રહેલી છે. ત્યારે છેલ્લા ત્રણેક દિવસથી વાતો વહેતી થઈ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ નિયત સમય પહેલા કરાવવાની તૈયારી કરી રહ્યું છે. વિધાનસભાની મુદત ડિસેમ્બર 2020માં પૂર્ણ થઈ રહી છે ત્યારે ચાલુ સાલના અંત સુધીમાં વિધાનસભાનું વિસર્જન કરી ચૂંટણી યોજવાની ગણતરી સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર એટલે કે, ડિસેમ્બર 2022માં જ યોજાશે. વહેલી ચૂંટણી યોજવાની કોઈ જ શકયતા કે ગણતરી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતનો લાભ લેવા માટે અમે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા માટેની ગણતરીમાં નથી. જે વાતો ચાલી રહી છે તે માત્રને માત્ર અટકળ છે. વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં જ યોજવામાં આવશે.

ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે કમિટીની રચના

મુખ્યમંત્રી રહેશે કમિટીના અધ્યક્ષ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન સાથે જોડાયેલા અમદાવાદના ગાંધી આશ્રમનું નવીનીકરણ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેકટ ઝડપથી સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં એક કમીટીની રચના કરવામાં આવી છે.

આ કમીટી દ્વારા આગામી દિવસોમાં ગાંધી આશ્રમને વિશ્ર્વ વિખ્યાત બનાવવા માટે શું કરી શકાય તે અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.