Abtak Media Google News

વેપારીઓએ અનેક વખત રજુઆત કરી, પણ પાલિકાના જાણી જોઈને આંખ આડા કાન

જો પ્રજાના કામ ન કરવા હોય તો રાજીનામાં આપી દયો, સતા હાથમાં લઈને લોકપ્રશ્નને નજરઅંદાજ કરવા અયોગ્ય : ચૂંટાયેલા સદસ્યોને ખુલ્લો સંદેશ

ધ્રોલ નગરપાલિકાના ગોબરવેળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં પાણીના પ્રશ્નની સાથે સફાઇના પ્રશ્નોએ માઝા મૂકી છે. છતાં પાલિકા આ પ્રશ્ન સામે ખુલ્લી રીતે આંખ આડા કાન કરી રહી છે. વેપારીઓએ અનેક વખત આ મામલે રજુઆત કરી છે પણ તેનું કઈ પરિણામ આવી રહ્યું નથી.

Img 20210526 Wa0058 ધ્રોલની મેઈન બજારમાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે. આ મેઈન બજારમાં વજુભાઇની મિલ પાસે આવેલ રઘુવીર કોમ્પ્લેક્ષ નજીક કચરાના ખડકલા થઈ ગયા છે. નગરપાલિકા દ્વારા કચરા ઉપાડવામાં આવતા ન હોય અહીં છેલ્લા ઘણા સમયથી કચરો એકત્રિત થઈ રહ્યો છે. જે કચરો રસ્તામાં આમતેમ ઉડીને દુકાનોની અંદર પણ આવે છે. જેના કારણે અહીં મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે. નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોય વેપારીઓમાં આ મામલે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

વધૂમાં અહીંથી નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને ફરજિયાતપણે કચરામાંથી નીકળવું પડે છે. આ કોરોનાકાળમાં પાલિકાની ગંભીર બેદરકારીથી કચરાના ઢગ ખડકાયા હોય રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ મામલે રજૂઆતો કરી કરીને વેપારીઓ પણ હવે કંટાળી ગયા છે. વેપારીઓ કચરો નાખનાર સામે પગલા લઈને કચરો ઉપાડવામાં આવે તેવી પાલિકા સમક્ષ માંગ ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ધ્રોલ નગરપાલિકાની ઢીલી નીતિથી અનેકવિધ પ્રશ્નો યથાવત સ્થિતિમાં રહ્યા છે ખાસ કરીને ચૂંટાયેલા સભ્યો પ્રજાના પ્રશ્ને રસ ન લેતા હોય લોકોને હાડમારીનો સામનો કરી રહ્યા છે. એક સમયે પ્રજાના દ્રારે આવી અનેક વચનો આપનાર નગરસેવકો હવે પ્રજાના પ્રશ્નોથી ભાગી રહ્યા છે.

ચૂંટાયેલા સભ્યના પતિએ કહ્યું કે સફાઈકર્મીઓ અમારા કહ્યામાં નથી!!

ધ્રોલ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા સદસ્યનો કારભાર સાંભળતા તેના પતિનો કચરાના પ્રશ્ન અંગેનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે સફાઈ કર્મીઓ અમારા કહ્યામાં નથી. હવે પ્રશ્ન એ થાય છે કે નગરસેવક સફાઈકર્મીઓ કહ્યામાં ન હોવાનું બહાનું ધરીને હાથ ઊંચા કરી દયે તે કેટલા અંશે વ્યાજબી છે. તેઓની વાત માત્ર જવાબદારીમાંથી છટકવાનું બહાનું છે. કદાચ જો તેઓની વાત સત્ય હોય તો પણ તેઓએ આ મામલે લડત આપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.