Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

ગમે તેની પાંખો કાપી નાખવાની કોંગ્રેસની નીતિ જ તેની નાવને ડૂબાડી દયે તેવુ સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણકે એક અહીં અનેક ઉદાહરણો છે કે કોઈ રાજ્યમાં જો કોઈ નેતાનું કદ વધે એટલે તેની વેતરણી હાઇકમાન્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. આ કારણોસર જ કોંગ્રેસ પક્ષમાં હમેશા વિવાદો ચાલતા જ રહે છે.

કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક વિવાદોને પગલે ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજેશ ઠાકુરને મુકવામાં આવ્યા છે.  એ જ રીતે, મેઘાલયને પણ નવા પ્રમુખ અને ત્રણ કાર્યકારી પ્રમુખ મળ્યા છે. એક અખબારી યાદી મુજબ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ ઝારખંડના પ્રમુખ તરીકે રાજેશ ઠાકુરની નિમણૂક કરી છે. સાથે તેઓએ સાંસદ ગીતા કોરા, ધારાસભ્ય બંધુ ટિર્કી, જલેશ્વર મહતો અને શાહજાદા અનવરને ચાર નવા કાર્યકારી પ્રમુખ તરીકે બેસાડ્યા છે.  અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી પીસીસીના વર્તમાન પ્રમુખ રામેશ્વર ઓરાઓનના યોગદાનની પ્રશંસા કરે છે.

પાર્ટી વિદાયમાન કાર્યકારી અધ્યક્ષ કમલેશ મહતો, ઈરફાન અન્સારી, માનસ સિન્હા અને સંજય પાસવાનના યોગદાનની પણ પ્રશંસા કરે છે. પ્રદેશ કોંગ્રેસમાં ઝઘડાને પગલે આ ફેરફારો આવ્યા છે.  રામેશ્વર ઓરાંવને પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવવાની માગણી સાથે પક્ષના કેટલાય નેતાઓએ કેન્દ્રીય નેતૃત્વને મળવા દિલ્હીની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત સોનિયા ગાંધીએ મેઘાલય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે સેલેસ્ટાઈન લિંગદોહને હટાવીને એમપી વિન્સેન્ટને બેસાડ્યા છે. જ્યારે ધારાસભ્ય અમપરિન લિંગદોહ, મારથોન સંગમા અને જેમ્સ લિંગદોહને વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે નીમવામાં આવ્યા છે. આમ ઝારખંડ અને મેઘાલયમાં ચાલતા આંતરિક વિખવાદોને પગલે કોંગ્રેસે મસમોટા ફેરફાર કરી નાખ્યા છે.

 

પંજાબ કોંગ્રેસમાં ધમાસાણ કેપ્ટનની ખુરશી સામે જોખમ ઉભું કરતું હાઇકમાન્ડ

પંજાબના વરિષ્ઠ નેતાઓની નારાજગીને અવગણીને કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુને પ્રદેશપ્રમુખનું પદ સોંપ્યું તેમ છતાં સિદ્ધુ જૂથ અમરિન્દરસિંહના જૂથને નીચું દેખાડવાની તક ગુમાવતું નથી એવામાં બંને જૂથોના વિવાદમાં પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. સત્તાધારી ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષને એક કરવા મથી રહેલી કોંગ્રેસનો આંતરિક કલહ જ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો છે તેમ છતાં જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે એમાં પણ કોંગ્રેસ પક્ષના આંતરિક રાજકારણમાં ગુંચવાઇ ગઇ છે. છત્તીસગઢમાં કોંગ્રેસની બહુમતિ સરકારમાં વિખવાદના સમાચાર છે. રાજસ્થાનમાં ગહેલોત અને પાયલોટ જૂથ વચ્ચે અવારનવાર વિવાદના સમાચાર આવતા રહે છે. હવે પંજાબમાં પણ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુના જૂથો વચ્ચે ફરી વખત ખેંચતાણ શરૂ થઇ છે.

પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને જ્યારે રાજ્યના કોંગ્રેસ પ્રમુખપદની કમાન સોંપવામાં આવી એ પછીના ઘટનાક્રમને જોતાં લાગી રહ્યું હતું કે પાર્ટીએ આંતરિક કલહને કાબુમાં કરી લીધો છે. કેપ્ટન અમરિન્દરસિંહે પણ કૂણૂં વલણ ધારણ કર્યું હતું જે જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડને ધરપત થઇ હતી કે બંને નેતાઓ વચ્ચેનો વિવાદ શમી ગયો છે. પરંતુ નવા ઘટનાક્રમમાં સિદ્ધુના સલાહકારોએ જે રીતે અનિચ્છનિય નિવેદનબાજી કરી અને એ પછી મુખ્યમંત્રી અમરિન્દરસિંહે જે આકરા પ્રતિભાવ આપ્યા એનાથી પંજાબ કોંગ્રેસમાં ફરી વખત ઘમાસાણ મચ્યું છે.

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલા માટે કેપ્ટન અમરિન્દરસિંહે સિદ્ધુને પોતાના સલાહકારોને કાબુમાં રાખવાની સલાહ આપી એનું મહત્ત્વ સમજી શકાય એવું છે. જોકે સમસ્યા એ છે કે સમયની નજાકતને સમજીને પણ બંને જૂથો રાજ્યની જનતામાં કેવો સંદેશ જશે એનો ખ્યાલ નથી રાખતા. સિદ્ધુએ પણ એ સમજવાની જરૂર છે કે પાર્ટી હાઇકમાન્ડે તેમને રાજ્યમાં કમાન સોંપી છે તો તેમણે પોતાની જવાબદારી સમજીને જનસમર્થનને જાળવી રાખવા કે પછી મજબૂત કરવા માટે પ્રયાસ કરવા જોઇએ. હકીકતમાં સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા બાદ પણ બંને જૂથો તક મળ્યે એકબીજાને નીચું દેખાડવાનું ચૂકતાં નથી. વિધાનસભાની ચૂંટણી આડે એક વર્ષ રહ્યું છે એવામાં પંજાબના કોંગ્રેસની નેતાઓની નારાજગીના કારણે પક્ષમાં ભંગાણ સર્જાઇ શકે છે. તો સિદ્ધુની મરજી ન સચવાય તો તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇને કોંગ્રેસને નબળી પાડી શકે છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેના વિવાદમાં પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.