Abtak Media Google News

 

Advertisement

ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં રાજકોટ યુવાનના કરતબથી સેલિબ્રિટીઓ સ્તબ્ધ

હાથ તૂટ્યો, પ્લેટ લાગી છતાં પણ રાજકોટના સચિન નિમાવતે હાર ન માની: અમેરિકા ગોટ્સ ટેલેન્ટમાં જવાનું સપનું

 

રાજકોટના યુવાન સચિન નિમાવતે ઇન્ડિયાઝ ગોટ્સ ટેલેન્ટમાં પોતાના હેન્ડસ્ટેન્ડ પરના કરતબથી શિલ્પા શેટ્ટી સહિતના જજ સ્તબ્ધ થઈ ગયા હતા. રાજકોટના સચિન નિમાવતની જેણે માત્ર પ્રાથમિક સુધીનો જ અભ્યાસ કર્યો છે. એક સમયે સ્કૂલ ફી ભરવાના પણ ફાંફાં હતાં ત્યારે યુવકે પાનની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ સોશિયલ મીડિયામાં હાથ પર ચાલતા સ્ટંટનો વીડિયો નિહાળી હેન્ડસ્ટેન્ડ કરવાનું શરૂ કર્યું અને આજે સચિન દીવાલ પર, રેલિંગ પર, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે હાથ પર ચાલી શકે છે.

આ યુવાન માટે ગૌરવની વાત તો એ છે કે હવે સચિન નિમાવત ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચી ગયો. જોકે ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવા સચિને ઘણી મહેનત પર કરવી પડી છે. એક સમયે હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકે એવી સ્થિતિ સર્જાઈ હતી. એક સમય એવો પણ હતો, જ્યારે હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો રહ્યો. લોકોએ તો કહ્યું પણ ખરા કે હવે સચિને જિમ્નેસ્ટિકને ભૂલી જ જવું જોઈએ. એમ છતાં સચિન હિંમત ન હાર્યો અને આજે અહીં સુધી પહોંચ્યો છે. અમેરિકાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવાનું સચિનનું સ્વપ્ન છે.

સચિન નિમાવતે જણાવ્યું હતું કે વ્હોટ્સએપ ગ્રુપમાં મારો એક નાનકડો વીડિયો પોસ્ટ કર્યો અને જિમ્નેસ્ટિકના મેડમનો કોલ આવ્યો કે તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો? મને ન તો અંગ્રેજી આવડતું, ન તો ટ્રેનિંગ આપવાની ખબર કે ન તો જિમ્નેસ્ટિક શું છે એની કોઈ ખબર હતી. પણ જયારે તેમણે મને સર કહીને બોલાવ્યો તો મને એમ લાગ્યું કે જે હું કરું છું એમાં કંઈક તો વાત છે. આ પ્રસંગે મને પહેલી વાર સન્માન મળ્યું છે. હું હેન્ડસ્ટેન્ડ 85 જગ્યાએ કરી ચૂક્યો છું, દીવાલ, રેલિંગ, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે કરી શકું છું.

સચિને વધુમાં જણાવ્યું હતું કે આટલા કપરા સમય છતાં પણ હારના માની અને ફરી પાછો જિમ્નેસ્ટિકમાં આવી ગયો અને ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચી ગયો. એક મિનિટ સુધીનો ગોલ રાખ્યો હોય અને 59 સેક્ધડ થઈ તો ફરીથી શરૂ કરતો. ક્યારેય પાછું વાળીને નથી જોયું, સતત કઠણ પરિશ્રમ કરું છું અને મને એકવાર માન મળ્યું છે એટલે હવે ફરીથી પાનના ગલ્લે નથી જવું. અહીં તો એટલો સ્કોપ નથી પણ વિદેશોમાં હેન્ડસ્ટેન્ડ, હેન્ડવોકની સ્પર્ધાઓ યોજાય છે એમાં ભાગ લેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.