Abtak Media Google News

અબતક, રાજકોટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશની આઝાદીના 7પ વર્ષ પૂર્ણ થવા અવસરે ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યવ્યાપી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજે સવારે  ખેડા જિલ્લાના મહેમદાવાદથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મહેમદાવાદથી રાજયવ્યાપી આરંભ કરાવ્યો: 20મીએ યોજાશે સમાપન સમારોહ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગ્રામ સ્વરાજ્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાકાર કરશે. આ યાત્રામાં 100 જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથોનું પ્રસ્થાન આ જ દિવસે રાજ્યના 33 જિલ્લાઓમાં મંત્રીમંડળના વિવિધ સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યું હતું.આ તમામ રથો ત્રણ દિવસ દરમ્યાન જિલ્લા પંચાયતની 1,090 જેટલી  બેઠકો પર સવારે 8.00 થી 1ર.00 અને સાંજે 4.00 થી 8.00 દરમ્યાન પરિભ્રમણ કરશે. તા.ર0મી નવેમ્બરના રોજ તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે.

આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ ત્રણ દિવસ દરમિયાન 993 જેટલા રૂટો પર ગ્રામ્યકક્ષાએ ફરીને 10,605 જેટલા ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુર્હૂત, યોજનાકીય લાભોના ચેક સહાય વિતરણ, વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઇનું આયોજન કરાશે. આ રથ દ્વારા સરકારના વિવિધ વિભાગોની  યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિવકી, પેંફ્લેટ, વિગેરેના માધ્યમથી કરવામાં આવશે.    આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્રતયા રાજ્ય સરકારના 12 વિભાગોના રૂ. 441.89 કરોડના 19,630  જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ રૂ. 967.82 કરોડના 23,320 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને 1,92,575 લાભાર્થીઓને રૂ. 167.55 કરોડ જેટલી નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કેટલાક જિલ્લાઓમાં ઇનોવેટીવ કામગીરી હાથ ધરાવાની છે. તદ્દઅનુસાર, ભરૂચ જીલ્લામાં પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે 500 પુસ્તકો અપાશે. છોટાઉદેપુર જીલ્લામાં હોમ સ્ટે, ટ્રેકિંગ સર્કીટ અને આદિવાસી સંસ્કૃતિને વેગ આપવાની કામગીરી હાથ ધરાનાર છે. દાહોદ જીલ્લામાં અભ્યાસમાં નિયમિત વિદ્યાર્થીઓનું સન્માન, ડાંગ અને તાપી જીલ્લામાં રમતવીરોને તાલીમ જેવા કાર્યક્રમ હાથ ધરાશે. જુનાગઢ જીલ્લામાં આયુર્વેદિક વનસ્પતિમાંથી દવા બનાવવા, મહીસાગર જીલ્લામાં સીતાફળની ખેતી માટે માર્ગદર્શન, રાજકોટ જીલ્લામાં 75 સ્થળોએ યોગ શિબિર જેવા કાર્યક્રમો હાથ ધરાશે. પાટણ જીલ્લામાં 75 ગ્રામ પંચાયતમાં એક કિલો વોટના સોલાર રૂફટોપ તથા 10 હેક્ટર જમીનમાં 6500 લીમડાનું વાવેતર જેવા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.