Abtak Media Google News

રાઈટ ટૂ ફૂડમાં ધર્મને લઈ રાજકારણ ગરમાયું….

રાઈટ ટુ ફૂડને લઈને બોલવા ગયેલા ટીએમસીના સાંસદ ધર્મ ઉપર ચાલ્યા જતા સર્જાયો વિવાદ,સાંસદ મહુઆ મોઇત્રા જાહેરમાં માફી માંગે તેવી માંગ : અગાઉ પણ સાંસદે ગૌમૂત્ર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું

અબતક, રાજકોટ: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. આ વખતે તેણે જૈન સમુદાય વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે, જેના કારણે જૈન સમાજમાં ભારોભાર રોષની લાગણી જન્મી છે. વાસ્તવમાં, મહુઆ મોઇત્રાએ 3 ફેબ્રુઆરીએ લોકસભામાં તેમના સંબોધન દરમિયાન, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવમાં ભાગ લેતી વખતે રાઈટ ટુ ફૂડ મુદા વિશે કહ્યું હતું, તમને ભાવિ ભારતનો ડર છે. તમને એ ભારતનો ડર લાગે છે.

જ્યાં એક જૈન છોકરો ઘરેથી છુપાઈને અમદાવાદના રસ્તા પર એક ગાડીમાંથી કાઠી કબાબ ખાય છે. આ વિવાદીત નિવેદનથી જૈન સમુદાયના લોકોમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સંસદમાં આતંકવાદની વાત થાય છે ત્યારે કેમ કોઈ ચોક્કસ સમાજ વિશે બોલવામાં આવતું નથી. આમ સંસદની ગરિમા છે. જ્યાં કોઈ સમાજ કે જ્ઞાતિ વિશે બોલી શકાતું નથી. પણ આ સાંસદે એક સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા તેઓ સામે રોષ ઉભો થયો છે.

જૈન સમાજમાં આ નિવેદન સામે રોષ વ્યાપી ગયો છે. જૈન સમાજે માંગ કરી છે કે ટીએમસીના સાંસદ તેમની અપમાનજનક ટિપ્પણી માટે જાહેરમાં માફી માંગે. ઉલ્લેખનીય છે કે લોકસભાના ભાષણ પહેલા, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ગુરુવારે 3 ફેબ્રુઆરી, 2022 ટ્વિટર પર મોદી સરકાર પર ટોણો મારતા ’ગૌમૂત્ર’ની મજાક ઉડાવી હતી. આ મામલે પણ વિરોધ નોંધાયો હતો.

મેડમ, કોઈ સમુદાય વિશે બોલતા પહેલા શબ્દો ઉપર ધ્યાન રાખોHarsh Sanghavi

ટીએમસીના સાંસદે આપેલા વિવાદિત નિવેદનને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેઓએ ટવીટર ઉપર જણાવ્યું છે કે જૈન સમાજને કહેવાતા રાજકારણમાં ખેંચવુ, સાંસદની નબળી માનસિકતા દર્શાવે છે.તે આ રીતે જૈન વિશે કેવી રીતે વાત કરી શકે. વધુમાં તેઓએ ટીએમસીના સાંસદને ટાંકીને કહ્યું મેડમ, કોઈપણ ચોક્કસ સમુદાય વિશે બોલતા પહેલા તમારા શબ્દો પર ધ્યાન આપો.

જૈન ધર્મને તમારા કહેવાતા રાજકારણમાં ન ખેંચો, અમે સહન નહિ કરીએ

Cr Patil

ટીએમસીના સાંસદે જૈન સમાજ વિશે આપેલા નિવેદનને પગલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ટવીટર ઉપર જણાવ્યું કે જૈન ધર્મ એ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મોમાંનો એક છે. તે અહિંસા અને શાંતિનો માર્ગ સુચવે છે. વધુમાં તેઓએ મહુઆ મોઇત્રાના નામનો ઉલ્લેખ કરી લખ્યું છે કે  કૃપા કરીને જૈન ધર્મને તમારા કહેવાતા રાજકારણમાં ન ખેંચો, અમે સહન નહિ કરીએ તેવુ જણાવી અંતમાં તેઓએ જય જિનેન્દ્ર લખ્યું હતું.

