Abtak Media Google News

ગુજરાત રાજ્યને કુદરતની અમુલ ભેટો મળી છે. તેમાં એક તરફ કચ્છનું રણ તો બીજી બાજુ ગીરની જંગલને જયારે 1600 કિમીનો લાંબો દરિયાકિનારો. આ દરિયાકિનારાથી ગુજરાતને ઘણા બધા ફાયદાઓ થયા છે. દરિયાકાંઠે ખારાશનું પ્રમાણ જોવા મળે છે, તેની સાથે આજુબાજુના વિસ્તારનું પાણી ખુબ ખારાશ વારુ હોય છે. આજે રાજ્ય સરકાર દ્વારા આ દરિયાઈ ખારાશને અટકાવવા યોજનાને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે 101 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે.

મુખ્યમંત્રીએ આ વિસ્તારના લાખો નાગરિકો ગ્રામજનો અને ગામોના લાંબા ગાળાના હિતને અનુલક્ષી આ યોજના મંજૂર કરી છે. આના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 24 ગામોની અંદાજે 2110 હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદૃપ બનશે. આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે.

દરિયાઇ વિસ્તારમાં મળેલી આ પ્રકારની સફળતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ગીરસોમનાથ જીલ્લામાં 101.99 કરોડના ખર્ચે આ યોજના મંજૂર કરી છે. વેરાવળ શહેર અને સુત્રાપાડા શહેરના લોકોને ભુગર્ભ જળ ઉંચા આવવાથી પીવાના પાણીમાં ખુબ જ ફાયદો થશે. દરીયાના પાણીની ખારાશ આગળ આવતી અટકશે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ધુસવાની સમસ્યાથી પણ રાહત મળશે.

અત્યારસુધીમાં જળસંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ 46 ભરતી નિયંત્રક-બંધારા, 18 પુન:પ્રભરણ જળાશયો, 34 પુન:પ્રભરણ તળાવો, 397 કૂવાઓ તેમજ 220 કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને 678 નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના 87,797 હેક્ટર વિસ્તારને ફાયદો થયો છે. એટલું જ નહીં, ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ થયેલી કામગીરીથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયું છે. તેમજ દરિયાઇ વિસ્તારમાં ખારાશ આગળ વધતી પણ અટકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.