Abtak Media Google News

તાલિબાનોની સત્તા બાદ કચ્છ કાંઠે ભેદી હિલચાલ: હેરોઇનનો મોટો જથ્થો ઝબ્બે

અફઘાન પર તાલિબાનના કબ્જા બાદ ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અફઘાન અફીણના ઉત્પાદનમાં મોખરે છે અને હાલ નાણાંકીય ભંડોળ મેળવવા તાલિબાન પાસે અફીણ સિવાય કોઈ બીજો રસ્તો રહ્યો નથી. આ વ્યવસાયમાં તાલિબાનનો કોઈ હરીફ બને તો તેઓ છોડશે નહીં તેવો ડર ડ્રગ માફિયાઓમાં ફેલાયો છે ત્યારે ડ્રગ માફિયાઓ ડ્રગનો મોટો જથ્થો દરિયાકાંઠે આવેલા કચ્છમાં ઠાલવી રહ્યા છે.

નવરાત્રીના તહેવારો જયારે નજીક આવી પહોંચ્યા છે ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ જખૌ પાસેની જળસીમાએથી લાવારિસ હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતાં ભારતીય સુરક્ષા દળો સતર્ક બન્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેટ પરથી એમ્યુનેશન રાખવા માટેનું બોક્સ તથા શંકાસ્પદ વિસ્ફોટકો ભરેલી પાઇપ સ્થાનિક માછીમારોને મળી આવતા તેમણે સુરક્ષા એજન્સીઓને જાણ કર્યા બાદ આ સામગ્રીની તપાસ હાથ ધરવામા આવી છે તેમજ આ કાર્યવાહીમાં બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોસલ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હજુ છ દિવસ પહેલાં આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતેની એક પેઢી દ્વારા ટેલ્કમ પાવડર ને બદલે હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો અને આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા ૨૦,૦૦૦ કરોડની થવા પામી છે.કચ્છના મુન્દ્રા બંદર પર ઈરાનથી આયાત કરાયેલા આ અફઘાની હેરોઇનના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી (એનઆઈએ) દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અફઘાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા બાદ કચ્છ કાંઠે ગંભીર હિલચાલો વધી ગઇ છે.

કચ્છના મુંદરા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઇરાન મંગાવાયેલા હેરોઇનના ડીઆરઆઈએ ઝડપી પડેલા ત્રણ ટન જથ્થા પાછળ ચેન્નાઇના એક દંપતીનું નામ ખુલ્યું છે તેમજ વિજયવાડાના સરનામે આયાત-નિકાસ પરવાનો મેળવ્યો હોવાથી વિજયવાડા પોલીસે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. બીજી તરફ, ડીઆરઆઇએ આ દંપતીની ધરપકડ કરી અદાલતમાંથી ૩૦મી સુધી રિમાન્ડ મેળવ્યા છે. સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે મુંદરા બંદરે આવેલાં બે કન્ટેઈનરમાંથી ટેલ્કમ સ્ટોન પાઉડર સાથે ભેળવીને કુલ ત્રણ ત્રણ હજાર કિલો હેરોઇન ડી.આર.આઇ.એ ઝડપી લેતાં દેશભરની એજન્સીઓ તપાસમાં જોડાઇ છે.

આટલા મોટા જથ્થાને રીપેક કરી તેને સલામત અજ્ઞાત સ્થળે મોટી સુરક્ષા સાથે ખસેડાશે. વિજયવાડાના પોલીસ કમિશ્નરે જારી કરેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે, મુંદરા બંદરે ઝડપાયેલા હેરોઇનના વિક્રમી જથ્થાને વિજયવાડા લઇ જવાનો હતો. પરંતુ આ પ્રકરણમાં સંડોવાયેલા ચેન્નાઇના શ્રીમતી ગોવિંદરાજુ દુર્ગાપૂર્ણા વૈશાલી તથા તેણીના પતિ માયાવરમ સુધાકરે જીએસટીનું રજીસ્ટ્રેશન સત્યનારાયણપુરમ, ગડીયા રામવાડી સ્ટ્રીટ, વિજયવાડાના સરનામે મેળવ્યું હતું.

આ મકાન વૈશાલીના સંભવિત માતા શ્રીમતી ગોવિંદરાજુ તારાકાના નામનું છે. આ દંપતીએ પછીથી આયાત નિકાસ પરવાનો પણ મેળવ્યો હતો. અલબત્ત આ બંને વર્ષોથી ચેન્નાઇ જ રહે છે. હેરોઇનનો એ આયાતી જથ્થો દિલ્હી જવાનો હતો નહીં કે વિજયવાડા એવું જણાવીને વિજયવાડા પોલીસે આમ છતાં આ અંગે તલસ્પર્શી તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

દરમ્યાન વિવિધ એજન્સીઓએ અમદાવાદ, દિલ્હી, ચેન્નાઇ વગેરે સ્થળે દરોડા પાડયા હોવાનો પણ આ અખબારી યાદીમાં ઉલ્લેખ કરાયો છે.દરમ્યાન,દેશભરમાં કેફી દ્રવ્યોનો અત્યાર સુધીનો મોટો કેસ બની ચૂકેલા મુંદરા બંદરના હેરોઇન કાંડમાં આયાતકાર તરીકે સામે આવેલા ચેન્નાઇના દંપતીને અહીંની ખાસ અદાલતે 30મી સપ્ટેમ્બર સુધી ડીઆરઆઇને રિમાન્ડ પર સોંપ્યા છે.

સમગ્ર પ્રકરણમાં ચાવીરૂપ મનાતા આ દંપતીની ડીઆરઆઇએ ૧૭મીના ચેન્નાઇથી ધરપકડ કરીને તેમને ભુજ લવાયા હતા. ૧૮મીના તેમને અહીંની ખાસ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરીને પાલારા જેલ મોકલાયા હતા. બન્ને આરોપીઓને ૩૦મી સુધી ડીઆરઆઇની રિમાન્ડમાં મૂકવાના આદેશને પગલે હવે તેમના પાલારા જેલમાંથી કબ્જો મેળવીને ઝીણવટભરી પૂછપરછ હાથ ધરાશે. પૂછપરછમાં આ ચકચારી અને ગંભીર કેસના રહસ્યો છતા થશે એવી શક્યતા ઉજ્જવળ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.