Abtak Media Google News

 

 માત્ર બે ઘડીના સંગ્રામમાં એહમદખાનની આખી સેના નષ્ટ ભ્રષ્ટ થઈ ચૂકી હતી સમય અને પરિસ્થિતિનો વિચાર કરીને એહમદખાને શરણાગતિનું ભૂંગળું વગાડ્યું

 

ધન મરદારાં હાથ

નાવણ શિરામણ પત્યા પછી દરબારગઢની મેડીના એક વિશાળ ઓરડામાં ખાસખાસ આગેવાન મોવડીઓની બેઠક મળી.

ચાંપરાજવાળાએ સહુ સમક્ષ નાગવાળાનો પરિચય આપતાં કહ્યું :  સવિયાણાના દરબાર ને મારા કાકા ધમ્મરવાળાનો એકનો એક દીકરો છે … અઢીસો સાથીઓ સાથે ભાઈની ભેરે આવ્યો છે. બે દિવસ પહેલાં ડાયરામાં એક ગઢવીએ જે મીંઢોળબંધા જુવાનની વાત કરી હતી અને ખાંભલીને ખૂંદનારા તરકડાંઓને કાપી નાખ્યાનો જેને જશ મળ્યો હતો તે આ નાગવાળો !’

આખો ડાયરો નાગવાળાની નવજવાન અને સોહામણી કાયા તરફ જોઈ રહ્યો …

ઊજળ રંગો, નરપટાધર નાગવાળો, લવર મૂછો , કોઈ જોગંદર નાગવાળો, રઢિયાળો ને મરકમુખો નાગવાળો, બાવડે લંબો મોહનગારો નાગવાળો.

ડાય2ો નવજવાન નાગવાળાને ધરાઈ ધરાઈને જોવા માંડ્યો . ત્યાં બેઠેલા બે ચારણદેવોએ તો ખાંભલીની ઇજ્જત રાખનાર આ નરપટાધરની બિરદાવલી ગહેકાવવી શરૂ કરી.

બિરદાવલી પૂરી થયા પછી ચાંપરાજે સહુ સામે જોઈને કહ્યું :

‘ધમ્મરબાપુએ મેં સાદ પાડ્યો કે તરત એકના એક દીકરાને રવાના કરી દીધો. ઈ તો ખાટલે પડ્યા છે પણ એમણે આ તરકડાંઓને તારાજ કરવાની એક યોજના મોકલી છે.’

‘ યોજના કેવીક છે ? ’

નાગવાળાએ તરત ઊભા થઈ ડાયરાને પગે લાગી કહ્યું :  ‘મારા બાપુએ કહેવરાવ્યું છે કે તરકડાંનો મોરો સાવજનો છે, પણ હૈયું શિયાળવાનું છે … ઈ બધા જેતપરને હાથમાં લેવા ગાળીના મારગેથી આવશે … કારણ કે એ એક જ મારગ તુરકની ફોજ માટે નિરાપદ છે. મારા બાપુએ ખાસ ભાર દઈને કહેવડાવ્યું છે કે બેગડાની ફોજ ગાળીમાં આવે એટલે ત્યાં જ એને ગૂડી નાખવી…

પાંચસાત જણ ઉત્સાહમાં આવીને ઊભા થઈ ગયા અને બોલવા માંડ્યા,  ‘વાહ ધમ્મરવાળો, વાહ ! આ તો દશ્મનને છટકવાની યૈ તક નોં મળે ને બરાબર સાંપટમાં લઈ લેવાય.’

નાગવાળાએ કહ્યું :   ‘આપણને જે કાંઈ બાતમી મળી છે તે પરથી એમદખાન ભેગાં બે હજાર તરકડાં હશે … અને પાંચસો નોકરો હશે ! સાધનોનો પણ પાર નઈ હોય … એટલે આપણે માત્ર પાંચસો જોદ્ધાઓ સાથે ગાળીમાં છુપાઈ જઈએ અને જેવો એમદખાન પોતાનો નેજો લઈને ગાળીમાં પૂરેપૂરો આવી જાય એટલે હર હર મહાદેવ ને સુરજાનાથની જે બોલાવીને આપણે એને ચારે બાજુથી વાઢવા માંડીએ . તરકડાંઓ અચાનક હુમલાને રોકી શકતાં નથી … એની હિંમત તૂટી જાય છે ને સુરજાનાથની કિરપા હશે તો એક પણ તરકડો જેતપરના ટીંબા સુધી પહોંચી શકશે નહિ … ઈ ગાળીમાં જ ભંડારાઈ જાશે !’

