Abtak Media Google News

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે મૂકી સ્વદેશ પરત ફરશે. કિવિ ટીમે સુરક્ષાના કારણોસર પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી આજથી પાકિસ્તાનના રાવલપિંડીમાં શરૂ થવાની હતી. મેચ શરૂ થવાની થોડી મિનિટો પહેલા ન્યુઝીલેન્ડે મેચ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન અને કિવિ ટીમ વચ્ચે રાવલપિંડીમાં ત્રણ વનડે અને લાહોરમાં પાંચ ટી-20 મેચ રમાવાની હતી. હવે કિવિ ટીમના ખેલાડીઓ માટે સ્વદેશ પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સમગ્ર મામલે નિવેદન જારી કર્યું છે. ટ્વિટ કરી જણાવ્યુ છે કે આજે વહેલી સવારે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અમને જાણ કરી હતી કે તેમને સુરક્ષા ચેતવણી માટે ચેતવણી આપવામાં આવી છે અને શ્રેણીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, PCB અને પાકિસ્તાન સરકારે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી હતી. કિવી ટીમ સાથે સુરક્ષા અધિકારીઓ પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાથી સંતુષ્ટ છે. પીસીબી નિર્ધારિત મેચો ચાલુ રાખવા માટે તૈયાર છે. જો કે, પાકિસ્તાન અને વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ છેલ્લી ઘડીએ શ્રેણી મુલતવી રાખવાથી નિરાશ થશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઈટે જણાવ્યું કે તેમને જે સલાહ મળી રહી છે તે જોતા પાકિસ્તાનનો પ્રવાસ યથાવત રાખવો શક્ય નથી. હું સમજું છું કે તે PCB માટે એક ફટકો હશે, પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી છે અને અમે માનીએ છીએ કે આ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.

કિવી ટીમ 18 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસે પહોંચી હતી

ન્યૂઝીલેન્ડની ટીમ 12 સપ્ટેમ્બરે પાકિસ્તાન પહોંચી હતી. તે 18 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે હતી. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કિવિ ખેલાડીઓને ઇસ્લામાબાદ એરપોર્ટથી હોટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.