Abtak Media Google News

ખોબા જેવડા રામેશ્ર્વર જોગડ ગામે સમી સાંજે બનેલી ઘટના: ઢોર ચરાવવાના પ્રશ્ર્ને માથાકુટ થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ: રાઘુભાઇની હત્યા થયા બાદ ઉશ્કેરાયેલા ચાર ભત્રીજાઓએ નવધણને ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો: ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: બન્ને પક્ષે સામ સામા હત્યાના ગુના નોંધાયા: ચાર શખ્સોની અટકાયત

મોરબીના હળવદ તાલુકાના જુની જોગડ ગામે ગઇકાલે સમીસાંજે રોડ પરથી ઢોર હાંકવાના પ્રશ્ર્ને બે માલધારી વચ્ચે બોલાચાલી થયા બાદ બન્ને પક્ષે ધોકા વડે સામસામા હુમલા કરતા બન્ને પક્ષે એક એક વ્યકિતના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ પરથી સામસામા હત્યાના ગુના નોંધી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જુની જોગડ અને હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઘટના અંગેની જાણવા મળતી સિલસિલા બંધ વિગતો મુજબ હળવદ તાલુકાના જુની જોગડ ગામના પાદરમાં રોડ પર ગઇકાલે સાંજે ઢોર ચરાવવા નીકળેલા કોળીના બે જુથ વચ્ચે રોડ પરથી ઢોર દુર લેવાનું કહેતા ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને પક્ષે સામ સામા ધોકા વડે હુમલો કરતા મુળ રાજપરાના અને છેલ્લા એક માસથી રામેશ્ર્વર જોગડ ગામે રહેતા રાઘુભાઇ બચુભાઇ મુલાડીયા (ઉ.વ.45) અને સામા પક્ષે રામેશ્ર્વર જોગડ ગામના નવધળ સીંધા ઝીંઝુવાડીયા (ઉ.વ.40) ને માથામાં ગંભીર ઇજા થતા બન્નેના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા.

આ ઘટનાની હળવદ પોલીસને જાણ થતાં પી.આઇ. પી.એ. દેકાવાડીયા, પી.એસ.આઇ. પી.જી. પનારા, યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા , મુમાભાઇ રબારી સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ બન્ને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.પોલીસે આ ઘટના અંગે રામેશ્ર્વર જોગડ ગામે રહેતા ભીમજીભાઇ બચુભાઇ મુલાડીયાની ફરીયાદ પરથી નવધણ સીંધા કોળી સામે ખુનનો ગુનો નોંઘ્યો હતો. જયારે  સામાપક્ષે રામેશ્ર્વર જોગડ ગામના પ્રહલાદ સિંધા ઝુંઝુવાડીયા (ઉ.વ.33 ની ફરીયાદ પરથી સુનીલ રણજીત મુલાડીયા, વિશાલ રણજીત મુલાડીયા, હરેશ ભીમજી મુલાડીયા અને જયદીપ દિનેશ મુલાડીયા સામે ખુનનો ગુનો નોંઘ્યો છે.

પોલીસની તપાસમાં મૃતક રાઘુભાઇ રાજપર ગામે રહેતા હતા પરંતુ છેલ્લા એક માસથી પોતાના માલઢોર લઇ પોતાના વતન રામેશ્ર્વર જોગડ  ગામે આવતા રહ્યા હતા.

ગઇકાલે રાઘુભાઇ ભત્રીજા દિનેશ અને જયદીપ સાથે ગામની સીમમાં માલઢોર ચરાવવા ગયા હતા. અને સાંજે 4 વાગ્યે પરત ફરતી વખતે ગામના પાદરમાં રોડ પર આરોપી  નવધણ પણ માલઢોર લઇને સામો આવી જતા માથાકુટ થતા નવધણે ઉશ્કેરાઇ જઇ રાઘુભાઇને માથામાં ધોકાના ધા ઝીંકી હત્યા કરી હતી.

આ વખતે રાઘુભાઇની સાથે રહેલા બન્ને ભત્રીજાએ પોતાના પિતરાઇ સુની અને વિશાલને જાણ કરતા તેઓ ઘટના સ્થળે ધસી જઇ કાકાની લાહ જોઇ ઉશ્કેરાઇને નવધણ પર ધોકા વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુંછે.

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચારેય પિતરાઇ ભાઇઓની અટકાયત કરી રામેશ્ર્વર જોગડ અને હળવદ પોસ્ટ મોર્ટમ રુમ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રામેશ્ર્વર જોગડ ગામમાં મુલાડીયા અને ઝીંઝુવાડીયા પરિવારના 10 થી 1પ ઘર આવેલ હોવાનું અને નાનુ ગામ હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.