Abtak Media Google News

ઉઘડતી બજારે સેન્સેક્સે નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી: નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં: રોકાણકારો રાજી… રાજી

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી વણથંભી તેજી આજે ઉઘડતા સપ્તાહે પણ યથાવત રહ્યા પામી છે. આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતાં. રોજ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરવાની પરંપરા આજે પણ સેન્સેક્સે યથાવત રાખી છે. આગામી દિવસોમાં શેરબજાર નવા સિમાચિહ્નો હાંસલ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. માલામાલ કરતા માહોલથી રોકાણકારો રાજીના રેડ થઇ ગયા છે. 2025 સુધીમાં સેન્સેક્સ એક લાખની સપાટીએ પહોંચશે તેવી ભવિષ્યવાણી જાણકારો દ્વારા કરવામાં આવી છે.

સેન્સેક્સે ગત શુક્રવારે નવો ઇતિહાસ રચતા 60 હજારની સપાટી હાંસલ કરી લીધી હતી. આજે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતાં. સેન્સેક્સે આજે 60412.32 પોઇન્ટની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરી લીધી હતી. આજની તેજીમાં મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, ઓએનજીસી અને એચડીએફસી બેન્કના શેરોના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે વીપ્રો એચસીએલ, ડીવાઇસ લેબ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીના શેરોના ભાવો તૂટ્યા હતાં.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 103 પોઇન્ટના ઉછાળા સાથે 60151 અને નિફ્ટી 14 પોઇન્ટના ઉછાળા સાથે 17867 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી રહી છે.

30 કંપનીઓ આગામી બે માસમાં આઈપીઓ લાવી રૂ. 45 હજાર કરોડ એકત્રિત કરશે 

ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રારંભિક IPOદ્વારા ઐતિહાસિક ભંડોળ એકત્ર થવાની અપેક્ષા છે. ઓછામાં ઓછી 30 કંપનીઓ પ્રારંભિક શેર-વેચાણ દ્વારા રૂ. 45,000 કરોડથી વધુ રકમ એકત્ર કરવા માગે છે. તેમાંથી મોટો હિસ્સો ટેકનોલોજી આધારિત કંપનીઓ દ્વારા મેળવવામાં આવશે.

ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન જે કંપનીઓ તેમના આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે તેમાં પોલિસીબજાર (રૂ. 6,017 કરોડ), એમક્યુર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4,500 કરોડ) નિકા (રૂ. 4,000 કરોડ), સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ (રૂ. 2,000 કરોડ), મોબીક્વિક સિસ્ટમ્સ (રૂ.  1,900 કરોડ), મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત, નોર્ધન આર્ક કેપિટલ (રૂ. 1,800 કરોડ), ઇક્સિગો (રૂ. 1,600 કરોડ), નીલમ ફૂડ્સ (રૂ. 1,500 કરોડ), ફિન્કેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક (રૂ. 1,330 કરોડ), સ્ટરલાઇટ પાવર (રૂ. 1,250 કરોડ) રેટગેઇન ટ્રાવેલ ટેક્નોલોજી (રૂ. 1,200)  કરોડ) અને સુપ્રિયા લાઇફસાયન્સ (રૂ. 1,200 કરોડ) સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેમના આઇપીઓ લાવી શકે છે.

અત્યાર સુધીમાં, 2021માં 40 જેટલી કંપનીઓએ 64,217 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે તેમના IPO બહાર પાડ્યા છે.  વધુમાં, આદિત્ય બિરલા સન લાઇફ એએમસી 29 સપ્ટેમ્બરે તેના 2,778 કરોડ રૂપિયાના પ્રારંભિક શેર-વેચાણની શરૂઆત કરશે.

આ સિવાય, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વિટ) પાવરગ્રીડ ઇન્વિટ, તેના આઇપીઓ દ્વારા રૂ .7,735 કરોડ એકત્રિત કર્યા અને બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટે તેના પ્રારંભિક શેર-વેચાણ દ્વારા રૂ. 3,800 કરોડ એકત્ર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.