Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત લીંક કેનાલો દ્વારા  50 ડેમ ઉપરાંત, 100થી વધુ તળાવો અને  500થી વધુ ચેકડેમો નર્મદાના નીરથી ભરવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત

રૂપાણી સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લેવામાં  આવ્યો છે. ઉનાળામાં ખેડૂતો સિંચાઈ માટે પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર  દ્વારા  સૌની યોજના અંતર્ગત લીંક કેનાલો દ્વારા સૌરાષ્ટ્રના આઠ જિલ્લાનાં 50 ડેમો, 100થી વધુ તળાવો અને 500 જેટલા ચેકડેમોને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુંક સમયમાં જળાશયો  નર્મદાના નીરથી ભરી દેવા માટે પાણી છોડવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે  વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણી માટે સૌની યોજનાની લિંક કેનાલ દ્વારા નર્મદાનું નીર આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જે મુજબ સૌની યોજનાની ચારેય લીંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જુનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ચેકડેમો/તળાવો ભરવા માટે લીંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મીલીયન ઘનફુટ, લીંક-2 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1875 મીલીયન ઘનફુટ, લીંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મીલીયન ઘનફુટ, લીંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1050 મીલીયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મીલીયન ઘનફુટ મળી કુલ-4000 મીલીયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે  રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત હાલ રાજકોટની જળ સમસ્યાને  ઉકેલવા આજી ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં  આવી રહ્યા છે. હવે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના આઠ જિલ્લ્લાનાં 50 જળાશયોથી ભરી દેવાની જાહેરાત  કરવામાં આવી છે. ત્યારે  ખેડુતો  ઉનાળુ પાક પણ  લઈ શકશે અને સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા પણ નહી સર્જાય.

2022 સુધીમાં ઘર ત્યાં જલ: રૂપાણી

નલ સે જલ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત 10 લાખ 20 હજાર જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શુદ્ધ પાણી મળી રહે અને ઘરે ઘરે નળમાંથી પાણી પ્રાપ્ત થાય તેવા સંકલ્પ સાથે નલ સે જલ યોજના શરૂ કરી છે. આ યોજનાને વર્ષ 2022 સુધીમાં જ ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ જણાવી મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ કનેક્શન બાકી રહ્યા છે તે માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે એટલે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નલ સે જલ હશે.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના પાંચ જિલ્લાઓમાં નલ સે જલ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ 2022 ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.