Abtak Media Google News

22 દિવસમાં 5,993 કેસ સામે 3,159 દર્દીઓ જ સ્વસ્થ થયા: શહેરમાં ગામડા કરતા પણ દર્દીના સ્વસ્થ થવાની ટકાવારી નીચી નોંધાઇ

જામનગર શહેર જીલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ નવા નવા રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આજે વધુ 668 દર્દીઓને કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 114 દર્દીઓએ કોવિડ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. જેમાં 17 દર્દીઓના મોત સતાવાર દર્શાવવામાં આવ્યા છે જે સીજનના સૌથી વધુ છે. જામનગર જીલ્લામાં કોરોના સંક્રમણ જેટ ગતિએ આગળ વધતા સતત નવમાં દિવસે નવા દર્દીઓના આંકમાં નવો રેકોર્ડ થયો છે. આજે જામનગર શહેર અને જીલ્લામાંથી વધુ 668 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્યમાં 285 દર્દીઓ અને શહેરના 383 દર્દીઓનો સમાવેશ થાય છે બીજી તરફ શહેરના 150 દર્દીઓ તંદુરસ્ત થઇ જતા રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યમાં 289 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સતાવાર મૃત્યુ તરફ નજર કરીએ તો ગ્રામ્યમાં છ અને શહેરમાં દસ દર્દીઓનના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ 98 દર્દીઓએ દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં એપ્રિલ માસ કોરોનાની મુશીબતનો ભાર લઇને આવ્યો છે. ચાલુ માસના 22 દિવસમાં કોરોનાના નવા 5,993 કેસ નોંધાયા છે તો બીજી તરફ 3,159 દર્દીઓ કોરોનાને મ્હાત આપી શકયા છે. જો કે કોરોનાની આ બીજી લહેરમાં રિકવરીરેટ નીચો જઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.જામનગરમાં એપ્રિલ માસમાં કોરોના કાળ બનીને ત્રાટકતો હોય તેમ લાગે છે. જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમણને વ્યાપ ચિંતાજનક માત્રામાં વધ્યો છે અને હજુ વધી રહ્યો છે. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે. તે જોતા તાત્કાલિક કોરોનાને નિયંત્રણમાં લાવવો પ્રેકટીકલી રીતે અશકય હોય તેમ લાગે છે.

ગામડાઓમાં પણ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં 200થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે જેણે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની પણ ઉંઘ ઉડાડી દિધી છે. એપ્રિલ માસની શરૂઆતની વાત કરીએ તો 1લી તારીખે જામનગર શહેરમાં 34 પોઝીટીવ કેસ નોંધાયા હતા અને તેની સામે તે દિવસે 23 દર્દી સ્વસ્થ થયા હતા. 1લી એપ્રિલની જ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ જોઇએ તો 26 પોઝીટીવ કેસ સામે 22 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.આ પછી જામનગર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ પોઝીટીવ કેસ નોંધાવાનું પ્રમાણ દરરોજ વધતુ જ ગયું છે. માત્ર છ દિવસ બાદ એટલે કે 7મી એપ્રિલે જામનગર શહેરમાં 109 કેસ નોંધાયા હતા પરંતુ તેની સામે માત્ર 40 દર્દી જ સ્વસ્થ થયા હતા. જયારે જામનગર ગ્રામ્યમાં પણ 93 પોઝીટીવ કેસ નોંધાયા અને માત્ર 44 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.14મી એપ્રિલના રોજ જામનગર શહેરમાં જ 189 કેસ નોંધાયા હતા અને 99 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 119 કેસ નોંધાયા હતા અને તે સામે 74 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં ત્રણસોથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જયારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી બસ્સો કરતા વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જયારે 130 આસપાસ દર્દી ડિસ્ચાર્જ થઇ રહ્યા છે.એપ્રિલ માસના 22 દિવસનો સરવાળો જોઇએ તો જામનગર શહેરમાં 3,652 કેસ નોંધાયા છે અને તેની સામે માત્ર 1675 દર્દી જ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા છે. જયારે જામનગર ગ્રામ્યમાં 2,341 કેસ નોંધાયા છે અને તેની સામે 1484 દર્દી જ ડિસ્ચાર્જ થયા છે. કુલ જોઇએ તો જામનગર શહેર અને ગ્રામ્યમાં 22 દિવસમાં5,993 કેસ નોંધાયા છે અને તેની સામે 3,159 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા છે. ઉપરોકત આંકને આધારે એવું તારણ નિકળે છે કે કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક છે. જામનગર શહેરમાં કોરોનાનો પોઝીટીવીટી રેટ 40 ટકા જેટલો જ નોંધાયો છે અને ગ્રામ્યમાં પોઝીટીવીટી રેટ 60 ટકા જેટલો નોંધાયો છે. શહેર અને ગ્રામ્યનો સરેરાશ પોઝીટીવીટી રેટ બાવન ટકા રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.