‘યોજના તો ઘણી સારી છે. પણ એટલા માણસોની ફોજ સામે શું આપણે પાંચસો જણ … ’

વચ્ચે જ નાગવાળો બોલ્યો :  ‘પાંચસો તો ઘણા થઈ પડશે … મારી ગણતરીએ તો અઢીસો જ બસ છે …. એક એક કાઠીની તલવાર શું દસ દસનાં ભોડાં નોં ઉતારે ? વળી , ગઢના રક્ષણ માટે પણ આપણા સાતસો આઠસો માણસો ખડે પગે ગોઠવાઈ ગીયા હોય ! ન કરે નારાયણ ને કદાચ એમદખાન ગાળીનો મારગ તારવીને બીજે રસ્તેથી જેતપરને પાદર પોં’ચે તો ગાળીની આપણી ફોજ આકસ્મિક રીતે આવે ને એમદખાનની ફોજ પર તૂટી પડે … બે બાજુના મારથી એમદખાનની ફોજ દી આથમ્યા પહેલાં જ ભાંગીને ભુક્કો થઈ જાય !’

સહુને આ યોજના ગમી ગઈ. આવતી કાલે પાછલી રાતે પાંચસો સૈનિકો સાથે ચાંપરાજવાળો, નાગવાળો અને વીરોવાળો ગાળી તરફ જાય. બાકીના મોવડીઓ ગઢના રક્ષણ માટે રોકાય અને જેતપુરને સંભાળી લે એમ નક્કી કરવામાં આવ્યું.

આ પ્રમાણે નક્કી કરીને ચાંપરાજવાળાએ યમરાજને પણ બે ઘડી હાશકારો બોલાવે એવા પાંચસો મરજીવાઓને જુદા તારવીને તૈયાર કર્યા. જાતવાન ઘોડાંઓનો તો પાર નહોતો . હથિયારમાં તલવાર, ઢાલ અને ભાલાં રાખ્યાં હતાં … એ સિવાય દરેકની ભેટમાં એક એક કટારી છુપાવવાની પણ ગણતરી કરી લીધી. આ લડાઈ હાથોહાથની હોવાથી બીજું કોઈ હથિયારોનો ખપ પડે એમ નહોતો.

અને ગુરૂવારે પાછલી રાતે મોતને મૂઠીમાં રમાડનારા પાંચો સાથીઓ સાથે ચાંપરાજવાળો, નાગવાળો ને વીરોવાળો ગામમાં કોઇને ખબર ન પડે એ રીતે નીકળી ગયા. અને ગઢના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. ગઢમાંથી ગામમાં આવવા – જવાનો એક ગુપ્ત માર્ગ હતો … એ માર્ગ ચાંપરાજ ને તેના ખાસ સાથીઓ સિવાય કોઈ જાણતું નહોતું . આ માર્ગની પૂરતી કાળજી રાખવાની વ્યવસ્થા કરી નાખી હતી.

ગુરુવારે આરતી ટાણે એક ચાડિયાએ – ગુપ્તચર્ચા – આવીને સમાચાર આવ્યા હતા કે એમદખાન આજની રાત ને કાલનો અડધો દી પંદર ગા છેટેના એક પડાવે ગાળશે . ને શુકરવારે દી આથમ્યા ટાણે તેઓ ગાળીમાં થઈ જેતપર કોર આવશે.

આ સમાચારથી ચાંપરાજ ને નાગ બંને ભારે હર્ષમાં આવી ગયા હતા અને નિશ્ચિત મને પાછલી રાતે ચાલ્યા ગયા હતા.

ગાળી જેંતપરથી ત્રણ ગાઉ છેટી હતી..અને લગભગ પોણા ગાઉ જેટલી લાંબી હતી . ગાળીનો આખો મારગ ઘેઘૂર રહેતો હતો.કારણ કે બંને બાજુ ઝાડી આવી હતી..કાંટ પણ સારી હતી. આ ગાળી એટલી ભેંકાર ને બદનામ થઈ ચૂકેલી હતી કે એકલદોકલ વટેમાર્ગુ આ માર્ગેથી જતો જ નહિ . મોટે ભાગે વણજારો ને મોટા કાફલાઓ આ મારગેથી  જતો જ નહિ. માટ ભાગે  વણજારો ને મોટા કાફલાઓ આ મારગેથી પસાર થતા અને કોઈ કોઈ વાર  બહારવટે નીકળેલા માણસો આ કાંટામાં મહિનાઓ સુધી છુપાઈ શકતા.

