Abtak Media Google News

સતત ચોથા વર્ષે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી 22 દિકરીઓને ધામધૂમથી પરણાવવાનો ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમનો સંકલ્પ

દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહ -4 યોજવા જઈ રહી છે. માતા – પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ ગરીબ પરીવારની 22 દીકરીઓને સતત ચોથા વર્ષે પરણાવવાનો દીકરાનું ઘર દ્વારા સંકલ્પ કરાયો છે. જેમાં ચાલુ સાલ કોરોનાની પરિસ્થિતિમાં જે દીકરીએ માતા – પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ હશે તેની દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતનાં કોઈપણ ખૂણેથી દેશની રક્ષા કાજે શહિદ થયેલ જવાનની દીકરીને તેમની ઈચ્છા અને પરંપરા મુજબ પરણાવવાનો સંકલ્પ પણ કરાયો છે. આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. 20, જુલાઈથી ફોર્મ વિતરણ પણ શરૂ કરી દેવામાં આવેલ છે અને હજુ 31, ઓગષ્ટ સુધી નિરાધાર દીકરીઓ માટે 305, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપરથી સાંજે 4 થી 7 ફોર્મ મળી શકશે.

દીકરાનું ઘર દ્વારા યોજાતા આ વહાલુડીના વિવાહ આજે સમગ્ર ગુજરાતમાં અત્યંત લોકપ્રિય થયા છે. લોકોએ તેને સ્વીકૃતિ આપી છે. સુખી સંપન્ન દાતાઓએ આવી દીકરીઓ ઉપર પ્રેમ વરસાવ્યો છે . દીકરાનું ઘરના 171 સુખી સંપન્ન પરિવારના કાર્યકર્તાઓ જાણે પોતાની દીકરી કે બહેન પરણતી હોય તેવા ઉત્સાહ સાથે તૈયારી કરે છે . ચાલુ સાલ પણ અત્યાર સુધીમાં 38 દીકરીઓના ફોર્મનું વિતરણ થયું છે વધુને વધુ દીકરીઓ આ વહાલુડીના વિવાહમાં ભાગ લે એ માટે કોઈ વ્યકિતના ધ્યાનમાં આવી કોઈ દીકરીઓ આવે તો આવી દીકરીઓને સંસ્થા સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે.

દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહમાં લગભગ તમામ સ્તરેથી વ્યાપક સમર્થન મળે છે. આ વહાલુડીના વિવાહમાં દીકરાનું ઘરના ટ્રસ્ટીઓ  પ્રતાપભાઈ પટેલ, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત બારોટ, મૌલેશભાઈ ઉકાણી, વલ્લભભાઈ સતાણી સહિતના શહેર શ્રેષ્ઠીઓ માર્ગદર્શન પૂરું પાડી રહયા છે. વહાલુડીના વિવાહમાં કરીયાવરરૂપી ભેટ અથવા રોકડ સ્વરૂપમાં દાન આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. જે માટે મુકેશ દોશી  9825077725, સુનીલ વોરા 98252 17320, નલીન તન્ના- 9825765055 અને અનુપમ દોશી 9428233796 ઉપર સંપર્ક કરવા અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.