Abtak Media Google News

નવી શિક્ષણ નીતિ મુજબ આત્મીય યુનિવર્સિટી દ્વારા લોકલ અને ગ્લોબલનો સમન્વય સાધવાનો અભિગમ 

આગામી દિવસોમાં સેન્ટર ઓફ એકસેલન્સ વિકસાવવા અંગે પણ બંને સંસ્થાઓ વચ્ચે સહમતિ સધાઇ 

આત્મીય યુનિવર્સિટી અને મલેશિયાની પ્રખ્યાત લિંકન યુનિવર્સિટી કોલેજ વચ્ચે સહયોગ સમજૂતી કરવામાં આવી છે. તે અંતર્ગત બન્ને યુનિવર્સિટીઝ દ્વારા સંયુક્તપણે સંશોધન અને ટ્રેનિંગના કાર્યક્રમો ઉપરાંત અધ્યાપકો અને વિદ્યાર્થીઓના એક્સચેન્જ માટેનાં એકેડેમીક મોડયુલ અપનાવવામાં આવશે. આ સમજૂતી અંતર્ગત વિદ્યાર્થીઓમાં રોજગારલક્ષી કૌશલ્ય અને ઉદ્યમ સાહસિકતાનો વિકાસ થાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જે કુશળ માનવશક્તિની જરૂરિયાત રહે છે તેનો લાભ વિદ્યાર્થીઓને મળે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ સમજૂતી કરાર માટે આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી ત્યાગવલ્લભ સ્વામી અને લિંકન યુનિવર્સિટી કોલેજ  મલેશિયાના અધ્યક્ષ ડો. અમિય ભૌમિકની ઉપસ્થિતિમાં યોજાયેલા ઓનલાઈન કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીનાં પ્રો-ચાન્સેલર ડો. શીલા રામચંદ્રન, ડે. રજીસ્ટ્રાર ડો. આશિષ કોઠારી, વિવિધ ફેકલ્ટીઝનાં ડીન, લિંકન યુનિવર્સિટી કોલેજ મલેશિયાના ડો. અભિજિત ઘોષ, ડો. સંદીપ પોદ્દાર ઉપસ્થિત રહ્યા હતા.

આત્મીય યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિ અનુસાર લોકલ અને ગ્લોબલ અભિગમનો સમન્વય સાધવાનો અભિગમ રાખ્યો છે. ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવશક્તિનાં નિર્માણમાં સહાયતા મળી રહે તે માટે વૈશ્વિક સ્તરે નામના ધરાવનાર અને રાજકોટનાં ગૌરવસમી ઇ.પી.પી. કમ્પોઝીટ પ્રા. લિમિટેડ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

આ સમજૂતી અંતર્ગત કર્મચારીઓને તાલીમ, વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ, રિસર્ચ પ્રોજેકટ, સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ, પ્લેસમેન્ટ, ટેક્નોલોજીકલ ઇનોવેશન કોર્સિઝ વગેરે બાબતો આવરી લેવામાં આવી છે.  ભવિષ્યમાં સેન્ટર ઓફ એક્સેલન્સ વિકસાવવા અંગે પણ બન્ને સંસ્થાઓ વચ્ચે સહમતી સધાઈ છે.

રાજકોટમાં ઇ.સ. 1986થી કમ્પોઝીટ ક્ષેત્રે કાર્યરત  ઇ.પી.પી. કમ્પોઝીટ પ્રા. લિમિટેડના ચેરમેન શ્રી સિધ્ધાર્થ શાહે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના વિકાસમાં અને એ રીતે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની વધુ એક તક આ સમજૂતીથી મળી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આ સમજુતી માટે ફેકલ્ટી ઓફ બીઝનેસ એન્ડ કોમર્સના ડીન ડો. વિશાલ ખાસગીવાલા તથા તેમની ટીમે બન્ને સંસ્થાઓના મધ્યસ્થ સ્થાને રહી જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મેઘાશ્રી દધીચ અને ડો. જયેન ઠાકરે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.