Abtak Media Google News

રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ મ્યુ. કમિશ્રર કે જિલ્લા કલેકટરોની જવાબદારી ઉભી કરીને સોંપવી જોઇએ 

નહિ, આ મામલે આરોગ્ય વિભાગ તાકીદે બેઠક બોલાવી યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવે: હાઇકોર્ટ 

કોરોનાની ગંભીર પરિસ્થિતિને લઈને હાઈકોર્ટમાં થયેલી સુઓમોટોને લઈને ગુજરાત હાઈકોર્ટે આ મામલે કડકાઈથી કામ લઈને નિર્દેશ આપ્યા છે. સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન મામલે પણ હાઈકોર્ટે ટકોર કરી કે, ઈન્જેક્શનનો સ્ટોક હોવા છતા કોવિડ હોસ્પિટલમાં ઈન્જેક્શન પહોંચી નથી રહ્યાં.

ગુજરાત હાઇકોર્ટે આકરા તેવર બતાવીને રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ આપતા કહ્યુ કે, રેમડેસિવિરના વિતરણ બાબતે રાજ્ય સરકાર પોતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે. રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ મ્યુ. કમિશ્રર કે જિલ્લા કલેકટરોની જવાબદારી ઉભી કરીને સોંપવી જોઇએ નહિ. આરોગ્ય વિભાગના અગ્રસચિવ તમામ જરુરી લોકો સાથે અરજન્ટ મિટિંગ બોલાવી અને આ પ્રશ્નના નિરાકરણ માટે કાર્યવાહી કરે.

108 દ્વારા હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવે છે, તેવું હવે નહિ ચાલે: હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ

હાઈકોર્ટે એસવીવી હોસ્પિટલ સામેલાલ આંખ કરતા કહ્યુ કે, એસવીપી હોસ્પિટલમાં રેમડેસિવિરનો સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. એસવીપીમાં ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે. સાથે જ હાઈકોર્ટે કહ્યુ કે, ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે સરકાર ધ્યાન આપે. તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પૂરી પાડો. 108માં આવતા ક્રિટીકલ દર્દીઓની વિગત સરકાર ધ્યાન રાખે.

દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઇ જવા 108ને પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મુદ્દે કહ્યુ કે, 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહિ ચાલે. કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો કે, ક્રિટીકલ પેશન્ટ્સ માટે 108ની ઉપલબ્ધતા પહેલા કરાવવામાં આવે. જેનો કોલ પહેલો આવ્યો તેને એમ્બ્યુલન્સ પહેલા લેવા જશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવો. એમ્બ્યુલન્સ સેવા કરતા આવેલા કોલમાં ક્રિટીકલ પેશન્ટ કોણ છે તેના ત્યાં એમ્બ્યુલન્સ પહેલી પહોંચે તે જરૂરી છે.

સાથે જ રાજ્યમાં રેપિડ કરતા આરટીપીસીઆરના ટેસ્ટિંગ પર ભાર મૂકવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ઓક્સિજન સહિત કોવિડમાં વપરાતી દવાઓના ભાવમાં ઘટાડો કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આઈસીયુ , વેન્ટિલેટર સહીતની સુવિધાઓ પર ભાર મૂકવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.