Abtak Media Google News

અબતક, રાજકોટ

ભારતીય શેર બજારમાં જાણે મંદીએ અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય બજેટમાં કેપીટલ ગ્રેઈનમાં વધારો ઝીંકવામાં આવશે તેવી દહેશત, વિદેશી રોકાણકારો દ્વારા બેફામ વેચવાલી, રશિયા અને યુક્રેઈન વચ્ચે યુધ્ધના ભણકારા તથા અમેરિકા દ્વારા બેંકના વ્યાજના દરોમાં વધારો કરવામાં આવે તેવી સંભાવનાના પગલે બજારમાં મહામંદી ફરી વળી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. મૂડી રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે અત્યારે બહુ મોટક્ષ તક છે. મંદી વાળાઓ આડેધડ માલ ફેંકી રહ્યા છે. આવામાં આડેધડ વેચવાલી કરવાના બદલે સારી કંપનીના શેરોની ખરીદી કરવાથી મોટો ફાયદો મળી શકે છે દર વર્ષ બજેટ પૂર્વે શેર બજારમાં કરેકશન આવતું હોય છે. પરંતુ આ વર્ષ આંતરરાષ્ટ્રીય બજારો પર પણ અનેક પરિબળો અસર કરી રહ્યા હોવાના કારણે બજારમાં મંદી વધુ વિકરાળ બની છે.

શેરબજાર સતત સાતમાં દિવસે તુટ્યું: રોકાણકારોની ધુળધાણી

છેલ્લા બે સપ્તાહથી ભારતીય શેર બજારમાં મહામંદીનું વાવાઝોડુ ફૂંકાઈ રહ્યું છે. ચાલુ સપ્તાહે સોમવાર અને મંગળવારે બજારમાં તોતીંગ કડાકા બોલી ગયા બાદ ગઈકાલે પ્રજાસત્તાક પર્વ નિમિતે શેર બજાર બંધ રહ્યા હતા આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં જોરદાર કડાકા બોલી ગયા હતા. સેન્સેકસમાં 1150થી વધુ અને નિફટીમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફટી અને નીફટી મીડકેપ ઈન્ડેકસમાં પણ મોટા ઘટાડા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયામાં પણ આજે બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રૂપીયો ફરી 75ને પાર થઈ ગયો હતો.

સેન્સેકસમાં 507 અને નિફટીમાં 144 પોઈન્ટનો કડાકો: ડોલર સામે રૂપીયો પણ તુટ્યો

આજે સેન્સેકસે 57373.63ની સપાટી હાંસલ કર્યા બાદ 57 હજારની સપાટી તોડીને 56439.36 સરકી ગયો હતો. નિફટીમાં પણ મોટી ઉથલ પાથલ જોવા મળી હતી. તમામ સેકટરલ ઈન્ડેકસમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં હજી પણ મંદી જારી રહેશે તેવું જાણકારો માની રહ્યા છે. આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 507 પોઈન્ટના કડાકા સાથે 57350 પોઈન્ટ પર જયારે નિફટી 144 પોઈન્ટના ઘટાડા સાથે 17133 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 40 પૈસાના ઘટાડા સાથે 75.17 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.