Abtak Media Google News

પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

 

ભારત સરકારે પીજી વિદ્યાર્થીઓ માટેની નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ નીટને હાલ પુરતી સ્થગીત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નીટ પીજીની આવતીકાલથી પરીક્ષા યોજાનાર હતી જે હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. વધતા કોરોના સંક્રમણને જોતા અત્યાર પુરતી આ પરીક્ષા મુલત્વી રહેશે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.નીટ પીજીની પરીક્ષામાં આ વર્ષે લગભગ 2 લાખ વિદ્યાર્થી ભાગ લેવાના હતા. આ માટે એડમીટ કાર્ડ પણ રીલીઝ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ દેશના વધતા જતા કોરોનાના 2 લાખ જેટલા કેસો સામે આવતા નીટની એકઝામ સ્થગીત રાખવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી માસમાં નીટ પીજીની પરીક્ષા મોકુફ આવી હતી.

સરકાર દ્વારા આ નિર્ણય લેવાઈ તે પહેલા આ પરીક્ષા હાલ પુરતી સ્થગીત રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક પીટીશન કરવામાં આવી હતી. આ પીટીશનમાં જણાવાયું હતું કે, જે ડોકટર અત્યારે કોરોના પેશન્ટની સેવા કરે છે તેઓ સેન્ટરમાં જઈ એકઝામ આપશે તો તેમની જિંદગી જોખમમાં મુકાશે. ધો.10ની સીબીએસઈની પરીક્ષા પણ પરમ દિવસે રદ કરવામાં આવી છે અને ધો.12ની એકઝામ પણ ટૂંક સમય માટે મુલત્વી રાખવામાં આવી છે. આ રીતે નીટ પીજીની એકઝામ પણ હાલ પુરતી સ્થગીત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધતા મોટાભાગના રાજ્યોમાં બોર્ડની પરીક્ષા રદ્દ અથવા તો હાલ પુરતી સ્થગીત કરી દેવામાં આવી છે. ગઈકાલે ગુજરાત બોર્ડ દ્વારા પણ ધો.10 અને 12ની પરીક્ષા સ્થગીત કરવામાં આવી છે અને ધો.1 થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષાની નવી તારીખો જાહેર થશે ત્યારબાદ 15 દિવસનો રીડીંગ ટાઈમ આપવામાં આવશે. હાલ રાજ્યભરમાં આગામી 10 મે સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો પણ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.