Abtak Media Google News

સુરેન્દ્રનગર એલસીબીએ અનેક ચોરીનો ભેદ ઉકેલ્યો: રૂ.૭.૫૫ લાખની મત્તા કબ્જે

અબતક- સબનમ ચૌહાણ- સુરેન્દ્રનગર

ઝાલાવાડ પંથકમાં ચોર ગેંગ સક્રિય થઈ હતી. જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઝાલાવાડ પંથકમાં તરખાટ મચાવનાર બનાસકાંઠા તસ્કર ગેંગના બે તસ્કરોને પોલીસે રૂ.૭.૫૫ લાખની મત્તા સાથે દબોચી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે અને લખતર તાલુકાના તાવી ગામેના ચોરીના બે બનાવ બન્યા હતા. એલસીબી પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ વી.આર.જાડેજા તેમજ એલીસીબીની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા આજુબાજુના તેમજ આરોપીઓ ગુનો કરી નાસી ગયા તે રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. આ ઉપરાંત રાહદારીઓની પણ પૂછપરછ અને અન્ય શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી અગાઉ આવા પ્રકારના ગુનામાં પકડાયેલા આરોપીઓનો ડેટાબેઝ એકત્ર કરાયો હતો. તપાસ બાદ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરામાં રહેતા ૨૨ વર્ષના ભગાભાઈ વેરશીભાઈ મુનેચા તેમજ સીરવાડામાં રહેતા ૩૦ વર્ષના ભરતભાઈ સોમાભાઈ જાખલીયા સંડોવાયેલા હોવાનું જણાયું હતું. આથી બંને શખ્સોને રાઉન્ડઅપ પૂછપરછ કરતા ચોરી ન કરી હોવાનું જણાવી બચવા પ્રયત્ન કર્યો હતો. અંતે બંને તસ્કરોએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

જેમાં ચોરીના મુદ્દામાલ પૈકી રૂ. ૮૨૦૦ની રોકડ, રૂ.૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઇલ, ૪,૧૮,૯૬૪ની કિંમતના સોનાની રણી નંગ-૮ જેનું કુલ વજન ૧૦૩.૨૧૦ ગ્રામ, રૂ.૧૮,૯૩૬ની કિંમતની ચાંદીની (કાચી પાટલી) રણી નંગ-૩ તેમજ ચોરીમાં ઉપયોગ કરેલી રૂ.૩,૦૦,૦૦૦ની કિંમતની કાર સહિત કુલ રૂ.૭,૫૫,૭૫૫નો મુદ્દામાલ મળી કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત બંને શખ્સો તથા સીરવાડામાં રહેતા ટીની ઉર્ફે કાળી ઉર્ફે ઇકા તરસંગભાઈ ત્રણેય મળી મારૂતી કારમાં બેસી બલદાણા અને તાવીમાં ચોરી કરી હતી. જ્યારે આ ચોરીનો માલ લીલીબેન તથા તારસંગભાઈ બંને વેચવા માટે જતા હોવાની કબૂલાત કરી હતી. ચોરીના મુદામાલને વેચી તેના પૈસાથી મોજશોખ કરતા હતા. આ ચોરીનો ભેદ ઉકેલવામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના નરેન્દ્રસિંહ, દશરથસિંહ, જુવાનસિંહ, ચમનલાલ, દિલીપભાઈ, અજયસિંહ, અનિરૂધ્ધસિંહ, નિર્મળસિંહ, સંજયસિંહ, કલ્પેશભાઈ સહિતની ટીમ જોડાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.