Abtak Media Google News

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એક માત્ર એવા વ્યક્તિ હતા જે તમિલનાડુમાં 8મી ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા હતા

તમિલનાડુના કુન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં જે એકમાત્ર વ્યક્તિનો જીવ બચ્યો હતો તે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ જીવન સામેની જંગ હારી ગયા છે. કેપ્ટન વરુણ સિંહની સારવાર બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ તાજેતરમાં જ ભારતીય વાયુ સેનાએ ટ્વિટ કરીને તેમના નિધનના દુ:ખદ સમાચાર આપ્યા છે. વાયુ સેના તરફથી કરવામાં આવેલી ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય વાયુ સેના અત્યંત દુ:ખ સાથે તમને જણાવવા માંગે છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે સવારે અવસાન થયું છે. 8મી ડિસેમ્બરના રોજ થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વાયુસેનાએ કેપ્ટનના પરિવાર માટે સંવેદના પણ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા પછી તેમની બેંગ્લોરની હોસ્પિટલમા સારવાર ચાલી રહી હતી. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હતી અને દેશભરમાં તેમના સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી. કર્ણાટકના ગૃહમંત્રીએ રવિવારના રોજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર તરફથી સારવાર માટે તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

નોંધનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને તાજેતરમાં જ પોતાની બહાદુરી બદલ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આઠમી ડિસેમ્બરના રોજ કુન્નુરમાં થયેલી દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં હાજર 14માંથી 13 લોકોનાં નિધન થયા હતા. આ 13 લોકોમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ થયુ હતું. આ સિવાય તેમના ડિફેન્સ સલાહકાર બ્રિગેડિયર લખબિન્દર સિંહ, સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હર્જીન્દર સિંહ અને અન્ય નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પ્રધાન મંત્રી મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ

પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીએ (PM Narendra Modi) શોકની લાગણી વ્યક્ત કરતા લખ્યુ કે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિપુલ સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ…..

ગ્રુપ કેપ્ટનને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે,નેવીમાં ગ્રુપ કેપ્ટન વરુણ ખૂબ જ અનુભવી પાયલટ હતા. તેમની ઉતકૃષ્ઠ કામગિરી માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે, આ સૌથી મોટો મેડલ છે. આ મેડલ તેમને એલસીએ તેજસની ઉડાન દરમિયાન આવી પડેલી કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવવા બદલ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.