Abtak Media Google News

15 જુન સુધી ચાલનારા અભિયાનમાં જિલ્લાના મહત્તમ તળાવો, ચેકડેમો ઉંડા કરવા તથા નવા તળાવોના નિર્માણ સહિતની કામગીરીનો સમાવેશ: મનરેગા અંતર્ગત વધુમાં વધુ સ્થાનિક શ્રમિકોને ઘરઆંગણે રોજગારી પ્રાપ્ત કરાવાશે

જળશક્તિ અભિયાનના નક્કર અમલીકરણ માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને સાંજે 4-00 કલાકે બેઠક

માનવ જીવનમાં જળ અનિવાર્ય પરીબળ છે. રાષ્ટ્ર અને રાજયના વિકાસમાં પણ પાણીનું યોગ્ય વ્યવસ્થાપન એ મહત્વપુર્ણ બાબત છે. સમાજના આર્થિક અને સામાજીક ઉત્કર્ષમાં પણ પાણીનો મહત્વનો ફાળો રહેલો છે. આ તમામ બાબતોને ધ્યાને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વહી જતાં જળના મહત્તમ સંચય માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કરેલ છે. જે અન્વયે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જળશક્તિ અભિયાન અન્વયે વરસાદ આવે તે પહેલાના ત્રણ- ચાર માસ દરમિયાન વધુમાં વધુ જળસંચયના કામો થાય તે માટે સમગ્ર રાજયમાં જળસંચયનું કાર્ય હાથ ધરવામાં આવે છે. જેના સકારાત્મક પરીણામો પણ કૃષિ વિકાસમાં જોવા મળ્યા છે.

આ વર્ષે પણ આગામી 100 દિવસોમાં જળશક્તિ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના જળસંગ્રહના મહત્તમ કામો થાય તે માટે  આગોતરૂ નકકર આયોજન કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નાયબ કલેકટર વર્ગ-1ના અધિકારીને આ અભિયાનના સુચારૂ અમલીકરણ માટે નોડલ ઓફિસર તરીકે નિયુકત પણ કરવામાં આવ્યા છે.

Collector Shri Remya Mohan 1

જળશક્તિ અભિયાનના સુદ્રઢ આયોજનની સાથે તેનુંનક્કર અમલીકરણ થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને આજે ના રોજ સાંજે 4-00 કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ અભિયાન અંતર્ગત વધુમાં વધુ સ્થાનિક શ્રમિકોને જોડી તેમને રોજગારી અપાવવા સાથે ગામદીઠ જળસંચયના ઓછામાં ઓછા પાંચ કામો થાય તે માટે મનરેગા યોજના હેઠળ માંગણી હોય તેવા તમામ શ્રમિકોને કામ અપાવવા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તથા ગામના સરપંચોને કલેકટર રેમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા દ્વારા પત્ર પાઠવી અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના દરેક ગામમાં જળસંચયના વિવિધ સામુહિક કામો જેવા કે નવા તળાવ બનાવવા, જુના ચેકડેમ કે તળાવોને ઉંડા ઉતારવા, તળાવ અને ડેમમાંથી કાંપ કાઢી વરસાદી પાણીની સંગ્રહશક્તિ વધારવી, વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા બોર કુવા રિચાર્જ સ્ટ્રકચર, રૂફટોપ વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, વૃક્ષારોપણ જેવા કામો મનરેગા અંતર્ગત લઇ શકાય.

આ માટે શ્રમિકોને રોજગારીની જરૂરીયાત મુજબ સરપંચઓ કે તલાટી કમ મંત્રીઓ, તાલુકા પંચાયત કચેરી કે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી કામગીરી શરૂ કરાવી શકે છે. આ ઉપરાંત કામની જરૂરીયાત હોય તેવા શ્રમિકો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નં.- 0281-2476469 ઉપર કચેરી સમય દરમિયાન 11-00 થી સાંજના 5-00 કલાક દરમિયાન સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત શ્રમિકો તેમના નામ, સંપર્ક નંબર તથા ગામનું નામ અને તાલુકાના નામની વિગત મોબાઇલ નંબર 99043 741558 તથા 99049 21100 ઉપર વોટસએપ પણ કરી શકે છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.