સૂરજ ઊગે ઈ પહેલાં જ બધા ગાળીમાં પહોંચી ગયા અને ગાદીના આગલા છેડે ચાંપરાજવાળો, પાછલા છેડે નાગવાળો ને વચગાળે વીરોવાળો ગોઠવાઇ ગયા. એમદખાન પોતાની ફૌજ સાથે ગાળીમાં દાખલ થાય એટલે સહુએ છુપાઇને જ રહેવું … એની આખી ફોજ અંદર આવી જાય એટલે આગળથી ચાંપરાજ ને પાછળથી નાગવાળાએ હલ્લો કરી વાળવો વચ્ચેથી વીરાવાળાએ હાથ દેખાડવો.

ઘણાંખરાં ઘોડાં કેળવાયેલાં હતાં … સંચર પણ નો કરે..છતાં કૌઈથી હાવળ નખાઇ જાય તો જરાય ગભરાવું નહિ … એહમદખાન હારે બે હજારથી વધુ ઘોડાં હશે ને ખાણાપીણાના સરસામાનનાં ગાડાંઓ પાછળ હશે … એમદખાનને જરાયે વહેમ નહિ આવે.

સહુએ પ્રેમથી ટીમણ કરી લીધાં અને પછી નિશ્ચય કર્યો :  ‘હવે આ કામ પતે પછી જ અન્નનો કોળિયો ને કસુંબો લેવો … ત્યાં સુધી કાંઈ નહિ.’

‘મધ્યાહ્ન પછી એહમદખાન પોતાના કાફલા સહિત ગાળીથી માત્ર બે કોસ દૂર રહ્યો હતો. મારગ ચીંધનાર બે પગી ભેગા હતા . બંને થોડા દિવસો પહેલાં જ વટલાઈને મુસલમાન બની ગયા હતા.

એમાંથી એક પગીએ સિપેહસાલર સામે જોઈને કહ્યું :  ‘ખાન બહાદર … ગાળીકા મારગ પોણા ગાઉ લાંબા હૈ …  ‘તાજો બનેલો મુસલમાન સાચી ભાષા બોલી શકતો નહોતો.

એહમદખાને કહ્યું :  ‘વો હમ જાનતે હૈ !’

‘તો ઈ મારગ અચ્છા છે કે ઉસકી ખાતરી કરની હો તો દો સિપાહીઓ કું મારી સાથે ભેજો.’  પગીએ કહ્યું.

‘ગાલી કે રસ્તેમેં ક્યા કોઈ ઓર બાત હો સકતી હૈ ?’  એહમદખાને સામો સવાલ કર્યો.

‘કોઈ બારવટીયા અગર …’

‘મત ફિકર કરો … હમારી સામને કોઈ ડાકુ નહિ આ સકતા … અગર આ ગયા તો મુઠ્ઠીમેં મસલ દેંગે.’  એહમદખાને રુઆબથી કહ્યું.

પગીના મનમાં એમ હતું કે વખતે ગાળીના મારગમાં કાઠીઓએ કાંક ગોઠવણી કરી હોય તો કળી શકાય ! પગી જાણતો હતો કે, આ દેશમાં કાઠીની જાત ભારે કઠણ ને ચાલાક છે .એને છટકતાં ય વાર ન લાગે … ત્રાટકતાં ય વાર ન લાગે ને સામી છાતીએ ઘા ઝીલતાં યે આંચકો ન લાગે !

પણ એહમદખાનને બાદશાહીનો નશો હતો . એની પાસે બે હજાર સિપાહીઓની તંદુરસ્ત અને મોતને મુઠ્ઠીમાં લઈને લડે એવી ફોજ હતી.

ચાડિકાએ કહેલા સમાચાર મુજબ સાંજ પડે ઈ પહેલાં જ એહમદખાન પોતાની ફોજ સાથે ગાળીમાં દાખલ થઈ ગયો હતો.

એહમદખાનના સિપાહીઓ મસ્તીમાં ઝમતા જતા હતા .. .બસો જેટલા સિપાહીઓ મોખરે હતા . એની પાછળ ઇસ્લામની લીલી ધજા હતી, એની પાછળ બે ઘોડા જોડેલી એક ગાડી હતી … એહમદખાન ધોળા ઘોડા પર રુઆબથી બેઠો હતો અને તે ગાડીની પાછળ હતો.

