Abtak Media Google News

દરરોજ એક હજારથી વધુ સ્વયંસેવકોએ ખડેપગે રહીને બજાવી સેવા, હજારો શ્રધ્ધાળુઓએ માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી

દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા ખોડલધામ મંદિરે દર વર્ષે દિવાળીના તહેવારમાં ભક્તો મા ખોડલના દર્શને પધારતાં હોય છે. ખૂબ જ ટૂંકાગાળામાં દેશ-વિદેશમાં પ્રખ્યાત બની ગયેલા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે.

ત્યારે આ વર્ષે દિવાળીના પર્વમાં ખોડલધામ મંદિર ખાતે ભક્તોએ મા ખોડલના દર્શન કરી આશીર્વાદ લઈને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વને ધ્યાને રાખીને ખોડલધામ મંદિર પરિસરમાં ખાસ લાઈટીંગ, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

દિવાળીના તહેવાર દરમિયાન દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો મા ખોડલના દર્શને આવતા હોવાથી અન્નપૂર્ણાલયમાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. નેશનલ હાઈવેથી લઈને ખોડલધામ મંદિર સુધી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ એક હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.

ગોંડલ, જેતપુર, જામકંડોરણા, બાબરા, ભેસાણ, જેતપુર, વડીયા, રાજકોટ, અમરેલી, ધોરાજી, ધ્રોલ, જૂનાગઢ, જામનગર સહિતની સમિતિઓના સ્વયંસેવકો દિવાળી વેકેશન દરમિયાન પાર્કિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, અન્નપૂર્ણાલય, કેન્ટીન, બગીચા, પ્રસાદઘર વગેરે વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા ઉમદા સેવા આપી હતી.

દિવાળીના વેકેશનમાં માતાજીના દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગથી લઈને બહાર સુધી ભક્તોને કોઈ અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ભક્તો માટે વિનામૂલ્યે ચા-પાણીની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવ્યાંગ કે સિનિયર સિટીઝન માટે મુખ્યગેટથી મંદિર સુધી જવા માટે વ્હીલચેર અને ગોલ્ફકારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

દિવાળીના તહેવાર દરમિયાન મા ખોડલનો દરરોજ અવનવા વાઘા અને આભૂષણોથી શણગાર કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં દરરોજ અવનવી રંગોળી કરવામાં આવી હતી. દિવાળી પ્રકાશનો તહેવાર હોવાથી મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.