Screenshot 8 6ટીએમસી સાંસદને જૈન ધર્મનું જ્ઞાન નથી

જૈન અગ્રણી અને પૂર્વ જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું કે સાંસદ સભ્ય કક્ષાના વ્યક્તિને જૈન ધર્મનું જ્ઞાન નથી. એટલે તેઓએ પોતાની સ્પીચમાં જાહેરમાં ધર્મની ટીકા કરી છે. આ તદ્દન બિનસંસદીય વાત છે. આવા વિવાદિત નિવેદનથી સમગ્ર જૈન સમાજની લાગણી દુભાણી છે. અમે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ સમક્ષ આ નિવેદન રેકોર્ડમાંથી ડીલીટ કરવામાં આવે તેવી માંગ ઉઠાવીએ છીએ. અને સાંસદ માફી માંગે તેવી માંગણી કરી રહ્યા છીએ.

Screenshot 10 5રાજકારણને કોઈ સમાજ સાથે જોડવું યોગ્ય નથી

જૈન અગ્રણી અને જૈન એડવોકેટ ફોરમના સૌરાષ્ટ્ર-કચ્છના હેડ કમલેશભાઈ શાહે જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લોકસભામાં જૈન સમાજને લઈને કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી સંસદીય આચારને તોડી નાખનારી છે.આવું બેજવાબદારીભર્યું નિવેદન આપતા પહેલા તેમણે ભારતીય સંસ્કૃતિ, ખાસ કરીને જૈન સમાજની ભોજન વિધિઓ વિશે થોડો અભ્યાસ કરવો જોઈતો હતો.  સમગ્ર વિશ્વમાં જૈન સમાજ શાકાહારી સમાજ તરીકે ઓળખાય છે તે સર્વવિદિત છે. પરંતુ મહુઆ મોઇત્રાની ટિપ્પણી જૈન સમાજની ભાવનાઓ, વિચારો અને મૂલ્યોને નષ્ટ કરતી સીધી ટિપ્પણી છે.  જૈન સમાજની યુવા પેઢી અંગેના તેમના તારણો ઉપરછલ્લી અને વાસ્તવિકતાઓથી તદ્દન વિરુદ્ધ છે. રાજકારણ આખું અલગ છે. તેને કોઈ જ્ઞાતિ કે સમાજ સાથે સાકળવું ન જોઈએ. આ સાંસદે માફી માંગવી જોઈએ.

Screenshot 11 5સાંસદે સમગ્ર જૈન સમાજનું અપમાન કર્યું છે

જૈન અગ્રણી ચંદ્રકાન્ત શેઠે ટીએમસીના સાંસદના વિવાદિત નિવેદન અંગે કહ્યું કે આ નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ. સાંસદ એક જવાબદાર વ્યક્તિ ગણાય. તેઓએ આવું નિવેદન આપવું યોગ્ય નથી. કોઈ પણ સમાજ માટે આવું બોલવું અશોભનીય છે. આ નિવેદનથી જૈન સમાજનું અપમાન થયું છે. જૈન સમાજ અહિંસામાં માનવાવાળો સમાજ છે. આ સાંસદે જૈન સમાજની માફી માંગવી જોઈએ. અને આ નિવેદન અંગેની નોટ સંસદમાંથી પાછી ખેંચવી જોઇએ.

Screenshot 9 5સાંસદ સમગ્ર જૈન સમાજની માફી માંગે

જૈન સમાજના અગ્રણી જીતુભાઇ દેસાઈ દ્વારા જણાવાયું છે કે ટીએમસીના સાંસદે લોકસભામાં જૈન સમાજ વિશે કરેલી કથિત ટિપ્પણીને કારણે તેમને સમગ્ર વિશ્વના જૈન સમાજની માફી માંગવાનો આદેશ આપવામાં આવે અને તેમના આ ભાગને દૂર કરવામાં આવે. જૈન સમાજ શાંત અને અહિંસક પ્રેમી છે.  તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય જે સાંસદે કર્યું છે તે ખૂબ જ નિંદનીય અને વાંધાજનક છે. જૈન સમાજ હમેશા અહિંસા અને શાંતિમાં માનનારો સમાજ રહ્યો છે. સાંસદે બેજવાબદાર બની આ નિવેદન કર્યું છે તે બદલ તેઓ માફી માંગે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.