Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના કપરાકાળમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી દોઢ કરોડની ફાળવણી કરી છે. તેઓએ પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયા રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર માહિતી મુજબ મુખ્યમંત્રીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા ખર્ચ થશે. આ ગ્રાન્ટ રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી આપી છે. કોરોનાની સારવાર માટે ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા ફાળવવાના રહેશે. કોરોના સારવાર માટેના સાધનો-દવાઓ ખરીદવા ગ્રાન્ટ ફાળવવાની રહેશે. આ ગ્રાન્ટ સરકારી હોસ્પિટલમાં સાધનો માટે ફાળવવામાં આવશે. સરકારની કોર કમિટિમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યએની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે.

તેઓએ રાજ્યની સિવિલ હોસ્પિટલો-અન્ય સરકારી હોસ્પિટલો-દવાખાના તેમજ મહાનગરપાલિકા- નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોવિડ-19 સારવાર હેતુ માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા આ ગ્રાન્ટની રકમ ફાળવવાની રહેશે. ધારાસભ્યો પોતાના મત વિસ્તારની જિલ્લા સિવિલ હોસ્પિટલ-સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સબ ડ્રીસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર સાધન-સામગ્રી માટે ગ્રાન્ટ વાપરી શકશે.ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, સેવાભાવથી અને નહિ નફો નહીં નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂ. 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે. ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આવા આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે. વર્ષ 2021-22ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવતા કામો માટે જ આ જોગવાઇઓ રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ હતી. દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ કરવા પરિવારને ભારે દોડધામ કરવી પડતી હતી. જો કે હવે ઓક્સિજનની માંગ ધીમે ધીમે ઘટી છે. પરંતુ પરિસ્થિતિ ફરી ન વણસે તેને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની કવાયત હાથ ધરી છે. જેને કારણે દર્દીઓને ત્યાં જ સહેલાયથી મળી રહે. આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટ પણ ફાળવી છે. આ ગ્રાન્ટ કોરોનાના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. વધુમાં કોર કમિટિમાં પણ ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટ કોરોના માટે વાપરવાની હાંકલ કરવામાં આવી છે. આમ હાલ સરકાર ગ્રાન્ટનો ઉપયોગ કોરોનામાં વપરાય તેવા પૂરતા પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.