Abtak Media Google News

સુવરનો શિકાર કરવા દીપડાએ દોટ મૂકી

ગિરનાર ઉપર અંબાજી મંદિર પાસે સુવરનો શિકાર કરવા બે યાત્રિકોની બાજુમાંથી દોટ મુકેલ દીપડો સડસડાટ પસાર થઈ જતા તથા ગિરનારના પથ્થરચટ્ટી જવાના વિસ્તારમાં એક દીપડી અને બે બચ્ચાાઓ યાત્રિકોની નજરે ચડતાં ગિરનાર પર દર્શને આવેલ યાત્રિકોમા ફફડાટ મચી જવા પામ્યો છે.

ગિરનાર ઉપર આવેલ અંબાજી મંદિરની બાજુમાં દુકાન ધરાવતા દિનેશભાઈ માંડવીયાના પુત્ર ભૂરાભાઈ ના જણાવ્યા અનુસાર ગિરનાર પર્વત પર અંબાજી મંદિર પાસે આવેલ વાયરલેસ ઓફિસની બાજુમાંથી સવારના દસ વાગ્યાના અરસામાં એક સુવરનો શિકાર કરવા દીપડો યાત્રિકોની કેડી ઉપર દોટ મૂકતો જોવા નજરે પડ્યો હતો અને તે વખતે યાત્રિકો પણ તે કેડી ઉપરથી પસાર થઇ રહ્યા હતા પરંતુ દીપડો યાત્રિકો ઉપર કોઈ હુમલો કર્યા વગર સડસડાટ પસાર થઈ ગયો હતો. જો કે સાવ નજીકથી ખૂંખાર દીપડો પસાર થતા યાત્રિકોમાં ભયનું લખલખું અને ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આવી જ રીતે અંબાજી માતાને થાળ ધરવા રાજકોટના કિશોરભાઈ ભૂતનો એક પરિવાર આવ્યો હતો ત્યારે બપોરના ચારેક વાગ્યાના અરસામાં આ પરિવાર ગોરખનાથથી અંબાજી મંદિર તરફ પરત આવી રહ્યા હતા એ સમયે એક દિપડી તેના બે બચ્ચા સાથે મંદિરની પાછળ આવેલા ગિરનારના પથ્થરચટ્ટી જવાના રસ્તા ઉપર નજરે પડતા આ પરિવારના હોશ કોશ ઉડી ગયા હતા. જો કે આ પરિવાર ત્યાંથી સહી સલામત ત્યાંથી નીકળી જવા પામ્યો હતો.

ગિરનાર ઉપર અંબાજી મંદિર અને પથ્થર ચટી વિસ્તારમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ નજરે ચડતા યાત્રિકોના હોંશ ઊડી જવા પામ્યા હતા. સદભાગ્યે આ હિંસક ગણાતા પ્રાણી એ  યાત્રિકો પર હુમલો કર્યો નથી, પરંતુ ગિરનારના અંબાજી અને દત્તાત્રેય મંદિરના દર્શન કરવા આવેલા યાત્રિકોમાં હિંસક પ્રાણીઓ ધોળા દિવસે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.