Abtak Media Google News

ગોંડલનગરપાલિકા સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ફાયર  વિભાગ માટે  પ્રશિક્ષિત 16 કર્મચારીઓની કરાઈ નિમણુંક

ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ રાજકોટ જિલ્લામાં અવ્વલ નંબરની ગણાય છે કુદરતી આફતો, હોનારત કે કોઈપણ દુર્ઘટનામાં ગોંડલના ફાયર ફાઇટરો તાકીદે પહોંચી કામે લાગી જતા હોય નગરપાલિકા તંત્ર અને સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા 16 જેટલા પ્રશિક્ષિત કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે.

પ્રશિક્ષિત કર્મચારીઓની નિમણુક અંગે નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા તેમજ સ્ટાફ સિલેક્શન કમિટીના ચેરમેન કાંતાબેન જયંતીભાઈ સાટોડિયાએ જણાવ્યું હતું કે ગોંડલ શહેરનો વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે કુદરતી આફત કે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી હોય ફાયર સ્ટેશન વિભાગમાં સ્ટાફની તાતી જરૂરિયાત હોય રાજ્ય સરકારના આદેશ અનુસાર પાટણ યુનિવર્સિટી ખાતે ઇચ્છુક ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી.

જેમાંથી 16 જેટલા કર્મચારીઓ ની ભરતી કરવામાં આવી છે આ ભરતી ને કારોબારી ચેરમેન ઋષિરાજ સિંહ જાડેજા, નિયામક રાજકોટ ઝોન અને ચીફ ઓફિસર પટેલ સહિતનાઓએ આવકારી હતી.

આ તકે પાલિકાના સદસ્ય અને ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી ખાતે અધ્યતન ફાયર સ્ટેશનનું હબ ઉભું કરવામાં આવનાર છે આ હબ ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, લોધીકા, કોટડા સાંગાણી અને જસદણ તાલુકા માટે સેન્ટર પોઇન્ટ ગણાશે જેના થકી જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈપણ આકસ્મિક ઘટના બને તો તુરંત મદદ માટે પહોંચી શકાય તે માટે ઉપયોગી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.