Abtak Media Google News

મચ્છરગ્રસ્ત વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન મશીન દ્વારા ફોગીંગ: મચ્છરોની ઉત્પતિ સબબ 1157 આસામીઓને નોટિસ, 48000નો દંડ વસુલાયો

સતત ભેજવાળા વાતાવરણના કારણે શહેરભરમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જેના કારણે ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના નવા 50 કેસો નોંધાતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. મેલેરીયાના માત્ર 2 કેસો નોંધાયા છે. જો કે, ચિકનગુનિયાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. મચ્છરની ઉત્પતિ સબબ 1157 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને રૂા.48000થી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગત 18 થી 24 ઓકટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના નવા 50 કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વર્ષમાં કુલ 224 કેસો નોંધાયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યુનો જોર ઘટ્યું હતું. સામે મેલેરીયાના કેસમાં પણ થોડો વધારો થવા પામ્યો છે. સપ્તાહ દરમિયાન મેલેરીયાના 2 કેસો નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષે મેલેરીયાના કુલ 44 કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ચિકનગુનિયાનો નવો એક કેસ પણ નોંધાયો નથી. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ગત સપ્તાહમાં 73186 ઘરોમાં પોરાભક્ષક કામગીરી કરવામાં આવી હતી. 6907 ઘરોમાં ફોગીંગની કામગીરી કરાઈ હતી. જે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે ત્યાં વ્હીકલ માઉન્ટેન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું.

રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમ્પલેક્ષ, વ્યાપાર ધંધાના સ્થળ સહિત કુલ 701 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 105 બાંધકામ સાઈટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 77 સ્થળે મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જ્યારે 144 ઈન્ડસ્ટ્રીઝમાં તપાસ કરાતા 35 જગ્યાએ મચ્છરોના પોરા મળી આવતા 57 લોકો પાસેથી વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. રહેણાંક સહિતના વિસ્તારમાં મચ્છરોની ઉત્પતિ સબબ 1157 આસામીને નોટિસ ફટકારી રૂા.48050નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 50 કેસો મળી આવતા શહેરભરમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

દવાખાનાઓ રીતસર દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. પોશ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુના રોગચાળાએ માજા મુકી છે. મહાપાલિકા દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાને વકરતા અટકાવવા માટે છેલ્લા 2 માસથી સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

છતાં જાણે મચ્છરો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. દિન-પ્રતિદિન ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ નવેમ્બર માસના અંત સુધીમાં ડેન્ગ્યુ હાહાકાર મચાવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.