ગાડી બંધ હતી એટલે અંદર બેઠેલા માણસો જોઈ શકતા નહોતા. પરંતુ અંદર સ્ત્રી વર્ગ હશે  એમ કલ્પી  શકાતું હતું .

છુપાયેલા કાઠીઓનાં કેટલાંક ઘોડાં એક બે વાર હણહણ્યાં હતાં પરંતુ એ તરફ કોઈનું લક્ષ ગયું નહોતું.

છેલ્લા છેડે નાગવાળો હતો. આખી સેના ગાળીમાં દાખલ થઈ ગઈ એટલે તેણે હર હર મહાદેવનો પ્રચંડ અવાજ કર્યો અને આખી ગાળીમાં એ નાદ ઝિલાઈ ગયો.

એહમદખાનની સેના ચમકી ઊઠી અને એની ચમક ભાંગે તે પહેલા જ ચારે તરફથી મરજીવા કાઠીઓ એકસામટા તૂટી પડ્યા … તરકડાંઓનાં માથાં ગાજર મૂળા માફક સાબોસબ વાઢવા માંડ્યા … તરકડાંઓની સેના હથિયાર કાઢે તે પહેલાં તો ચારે બાજુથી સોથ બોલાવા માંડ્યો.

એહમદખાન કદી ગભરાઈ જતો નહોતો. પણ આ ફસામણથી એની વિચારશક્તિ જાણે સાવ બહેર મારી ગઈ … તેણે મ્યાનમાંથી શમશેર બહાર કાઢી. પણ તે પહેલાં જ એક કાઠી જુવાનની તલવારના વારથી એનો તેજસ્વી અશ્વ ઢળી પડ્યો ને એહમદખાન ઢળતા અશ્વ પરથી ઊથલી પડ્યો.

સુરજાનાથની જય અને હર હર મહાદેવના ગગનભેદી પોકારો સિવાય જાણે કશું સંભળાતું જ નહોતું.

એહમદખાનની ફોજનો પુરવઠો લઈને આવતાં ગાડાંઓ હજુ એકાદ ગાઉ દૂર હોય એવું અનુમાન કરી શકાતું હતું અને ગાળીમાં અંધકાર ઘેરાતો હતો . નાગવાળા ને ચાંપરાજવાળા માટે આ અંધકાર આશીર્વાદરૂપ થઈ પડ્યો.

તુરક સેનાના કેટલાક જવાંમર્દોએ શમશેર ચલાવવી શરૂ કરી હતી . પરંતુ ચાંપરાજવાળાની નાનકડી સેનાએ ધાર્યા કરતાં વધારે ઝપટ બોલાવી હતી …

વચ્ચેના ભાગમાં વીરાવાળો પોતાના સાથીઓ સાથે રમઝટ બોલાવતો હતો … આગળના ભાગમાં ચાંપરાજવાળાએ તો ખગ વાળી દીધો હતો અને પાછળ ઝઝૂમતા નાગવાળાએ વીણી વીણીને તુરકોને ઢાળવા માંડ્યા હતા.

કેટલાક મુસલમાનો છટકીને ભાગવા જતાં કાંટમાં સલવાઈ ગયા હતા અને જે પાછા ફરતા તેને નાગવાળો ગૂડી નાખતો … આગળ વધતા એને ચાંપરાજવાળો પૂરા કરતો.

જોતજોતામાં ગાળીનો મારગ લોહીના કાદવવાળો થઈ ગયો. ચારે તરફ ઘોડાનાં માથાં , સિપાઈઓનાં ધડ, કોઈના હાથ પગ, કોઈનાં મસ્તક , તો કોઈ ઊભા ને ઊભા ચિરાઈ ગયા હતા.

જેમ કોઈ અણધારી વીજળી ત્રાટકે એ રીતે કાઠીઓ તલવારો વીંઝી રહ્યા હતા અને એમદખાન અશ્વરહિત થઈ ગયો હોવા છતાં બહાદુરીપૂર્વક બે ઘોડાની ગાડીની આસપાસ ઘૂમી રહ્યો હતો અને જે ઝપાટે આવે તેને ફટકારી રહ્યો હતો …

વીરાવાળો એમદખાન સામે આવી ગયો. તેણે પોતાનો ભાલો એમદખાનના મસ્તકનું લક્ષ્ય કરીને ઝીંક્યો. પણ ચપળ એમદખાન એક બાજુ તરી ગયો અને પોતાની બેધારી શમશેરના એક જ વા’રથી વીરાવાળાને મારી નાખ્યો.

