Abtak Media Google News

વહેલી સવારથી સાગર સુરક્ષા કવચ અભિયાનનો આરંભ

સોમનાથ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં આજથી બે દિવસ સાગર સુરક્ષા કવચ અભિયાન ચલાવવામાં આવશે. ભારતીય તટરક્ષક દળ દ્વારા તટરક્ષક દળની મહત્વની કવાયત સાગર સુરક્ષા કવચ આજે સવારના છ વાગ્યાથી સર્તકતા-જાપ્તા અને સમુદ્રમાં બાજ નજર સાથે શરૂ થશે જે રાઉન્ડ ધ ક્લોક આવતીકાલ રાત્રિના 8 વાગ્યે પૂર્ણ થશે.

ઝેડ પ્લસ લોખંડી જડબેસલાક સુરક્ષા કવચ ધરાવતું ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સમુદ્ર તટે આવેલ વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવનું મંદિર અને ગીર સોમનાથ જીલ્લાનો 110 કિલોમીટર પથરાયેલા સાગરમાં સુરક્ષા એજન્સી રક્ષા કવચ સાધનો સાથે ખુંદી વળશે. દ્વારકાના દરિયામાં પણ આ અભિયાન ચાલશે. યુવા જાબાંઝ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર, જી.બી. બામણીયા તથા સાગર તટના કોડીનાર, ઉના, નવાબંદર, પ્રભાસ પાટણ, સૂત્રાપાડા, હિરાકોટ, ધામળેજ સહિતના બંદરો આવરી લઇ અધિકારીઓ જોડાશે.

પોલીસ તંત્રના એસ.ઓ.જી., એલ.સી.બી. જુદા-જુદા સ્થળોનો પોલીસ સ્ટાફ, કોસ્ટ ગાર્ડ, નેવી, કસ્ટમ પોર્ટ, મરીન પોલીસ, એસ.આર.પીનો વિશાળ કાફલો રાઉન્ડ ધ ક્લોક હાઇવે અને સમુદ્રમાં પેટ્રોલિંગ કરશે.ફીસરીઝ વિભાગ તરફથી પણ સૂચના જારી કરાઇ છે કે કોઇએ આઇ.એમ.બી. નજીક જવું નહીં કે ક્રોસ કરવી નહીં.શંકાસ્પદ વહાણ દરિયામાં દેખાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવી. તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા અને સુરક્ષાના સાધનો સાથે એલર્ટ રહેવું. ફીસરીઝ વિભાગે માછીમારોને ચેતવણી આપી છે કે ટોકન લઇને જ માછીમારી કરવા જવું અને સાગર સુરક્ષા કવચ અનુસંધાને ખાસ કંટ્રોલરૂમ ફીસરીઝ કચેરીએ ધમધમતો રહેશે.

સોમનાથ મંદિર ઝેડ પ્લસ લોખંડી સુરક્ષા કવચ ધરાવતું હોય તમામની હેન્ડ મેટલ ડીટેક્ટર તલાશી બાદ જ દર્શન પ્રવેશ અને ત્રણ સ્તરીય તપાસ ઉપરાંત બીડીએસ, ડોગ સ્કવોડ, હોર્ષ સ્કવોડ, એસ.આર.પી. પોલીસ અને જીઆરડી જેન્ટ્સ-મહિલા સહિતનો સ્ટાફ સતર્ક બાજ નજરે ખડેપગે આ કવાયતમાં કાર્યરત રહેશે. મંદિર પાસે વાહન પ્રવેશ પણ નિયંત્રિત રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.