Abtak Media Google News

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ જુલાઇ, ઓગસ્ટમાં વરસાદની ખેંચ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ અને હવે વેસ્ટર્ન ડિસ્ટબેન્સના કારણે સતત માવઠાના કારણે પાયમાલી

આ વર્ષ સૌરાષ્ટ્રના ખેડુતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સીઝન પહેલાઉદભવેલા તાઉતે વાવાઝોડાના કારણે દરિયાકાંઢા વિસ્તારોમાં ભારે ખૂંવારી થવા પામી હતી. ચોમાસાના આગોતરા આગમન બાદ જૂલાઈ અને ઓગષ્ટમાં મેઘરાજાના રૂષણા અને ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં અતિવૃષ્ટિનો માર વેઠી માંડ માંડ બેઠાથઈ રહેલા ખેડુત પર જારે કુદરત રૂઠી હોય તેમ આ વર્ષ સતત માવઠાનો માર પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં 40 થી 60કા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજ બપોરે બાદ સૌરાષ્ટ્રભરમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ છવાઈ જશે આવતીકાલથી બે દિવસ હળવાથી ભારે વરસાદ પડશે.

સામાન્ય રીતે દર મહિને ચારથી પાંચ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાતા હોય છે. પરંતુ તેની અસર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. આ વર્ષ શિયાળાના વિધિવત આગમન પૂર્વ આ ત્રીજુ માવઠું ત્રાટકયું છે. અગાઉ ચોમાસાના આગમન પૂર્વ તાઉતે વાવાઝોડું ત્રાટકયું હતુ જેનાથી ભારે નુકશાની થવા પામી હતી. ચોમાસામાં બે મહિના વરસાદની ખેંચ અને ત્યારબાદ અતિવૃષ્ટિનો માર વેઠનાર ખેડુતો હવે માવઠાનો માર સહન કરી રહ્યા છે.

ગુજરાતના હવામાનમાં ફરી એકવાર પલ્ટો આવી રહ્યો છે. એક તરફ ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પાછોતરા વરસાદ બાદ ઘણાં ખેડૂતો માંડ ઉભા થઈ રહ્યા છે ત્યારે કમોસમી વરસાદની આગાહી તેમને ફરી એકવાર ચિંતામાં મૂક્યા છે. હવામાન વિભાગ દ્વાર કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ ઉભો થઈ રહ્યો છે. વરસાદની સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં કેટલા ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય અરબી સમુદ્રમાં બનનારા લો પ્રેશરના લીધે સૌરાષ્ટ્રની દરિયા કિનારાની પટ્ટીમાં ભારે પવન સાથે વરસાદ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મંગળવાર રાતથી તોફાની પવનો વહેશે.

રિપોર્ટ્સ પ્રમાણે રાજ્યના સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ સાવધ કરવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતોને તૈયાર થયેલા પાકને પણ સુરક્ષિત જગ્યા પર ખસેડી લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહીમાં જણાવ્યું છે, 30 નવેમ્બર સામાન્યથી હળવો વરસાદ રહી શકે છે. પરંતુ 1 ડિસેમ્બરથી ભારેથી અતિભાર કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થવાની આગાહી છે. રાજ્યના ડાંગ, દાહોદ, મહિસાગર, અરવલ્લીમાં પણ 1 અને 2 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં બીજી ડિસેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદમાં હળવો વરસાદ થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી ઢાંકી દેવાઇ   જરૂર પડયે તમામ જણસીની આવક બંધ કરાશે

અરજી સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરના કારણે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં કમૌસમી વરસાદની આગામી આપવામાં આવી છે. આજ સાંજથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજવથી વાતાવરણ પલ્ટો આવી જશે અને આવતીકાલથી ભારે વરસાદની આગાહી આપવામાં  આવી છે જેને ઘ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના તમામ માકેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓ ઢાંકી દેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક 1 લાખ ગુણી મગફળીની આવક થવા પામી છે.

દરમિયાન હજી પ0 હજાર ગુણી યાર્ડમાં વેંચાવા વિનાની પડી છે. જે ઢાંકવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. તકેદારીના ભાગરુપે જરુર ન હોય તો ખેડુતોને જણસી વેચવા માટે ન લાવવા  પણ તાકીદ કરવામાં આવી છે. દરમિયાન જો વરસાદ વધુ વરસશે તો આગામી એકાદ-બે દિવસમાં તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવાની પણ સુચના આપવામાં આવી શકે છે. હાલ તમામ માર્કેટીંગ યાર્ડના ખુલ્લામાં પડેલો સામાન તાલપત્રીથી ઢાંકી દેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.