Abtak Media Google News

Vijay Rupani2 કોંગ્રેસે 70 વર્ષમાં ન ર્ક્યુ તેનાથી વધુ કામ મોદીએ 7 વર્ષમાં ર્ક્યુ: વિજયભાઈ રૂપાણી

લીંબડીમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની જન આશિર્વાદ યાત્રામાં સામેલ થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતમાં આરંભાયેલી જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે લીંબડી ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભૂતકાળના 70 વર્ષોમાં કેન્દ્ર સરકારો જે નથી કરી શકી એનાથી અનેક ગણા વિકાસના કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 7 વર્ષના શાસનમાં સમગ્ર દેશમાં થયા છે. ભૂતકાળમાં કોઈ પણ વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી નહોતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને અનેક નવા – નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ગુજરાતના સર્વાંગી વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.

મુખ્યમંત્રીએ જન આશીર્વાદ યાત્રા લઈને આવેલા કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા સહિતની ટીમને રાજ્યની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી ગુજરાતના આઠ – આઠ મંત્રીઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવા બદલ વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાંથી કોળીના દીકરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હોય તેવી આ પ્રથમ ઘટના છે.

વડાપ્રધાને તેમની કેબિનેટમાં તમામ વર્ગના લોકોને પ્રતિનિધિત્વ આપી સાચા અર્થમાં સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે.ભારતીય જનતા પાર્ટીએ લોકોને જે વચનો આપ્યા છે તે સાચા અર્થમાં પૂર્ણ કર્યા છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં રામ, કિસાનો કો સહી દામ, મહેંગાઈ પે લગામ, હટાઓ ભ્રષ્ટાચારી બદનામ આ મંત્રથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, જ્યારે કાશ્મીરમાં 370ની કલમ હટાવીને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, તે કેન્દ્ર સરકારે સાબિત કરી બતાવ્યું છે.

મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષમાં હાથ ધરેલા કાર્યોની વિસ્તૃત છણાવટ કરતા ઉમેર્યું હતું કે, સિટિઝન શીપ, ત્રિપલ તલાક, ખેડૂતો માટેના નવા કાયદા, લેબર લો માં સુધારો સહિતના કાયદાઓ ઉપરાંત વિકાસને આગળ વધારવાની નેમ સાથે ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ટેકાના ભાવમાં વધારો સહિતની યોજનાઓના સઘન અમલીકરણ થકી કેન્દ્ર સરકારે સાચા અર્થમાં ગરીબ, મજૂર, ખેડૂત, પીડિત – શોષિત વર્ગની ચિંતા કરી છે.

એટલું જ નહિ પરંતુ કોરોનાના કપરા કાળમાં પણ દેશવાસીઓના આરોગ્યની ચિંતા કરી તેમને કોરોના સંક્રમણથી બચાવવાની સાથે બે-બે વેક્સિન બનાવીને ભારત વર્ષના નાગરિકોની આરોગ્ય સુરક્ષાની સાથે દુનિયાના અન્ય દેશોને પણ વેકસીન પૂરી પાડી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપ્યો છે.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મહિલાઓ પુરૂષની સાથે ખભે ખભા મિલાવી કાર્ય કરી આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર સહિતની અનેકવિધ યોજનાઓનું સઘન અમલીકરણ કરાવ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, સુક્ધયા સમૃદ્ધિ યોજના અને સમગ્ર શિક્ષા અભિયાન જેવી યોજનાઓના માધ્યમથી આજે મહિલાઓને આત્મસન્માન મળી રહ્યું છે.

મહિલા આઇ.ટી.આઇ. અને વોકેશનલ ટ્રેનિંગ કોર્ષ દ્વારા મહિલાઓ પુરુષ સમોવડી બની પોતાના પરિવાર અને  દેશની સમૃદ્ધિમાં આજે સહભાગી બની છે.કેન્દ્રીય રાજ્ય મંત્રીએ વધુમાં કહયું હતું કે, કોઈપણ બાળક કુ-પોષણનો ભોગ ન બને અને દરેકને યોગ્ય પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સમગ્ર દેશભરમાં પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આયુર્વેદને દેશના દરેક ગામડાના ઘર-ઘર સુધી પહોંચાડવા કેન્દ્ર  સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં 2 આયુર્વેદ હોસ્પિટલની મંજુરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં સુરેન્દ્રનગર અને બારડોલી એમ બે સ્થળોએ આયુર્વેદ હોસ્પિટલ નિર્માણ પામશે.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ન થયા હોય એટલા કાર્યો આજે થયા છે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અનેક નવા વિકાસ પ્રકલ્પોની ભેટ આપીને ગુજરાતને દેશમાં વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે એટલું જ નહી પરંતુ દેશના સર્વાંગી વિકાસ થકી ભારતવર્ષને વિશ્વના ફલક પર અગ્રેસર રાખ્યું છે.આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.