Abtak Media Google News

ખાટલે મોટી ખોટ…

અધ્યાપક-આચાર્યની ભરતીના અભાવે કથળી રહેલી શિક્ષક તાલીમી કોલેજો: એક સમયે પીટીસીનું મહત્વ વધારે હતું જ્યારે આજે પીટીસી કર્યા બાદ શિક્ષક તરીકે ભરતી જ નથી થતી

રાજ્યમાં 35 ગ્રાન્ટેડ ડી.એલ.એડ. (પીટીસી) કોલેજો છે. જે રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ માટે પ્રાથમિક શિક્ષકો તૈયાર કરવાનું કામ કરે છે. 17 કોલેજોમાં કાયમી આચાર્ય નથી. છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી ઘણી પીટીસી કોલેજો ઈન્ચાર્જથી જ ચલાવાય છે. અધ્યાપકોની પણ આજે રાજ્યમાં એ જ પરિસ્થિતિ છે. રાજ્યમાં કુલ 14140 પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. કેટલીક કોલેજોમાં તો માત્ર 2 કે 3 જ સ્ટાફ છે.

ધો.6 થી 8માં 8273 વિદ્યાસહાયકોની ઘટ છે તેમજ ગણિત અને વિજ્ઞાનમાં 3324 જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 3087 અને ભાષાના વિષયમાં 1862 જગ્યામાં શિક્ષકોની ઘટ છે. જેનું મુખ્ય કારણ પીટીસી પાસ થયા બાદ હવે ડાયરેકટ શિક્ષક તરીકેની રિક્રુટમેન્ટ થતી નથી તે જ છે. તો હવે રાજ્યમાં રહેલી પીટીસી કોલેજોનું મહત્વ જ શું ?

પહેલા રાજ્યમાં 44 જેટલી પીટીસી કોલેજો હતી. તેમાંથી એક સંસ્થા દ્વારા અને સરકાર દ્વારા 8 કોલેજો બંધ થઈ જતાં રાજ્યમાં હવે 35 જ પીટીસી કોલેજો છે. વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે આ કોલેજો ઘસાતી જાય છે. તેના કરતા અપુરતા સ્ટાફના અભાવે વધુ ઘસાય રહી છે.

રાજ્યમાં છેલ્લા 5 થી 7 વર્ષથી ભરતી સ્થગીત છે. તાજેતરમાં સરકારી ઉચ્ચત્તર માધ્યમિકમાં 617, માધ્યમિકમાં 1378, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં 2938 અને માધ્યમિક વિભાગમાં 2675 શિક્ષકોની ભરતી થઈ છે. બીજી બાજુ ડી.એલ.એડ્. કોલેજોમાં ભરતીનું નામોનિશાન જોવા મળતું નથી. 2 વર્ષની ડી.એલ.એડ્. શિક્ષક તાલીમનો અભ્યાસક્રમ ઘણો ઘનિષ્ઠ અને સમૃધ્ધ છે. ડગલે-પગલે આજે અધ્યાપકોની જરૂર પડે. ધો.1 થી 8ના પ્રાથમિક શિક્ષક સંબંધી તમામ વિષયોની સૌધ્ધાંતિક શિક્ષણ, શિક્ષણ પધ્ધતિ, પ્રાયોગીક શિક્ષણ, ઈન્ટનશિપ સાથેનું ઘનિષ્ઠ માળખુ છે.

તેમાંથી તૈયાર થનાર શિક્ષકના હાથે દેશની ભાવિ પેઢીના ઘડતરનું પાયાનું કામ જોડાયેલું છે ત્યારે છેલ્લા 10 વર્ષથી પીટીસી પાસ થયેલા વિદ્યાર્થીઓનું કોઈ મહત્વ ન હોય તેમ તેઓની શિક્ષક તરીકે ભરતી થતી નથી. અને હવે પ્રાથમિકમાં શિક્ષક બનવા એચ.ટાટની પરીક્ષા આપવી પડે છે. ત્યારે  જો આવી પીટીસી કોલેજોમાં એક ટાઈમે પ્રવેશ મેળવવા માટે પણ લાઈનો લાગતી હતી અને પ્રવેશ માટે ડોનેશન પણ આપવું પડતું હતું. જ્યારે આજના સમયે આવી કોલેજોનું મહત્વ કથળતું જાય છે.

પીટીસી કોર્ષ ફક્ત નોકરી લક્ષી નહીં પરંતુ જીવનલક્ષી કેળવણી કહી શકાય. આ કોર્ષ ફક્ત નોકરી મેળવવા માટે નહીં પરંતુ જ્યારે એક દિકરી માતા બને ત્યારે આ કોર્ષ ખરેખર તેના માટે પરિપૂર્ણ થાય છે.

સરકાર એકબાજુ ઉચ્ચ શિક્ષણની વાતુ કરે છે ત્યારે બીજીબાજુ જીવન ઘડતર કરનાર પીટીસી કોર્ષનું કાંઈ મહત્વ નથી રહ્યું તો આવી કોલેજોનું શું મહત્વ ? ભવિષ્યમાં ડી.એલ.એડ્ (પીટીસી) કોલેજો બંધ થઈ જશે ?

છેલ્લા દશકાથી પીટીસીનું મહત્વ ઘટ્યું: સુધાબેન ખંઢેરીયા

ધ્રોલ પીટીસી કોલેજના સુધાબેન ખંઢેરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એક સમયે 44 જેટલી પીટીસી કોલેજો હતી. જો કે હવે હાલ એ ઘટીને 35 થઈ ગઈ છે. અંદાજીત 10 વર્ષ પહેલા પીટીસી કોર્ષનું મહત્વ ખુબજ હતું. જો કે ત્યારબાદ 2011થી પીટીસી પાસ થયા બાદ શિક્ષક તરીકેની ડાયરેકટ નિમણૂંક થતી નથી. જેથી આ કોર્ષનું મહત્વ હાલ ખુબજ ઘટ્યું છે. આ ઉપરાંત જે પ્રાથમિક શિક્ષકોની ઘટ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ હવે સરકારે એચ.ટાટની પરીક્ષા લે છે.

ત્યારબાદ તેનું પરિણામ આવ્યા બાદ 3 વર્ષની મુદત હોય છે જેના કારણે શિક્ષકની નિમણૂંક માટે મોડુ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક સ્કૂલોમાં એવા વિદ્યાર્થીઓ ભણે છે કે, જે આર્થિક રીતે પછાત હોય અને જો સરકારી સ્કૂલોમાં એટલા વિદ્યાર્થી જ ન હોય તો સ્ટાફની ભરતી કેમ કરવી તે પણ એક પ્રશ્ર્ન છે. અગાઉ પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની લાઈન લાગતી, માંડ-માંડ પ્રવેશ મળતો, જો કે હવે આ કોર્ષનું એટલું મહત્વ જ ન રહેતા આ કોર્ષમાં 10 જેટલા જ વિદ્યાર્થી ડી.એલ.એડ્ કોલેજમાં પ્રવેશ મેળવે છે.

આ કોર્ષ ફક્ત નોકરીલક્ષી જ નહીં પરંતુ જીવનલક્ષી કેળવણી છે. હવે જ્યારે પીટીસી કોર્ષથી નોકરી તો નથી મળતી પરંતુ દિકરી જ્યારે માતા બને ત્યારે આ કોર્ષ ખરેખર પરિપૂર્ણ થાય તેવું કહીં શકાય જેથી આ કોર્ષનું મહત્વ વધે તે માટે સરકારે પણ કંઈક પગલા લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.