Abtak Media Google News

ઈ-ઓકશનમાં માત્ર બે જ આસામીઓએ ભાગ લીધો: 55,000ની અપસેટ કિંમત સામે માત્ર 100 રૂપિયા વધુ ઉપજ્યા: 4679 ચો.મી.નો પ્લોટ એમ.ટી.બિલ્ડકોમ પ્રા.લી.ના પરેશભાઈ ભાલાળાએ ખરીદ્યો

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશનની માલીકીના અલગ અલગ હેતુ માટેના અનામત પ્લોટનું ગઈકાલથી ઈ-ઓકશન શરૂ કરવામાં આવ્યું છે. નાના મવા સર્કલ પાસેનો સોનાની લગડી જેવો પ્લોટના ગઈકાલે રેકોર્ડબ્રેક 118 કરોડ રૂપિયા ઉપજ્યા બાદ આજે વધુ એક પ્લોટની સફળ હરરાજી થવા પામી છે. અયોધ્યા ચોક પાસેના પ્લોટની આજે ઓનલાઈન હરરાજી કરવામાં આવતા રૂા.25.78 કરોડ ઉપજયા છે. જ્યારે અહીં જ એક પ્લોટનો કોઈ લેવાલ ન હોય હરરાજી મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જમીન વેંચાણનો 135 કરોડનો લક્ષ્યાંક માત્ર 2 પ્લોટના વેંચાણથી જ પુરો થઈ જવા પામ્યો છે. અન્ય 6 પ્લોટના ઈ-ઓકશનમાં કોઈ પાર્ટીએ ભાગ લીધો ન હોવાના કારણે હવે આ પ્લોટની હરરાજી કરવામાં આવશે નહીં.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યાનુસાર આજે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીક બંધન પાર્ટી પ્લોટની પાછળ ધ સ્પાયર બિલ્ડીંગ સામે ટીપી સ્કીમ નં.9 (રાજકોટ)ના આખરી ખંડ નં.આર/8ના 4679 ચો.મી.ના પ્લોટની ઓનલાઈન હરરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે આસામીએ ભાગ લીધો હતો. પ્લોટની અપસેટ કિંમત રૂા.55000ની સામે એમટી બિલ્ડકોમ પ્રા.લી.ના માલીક પરેશભાઈ ભાલાળાએ આ પ્લોટ 55100માં ખરીદવાની ઓફર આપતા તેઓને આ પ્લોટનું વેંચાણ કરવામાં આવ્યું છે. જેના થકી મહાપાલિકાની રૂા.25,78,12,900 ની આવક થવા પામી છે.  તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે બપોર બાદ અયોધ્યા સર્કલ પાસેના એક પ્લોટની ઓનલાઈન હરરાજી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ આ પ્લોટનું કોઈ લેવાલ નથી દરમિયાન આગામી બે દિવસમાં જે પાંચ પ્લોટનું ઈ-ઓકશન કરવાનું છે તેમાં પણ કોઈ લેવાલ ન હોવાના કારણે હરરાજી મોકુફ રાખવામાં આવી છે.

જમીન વેંચાણનો 135 કરોડનો ટાર્ગેટ 2 પ્લોટમાં જ પૂર્ણ: 9 કરોડની વધુ આવક

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાને જમીન વેંચાણનો 135 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ટીપી શાખાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા 8 અનામત પ્લોટ વેંચવા માટે ઈ-ઓકશનની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં ગઈકાલે નાના મવા સર્કલ પાસેનો સોનાની લગડી જેવા પ્લોટના 118 કરોડથી પણ વધુ રૂપિયા ઉપજયા હતા. દરમિયાન આજે અયોધ્યા ચોકડી પાસેના પ્લોટનું વેંચાણ થતાં રૂા.25.78 કરોડમાં વેચાયો છે. આમ 2 પ્લોટે જ જમીન વેંચાણનો 135 કરોડનો ટાર્ગેટ પુરો કરી દીધો છે અને વધારાના 8.94 કરોડ આવ્યા છે. હવે બાકીના 6 પ્લોટની હરરાજી કરવાની જરૂરીયાત નથી. બીજી તરફ આ છ પ્લોટ માટે કોઈએ ઈ-ઓકશનમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી ન હોય હવે એક પણ પ્લોટની હરરાજી થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.