Abtak Media Google News

જૂનાગઢમાં મંગળવારની રાત્રે ગિરનાર ડોળિ એસોસિયેશનના પટેલની ઘાતકી રીતે હત્યા કરવામાં આવતા સમગ્ર જૂનાગઢમાં સનસનાટી મચી જવા પામી હતી. જો કે, ઘટનાની જાણ થતાં જિલ્લાના પોલીસ વડા, ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ તથા આરોપીઓની તલાસ જારી કરી, હત્યાના ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા.

જુનાગઢ એસોસિયેશનના પ્રમુખ અને અનેક સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રમેશભાઈ બાવળીયાના 30 વર્ષીય ભત્રીજા રાજુ ઉર્ફે લાલો નારણભાઈ બાવળીયા મંગળવારે રાતના આઠ વાગ્યા આસપાસ પોતાની બાઈક લઈને ભરડાવાવ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં આવી ચડેલા હત્યારાઓએ રાજુ ઉર્ફે લાલોને આંતરીી, પછાડી દઈ તિક્ષણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા કરી મૃતક યુવાનનું માથુંં ધડથી અલગ કરી, છૂંદી નાખી અત્યંત ઘાતક રીતે હત્યા કરી, રાજુ ઉર્ફે લાલોોનું ઢીમ ઢાળી દીધું હતું ત્યાંરે લાલાની નિર્મમ રીતે કરાયેલી હત્યાથી રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાયા હતા.

આ ઘટનાની જાણ થતા જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, તથા એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની સુચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની માર્ગદર્શન નીચે પોલીસની 5 ટીમ બનાવી તમામ દિશામાં તપાસ હાથ ધરાઇ હતી  નેત્રમ, ટેકનિકલ સોર્સની ટીમ તથા એલસીબી, એસઓજી અને એ ડિવિઝનની ટીમ દ્વારા હત્યારાઓને પકડી પાડવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.

આ હત્યા બાદ ગત મોડીરાત્રીના રમેશભાઈ વેલજીભાઇ બાવળિયાએ જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં શહેરના ભરડા વાવ ધોળા ઉપર રહેતો રાણો તથા ચિરાગ અને દોલતપરા ખાતે રહેતો દાડો બાદશાહ સામે તેમના ભત્રીજા રાજુ ઉર્ફે લાલો નારણભાઈ બાવળીયાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રાણો તેમના ઘર પાસે ભૂંડી ગાળો બોલતો હોય જે ગાળો ન બોલવા રાજુ ઉર્ફે લાલાએ ના પાડતા તેનું મનદુખ રાખી રાણા સહિતના ત્રણ શખ્સોએ તેમના ભત્રીજા પર ઘાતકી હુમલો કરી હત્યા કરી હોવાનું કારણ જણાવેલ છે.

દરમિયાન પોલીસ તપાસના ધમધમાટ દરમિયાન એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, આ હત્યાના આરોપી એવા રફીક ઉર્ફે આર.કે. હૈદુભાઈ મજબુલ (ઉ.વ. 21) તથા ચિરાગ હસમુખભાઈ મકવાણા (ઉ.વ. 22) જીઆઇડીસી – 2 માં સંતાયા છે, ત્યારે પોલીસ ટીમે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી, બંને શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશનના પો.કો. રાજુભાઇ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, આ હત્યાનો મુખ્ય આરોપી રાણા અંબાદાસ ગોસાઈ મરાઠી (ઉ.વ. 30) શમસાન પાસેની ગટરમાં છુપાયો છે, ત્યારે રાણાને પણ દબોચી લીધો હતો, આમ ત્રણેય આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.

અત્રે નોંધનીય છે કે આજથી છ વર્ષ અગાઉ રમેશભાઈ બાવળીયાના ભાઈ તથા હત્યામાં મરણ જનાર રાજુ ઉર્ફે લાલાના કાકા ધર્મેશ ઉર્ફે ધમો વિરજીભાઇ બાવળીયાની હત્યા થવા પામી હતી અને તેમને કાર નીચે કચડી નાખવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.