Abtak Media Google News

‘બાય નાઉં, પે લેટર’ સુવિધાથી વગર પૈસે શોપિંગ કરો, ભારતમાં બીએનપીએલ ઈન્ડસ્ટ્રી આગામી ચાર વર્ષમાં દસ ગણી વધી જશે..!!

આજના 21મી સદીના આધુનિક યુગમાં સમય જેટલો ઝડપી બદલાય રહ્યો છે એટલા જ ઝડપી ડિજિટલ પરિવર્તનો આવી રહ્યા છે. અવનવી ટેકનોલોજી વિકસતા આજના સમયે મોટા ભાગની સુવિધાઓ આંગળીના ટેરવે ઘેરબેઠા મળતી થઇ છે. આગાઉ વિનિમય પ્રથા હતી કે જેમાં લોકો પોતાની જરૂરિયાત મુજબ પાસે રહેલી ચીજ-વસ્તુઓનું વિનિમય કરતા. ખેડૂત ઘઉંની આપ લે કરી દૂધ કે અન્ય જરૂરિયાત સંતોષતો. આવી જ રીતે અન્ય વર્ગ વિનિમય કરતો. પણ હાલ..??

અત્યારે તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા, માત્ર એક કોડ સ્કેન દ્વારા હજારો-લાખો રૂપિયાના વ્યવહારો મિનિટોમાં થઈ રહ્યા છે. હવે તો એ પણ જૂનું થઈ ગયું છે… જી હા, નવી પેઢીનો નવો જમાનો આવ્યો છે કે જેમાં હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા નહીં પરંતુ “ખરીદો હમણાં અને ચૂકવો નીરાતે….”ની નવી નીતિ શરૂ થઈ છે.

તમે કહી માર્કેટમાં ગયા છોવ અને કોઈ ચીજ કે વસ્તુ પસંદ પડી ગઈ… પણ ખિસ્સામાં એટલા પૈસા નથી..!! અથવા તો ડેબિટ કે  ક્રેડિટ કાર્ડ પણ સાથે નથી… તો પણ હવે ગભરાશો નહીં… તમે વગર પૈસે પણ ઓન ધ સ્પોટ ખરીદી કરી શકશો..!! હવે તમને એમ થશે કે એ કઈ રીતે..?? તો ચાલો તમને જણાવી દઈએ કે એક નવી સિસ્ટમ અમલમાં આવી છે. અને તેનું નામ છે બાય નાઉ પે લેટર (બીએનપીએલ). મતલબ કે ખરીદો અત્યારે જ ચુકવણું પછી કરો.

વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ ઉપરાંત, લેણદારો હવે તેમની નાની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે BPNL વિકલ્પ તરીકે મેળવી રહ્યા છે. હાલમાં, આ સુવિધા ફિનટેક કંપનીઓ અને કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જેમ આપણું ભારતીય બજેટ રાજકોષીય ખાદ્ય પર ચાલી રહ્યું છે તેવી જ રીતે હાલ લોકો પણ પર્સનલ રાજકોષીય ખાદ્ય પર પોતાની જરૂરિયાત પુરી કરી રહ્યા છે.

કહેવત છે ને કે, દેવું કરીને પણ ઘી પીવાય… પછેડી એટલી સોડ તણાય….. બસ આ નવી પેમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ કંઈક આજ રીતે વર્ક કરે છે. પહેલા તમે ખરીદી કરો અને પછી નિરાંતે ચુકવણું કરો… પણ ક્ષમતા કરતા વધુ ખરીદી થઈ જાય તો..?? પછી ચુકવણું કરવામાં ફીણ વળી જાય..!! જો કે નવી પેઢી આ નવા જમાનાની નવી ડીજીટલ રીતે કઈ રીતે સ્વીકારે છે તે તેમના પર જ નિર્ભર છે. નોંધનીય છે કે કોવિડ રોગચાળાને કારણે BNPL ઝડપથી વિકસ્યું છે. લોકડાઉનને કારણે ઈ-કોમર્સ સેવાઓની વધતી માંગને કારણે અને ગ્રાહકો નાના વ્યાજમુક્ત EMIમાં મોટા ખર્ચો ચૂકવવાનું પસંદ કરે છે.

આ જોતાં, BNPL ઘણા લોકો માટે પ્રિય સાધન બની ગયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ આ ઇન્ડસ્ટ્રી આગામી ચાર વર્ષમાં દસ ગણાથી વધુ વધવાની અપેક્ષા છે. રેડસિયરનો અંદાજ છે કે ભારતનું BNPL માર્કેટ 2026 સુધીમાં વધીને $45-50 બિલિયન થશે, જે હાલમાં $3-3.5 બિલિયન છે. સંશોધન કંપનીનો એવો પણ અંદાજ છે કે દેશમાં BNPL વપરાશકર્તાઓની સંખ્યા તે સમય સુધીમાં વધીને 80-100 મિલિયન થઈ જશે, જે હાલમાં 10-15 મિલિયન છે.

BNPL શું છે..??

BNPL એ ટૂંકા ગાળાની લોન સુવિધાનો એક પ્રકાર છે જે તમને ખરીદી કરવા માટે નિર્ધારિત સમયગાળાના અંત સુધી હપ્તામાં ચુકવણી કરવાની મંજૂરી આપે છે. ભારતમાં કેટલાક ઓનલાઈન વેપારી અને ફિનટેક કંપનીઓ ગ્રાહકોને અનુકૂળ ચુકવણી અને ક્રેડિટ કાર્ડના વિકલ્પ તરીકે BNPL સુવિધાઓ ઓફર કરી રહી છે.

ખરેખર, BNPL ચુકવણીનો એક વિકલ્પ છે જ્યાં તમે તમારા ખિસ્સામાંથી ચૂકવણી કર્યા વિના ખરીદી કરી શકો છો. સામાન્ય રીતે, તમે આ સેવાના પ્રદાતા સાથે સાઇન અપ કરો જે તમે ખરીદી કરો ત્યારે ચૂકવણી કરે છે.

જો કે, એકવાર તે કંપની (ફિનટેક અથવા ઓનલાઈન પ્લેટફોર્મ) તમારા વતી ચુકવણી કરે, તો તમારે નિર્ધારિત સમયગાળાની અંદર રકમ ચૂકવવી પડશે. તમે તેને એક સામટી રકમ તરીકે ચૂકવી શકો છો અથવા તમે તેને હપ્તાઓ (EMIs)માં ચૂકવી શકો છો. જો તમે નિર્ધારિત સમયની અંદર લોન અથવા લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ થશો, તો તે કંપની તમારી પાસેથી તમારી રકમ પર વ્યાજ વસૂલશે અને આમાં વિલંબ તમારા ક્રેડિટ સ્કોરને ગંભીર રીતે બગાડી શકે છે.

 BNPL કેવી રીતે કામ કરે છે..??

  • BNPL સંલગ્ન રિટેલર પાસેથી ખરીદી કરો
  • ‘અત્યારે ખરીદો-પછીથી ચૂકવણી કરો’નો વિકલ્પ પસંદ કરો
  • ખરીદીની કુલ રકમની થોડુ ડાઉન પેમેન્ટ કરો
  • બાકીની રકમ ખાતામાંથી વ્યાજમુક્ત EMI તરીકે કાપવામાં આવશે
  • EMI બેંક ટ્રાન્સફર, ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ડાયરેક્ટ બેંક એકાઉન્ટ દ્વારા ચૂકવી શકાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.