Abtak Media Google News

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ રહી છે. અગાઉ તમામ ધારાસભ્યોની સાથે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીની બેઠક થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો હતો, વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે તે બાબત સ્પષ્ટ થઈ હતી. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં કોરોના સંક્રમણને કારણે મુકાયેલા નિયંત્રણોમાંથી વધુ છૂટછાટ આપવી કે કેમ? તે અંગે વિસ્તૃત ચર્ચા થનારી છે. સાથોસાથ નાઈટ કરફ્યુ, નિયંત્રણમાં રહેલા સેક્ટરને છૂટછાટ આપવી કે કેમ? તે અંગે પણ ચર્ચા થનારી છે.

નાઈટ કરફ્યુ, વાવાઝોડાએ સર્જેલી તારાજીના સર્વે સહિતની બાબતે કરાશે ચર્ચા

રાજ્ય સરકારની આજની કેબિનેટ બેઠકમાં સૌપ્રથમ તો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મુકાયેલા નિયંત્રણોમાં હવે વધુ છૂટછાટ આપવી કે કેમ તે અંગે વિસ્તૃત ચર્ચા થનારી છે. સાથોસાથ વાવાઝોડાએ સર્જેલી તારાજીના સર્વે અંગેનો મુદો પણ હાથ પર લેવામાં આવશે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું ત્યારે સર્વેના આધારે રાહત આપવાની વાત કરવામાં આવી હતી તો આ સર્વેની કામગીરી કેટલા અંશે પૂર્ણ કરવામાં આવી છે તે મુદ્દો પણ આજે કેબિનેટની બેઠકમાં ચર્ચાશે.

કોરા સંક્રમણને કારણે માસ પ્રમોશન આપી દેતા હવે રાજ્યમાં વધુ વર્ગખંડોની તાતી જરુરીયાત હોવાથી આ બાબતે પણ આજની કેબિનેટમાં ચર્ચા થાય તેવી શક્યતા છે. ઉપરાંત હવે કેટલા સમય બાદ શાળા-કોલેજો ઓફલાઈન શરુ કરવી તે મુદ્દો પણ આજની કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ બની રહેશે.

છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં રાત્રી કર્ફ્યુની અમલવારી કરવામાં આવી છે ત્યારે હવે રાત્રીકરફ્યુને હટાવી લેવો કે પછી વધુ રાહત આપવી તે અંગે પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તેવી પ્રબળ શક્યતા છે. નોંધનીય બાબત છે કે, હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે ત્યારે રાત્રિ કરફ્યુમાં રાહત આપવામાં આવે તેવા પણ અણસાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.