Abtak Media Google News

નીરવ ગઢીયા, ઉના:

ઉના પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. નદી-નાળાઓ છલકાયા છે, ઉપરવાસના વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પુલના માધ્યમથી એકથી બીજે ગામ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉના તાલુકાના ભાચા ગામે બેઠો પુલ આવેલો છે. જેમાં શાહી નદી પસાર થાય છે. આ પુલના સામે કાંઠે 15થી 20 મકાનો આવેલા છે.

લોકો અને પોતાના ખેતર જતા રોજબરોજના કામ માટે લોકો આ પુલ પરથી પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં આ પુલ ઉપર પાણી આવી જાય છે અને ગ્રામવાસીઓને અવારનવાર તકલીફ થાય છે. પણ તંત્ર જાણે મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેમ કોઈ પગલાં લેવાતા નથી. આ પુલ ઉપર નારણભાઈ ડાંગોદરા બળદ ગાડું લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પુલ પરનુ બાધ તૂટી પડતા બળદ ગાડુ અને બળદ બંને પાણીમાં ગરકાવ થયા હતા.

ગ્રામવાસીઓએ એકત્રિત થઈ બળદગાડા અને બળદને બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જો કે ખેડૂતો આધાર અને ખેડૂતનો હાથ મનાતા એવા બળદનું મૃત્યુ થતા ખેડૂત પર પારાવાર મુશ્કેલી આવી પડી છે. નારણભાઈ ડાંગોદરાએ સરકાર સામે સહાય માટે અરજ કરી છે અને આ પુલનું સમારકામ અથવા નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. ગ્રામવાસીઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.