Abtak Media Google News

તેઓ એસટી બસમાં બેસીને ગોંડલથી રાજકોટ આવવા નીકળ્યા હતા. તેમની બરાબર અડોઅડ એક યુવાન બેઠો હતો. મોબાઈલ પર કોઈની સાથે વાતચીત કરતા કરતા એ ક્યારેક રડી પડતો, ક્યારેક ઉશ્કેરાઈ જતો અને ફરી વાત કરતા કરતા એ રડવા લાગતો હતો. ત્યારે બાજુમાં બેઠેલા પ્રફુલ્લભાઈ ઘણા સમયથી આ પરેશાન યુવાનની વાત સાંભળી રહ્યા હતા પણ જ્યારે પ્રફુલ્લભાઈએ આ યુવાનને એવું કહેતા સંભાળ્યો કે “મારે જીવવું જ નથી, હું આજે વાત કરું છું, કાલે તને નહિ મળું” એવા આ યુવાનના શબ્દો સંભાળતા જ સંવેદનશીલ પ્રફુલ્લભાઈના કાન સરવા થઇ ગયા હતા અને તેમને યુવાનની સાથે વાતચિત કરી તેમની તકલીફ સહાનુભૂતિથી સાંભળીને યુવાનને હૈયે ધરપત આપવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી.

પ્રફુલ્લભાઈએ યુવાને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે ? અને ક્યાંથી આવો છો ? ત્યારે ડૂસકા ભરતા યુવાને કહ્યું કે “મારું નામ વિજય દાફડા છે, અને હું બગસરા પાસેના હળિયાદ ગામનો છું” વાત કરતા કરતા એમને સીફ્તાઈપૂર્વક યુવાનનો મોબાઈલ તેમની પાસેથી લઈને ખુબજ સહાનુભૂતિ પૂર્વક હિમત આપીને તેની સાથે વાતચીત શરુ કરી હતી. એમની લાગણીસભર વાતચીત અને સમજાવટની અસર થઇ હોય તેમ તે પરેશાન યુવાન શાંત થયો અને રડવાનું બંધ કર્યું ત્યારે પ્રફુલ્લભાઈએ ફરી પૂછ્યું કે રાજકોટ કે ગોંડલમાં તમારા કોઈ સગા છે તો તેઓને બોલાવી લઉં. આવી રીતે જીવનમાં હિંમત હારવી ન જોઈએ, જીવનમાં સુખ-દુ:ખ તો ચાલ્યા કરે, પ્રફુલ્લભાઈએ યુવાન સાથે એક આત્મીયજનની જેમ વાતો ચાલુ રાખી ત્યારે તે યુવાન હુંફ અનુભવી, તેમનું મન શાંત થયું અને કહ્યું કે શાપર વેરાવળ માં મારા એક કૌટુંબિક કાકા રહે છે.

વાતચીત ચાલુ હતી, અને થોડો સમય બાદ યુવાનના કાકા આવી પહોંચ્યા, આ યુવાનને તેના કાકાને સોંપી પ્રફુલ્લભાઈને એક અજબ  અનુભૂતિ થઇ એ વિષે એમણે કહ્યું કે, સેવાના તો અનેક કાર્યો કર્યા છે પણ આ કામ કરીને જે આત્મસંતોષ થયો તે અલૌકિક અનુભૂતિનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી.

યુવાનની આંખોમાં તો ઝળઝળિયાં આવી ગયા અને પ્રફુલ્લભાઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યા હતા. આ ઘટના અહી એટલા માટે લખી છે કે, આજે જાહેરમાં ક્યાય અકસ્માત થાય છે, કોઈ બહેન કે ભાઈ મુસીબતમાં હોય છે તો ત્યાંથી પસાર થતા હજારો લોકોમાંથી કોઈ બે પળ માટે પણ રોકાતા નથી ત્યારે આ કિસ્સો બધાને પ્રેરણા આપે તેવો છે. યુવાન માટે ફરિશ્તો બનેલા પ્રફુલ્લભાઈ ટોળિયા ગોંડલ તાલુકાના જામવાડી ગામના સરપંચ તરીકે 29 વર્ષથી કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.