માત્ર બે ઘડીના સંગ્રામમાં એહમદખાનની આખી સેના નષ્ટ ભ્રષ્ટ થઈ ચૂકી હતી . સમય અને પરિસ્થિતિનો વિચાર કરીને એહમદખાને શરણાગતિનું ભૂંગળું વગાડ્યું.

ચાંપરાજવાળાએ ને નાગવાળાએ જોયું કે સિપાઈઓ હથિયાર મૂકીને શરણાગતિ માગી રહ્યા છે. આથી સહુએ દુશ્મનોને પકડી પકડીને આગળ કરવાનું શરૂ કર્યુ.

સો જેટલા કાઠી જુવાનો ગાળીના મોખરે પુરવઠાનાં ગાડાંને સત્કારી રહ્યા હતા.

પુરવઠાનાં ગાડાંઓ સાથે વધારે સિપાઈઓ નહોતા. તેઓ પણ શરણે થઈ ગયા અને પુરવઠાનાં ગાડાંઓ સાથે આવેલી મશાલો ચેતવી ચેતવીને કાઠીસેના બધા માલ સાથે આગળ વધવા માંડી.

બધા ગાળી બહાર નીકળ્યા ત્યારે અધરાત વીતી ગઈ હતી. બેગડાની આડાભીડ ગણાતી ફોજ અને તેનો કાબેલ ગણાતો સિપેહસાલાર કાઠીઓની જવાંમર્દી આગળ લાચાર બની ગયાં હતાં.

બધા દી ઊગ્યે જેતપરના ગઢના દરવાજા પાસે પહોંચી ગયા. ગઢનું રક્ષણ કરનારા કાઠીઓએ સુરજાનાથનો જયનાદ ગજવી મૂક્યો.

ગામના લોકો પણ આ ચમત્કારથી નવાઈ પામવા માંડ્યા. જે લોકો મુસલમાન સેનાની ભે ખાઈ ગયા હતા તે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.

બધા યુદ્ધકેદીઓને દરબારગઢના ચોકમાં એકઠા કરવામાં આવ્યા.

બે ઘોડાની બંધ ગાડીમાં એહમદખાનની ઘરવાળી અને જુવાન દીકરી હતાં … બે બાંદીઓ પણ હતી.

ચાંપરાજવાળાએ ગણતરી કરી તો પોતાના સવાસો માણસો ગાળીમાં રહી ગયા હતા … કાં તેઓ મોતને ભેટ્યા હોય … કાં ઘાયલ થયા હોય.

બેગડાની ફોજના સાડાચારસો સિપાઈઓ પકડાયા હતા અને પાંચસોથી વધારે પુરવઠાના માણસો પકડાયા હતા. બાકીનાઓ કાં તો મોતને ખોળે જઈ પૂગ્યા હતા અથવા ઘવાયા હતા . પાંચપચીસ માણસો છટકવામાં સફળ પણ થયા હોય.

આધેડ સાથી વીરાવાળો લડતાં લડતાં કામ આવી ગયો હતો.

ચાંપરાજવાળાના ડાબા ખભા પર એક ઝાટકો લાગ્યો હતો … પણ એની પરવા તેણે કરી જ નહોતી.

નાગવાળો પણ ઘવાયો હતો. પરંતુ પડદે રાખવા જેવી સ્થિતિ એની નહોતી.

નાગવાળાએ ચારસો કાઠીઓને ગાળીમાં તરત રવાના કર્યા અને જે કાઠીઓ ઘાયલ થયા હોય તેને લઈ આવવાની વ્યવસ્થા કરી.

કોઈ છટકીને જૂનાગઢ તરફ જતા હોય તો એને આંબી જઈ પૂરા કરવાની આજ્ઞા સાથે તરત સો માણસોને રવાના કરી દીધા.

પાટાપિંડી માટે વાળંદો તૈયાર હતા. તેઓએ પોતાનું કાર્ય શરૂ કરી દીધું.

આખું જેતપર ગામ આનંદના ઉત્સાહમાં નાચી રહ્યું હતું અને એહમદખાનને જોવા દરબારગઢ તરફ ઊમટી રહ્યું હતું.

ચારણોએ ચાંપરાજવાળાની અને નાગવાળાની જવાંમર્દીને બિરદાવવી શરૂ કરી.

ગાળીમાં ગાળો કરી,  ઉપાડ્યો એમદખાન,

એક ઝપાટે તોડિયું,  તુરકારું અભેમાન,

ચાંપરાજ ને નાગને,  નીરખે સુરજોનાથ,

ધન છે મરદારાં હાથ,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.