Abtak Media Google News

ગુજરાતની ચૂંટણી એક રાજય પૂરતી સિમિત નથી વિચારધારા સાથે જોડાયેલી છે: ગૃહમંત્રી

ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. ભાજપ પાટીદાર સમાજ અને આદિવાસી વોટબેન્ડ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીની સંભવીત અસરો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. વર્ષ 2017માં જે બેઠકો ભાજપ 5 હજારથી પણ ઓછી લીડથી વિજેતા બન્યું છે. તેવી બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવશે. ભાજપ કોઈપણ ભાગે 182 બેઠકો માટે 150 બેઠકો જીતવા માંગે છે. તમામ આગેવાનોને ચૂંટણી લક્ષી વ્યુહ રચના બનાવવા તાકીદ કરી દેવામાં આવી છે.

અમદાવાદના બાવળા ખાતે ભાજપની બે દિવસીય ચિંતન શિબીર યોજાઈ હતી. ગઈકાલે અંતિમ દિવસે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ અને  સહકાર મંત્રી  અમિત શાહે ભાજપના આગેવાનોને સંબોધતા જણાવ્યું હતુકે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી લોકસભા-2024ની ચૂંટણીનો પાયો નાંખશે

અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહ , કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના પ્રભારી  ભુપેન્દ્ર યાદવજી,રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી  બી.એલ.સંતોષજી, ગુજરાત રાજ્યના સહ પ્રભારી  સુધીર ગુપ્તાજી, ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી  અમિતભાઈ શાહ સાહેબે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, ભાજપની ચિંતન બેઠક – અભ્યાસ વર્ગ થયો જેમાં પૂર્ણ સમયે ચૂંટણીલક્ષી ચિંતા કરવામાં આવી.   અમિતભાઈ શાહ  ના અધ્યક્ષ સ્થાને સરકાર અને સંગઠનાત્મક કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચૂંટણી તૈયારી સામેના પડકારો અને પ્રચંડ બહુમતિ સાથે જીતવી તે જ મુખ્ય વિષય રહ્યો. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી  અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, 1990થી ભાજપ માટે વિપરીત અને કઠિન પરિસ્થિતિઓમાં પણ ભાજપે અસંભવ લાગતાં પરિણામો મેળવ્યા છે. 2022 ની ચૂંટણી જય-પરાજય માટેની નથી.

આ ચૂંટણી જો કોઈ અન્ય રાજ્યની હોય તો તે રાજ્ય પુરતી રહે પરંતુ ગુજરાતની ચૂંટણી વિચારધારા સાથે જોડાઈ જાય છે. 1985માં બે જ સીટો હતી તો 1987માં અમદાવાદ કોર્પોરેશનથી જીત ની શરૂઆત થઈ અને કાર્યકર્તાઓ નિરાશામાંથી બહાર આવ્યા. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ ત્યારથી ગુજરાતને સતત મળતું આવ્યું છે, ગુજરાતની આગામી વિધાનસભા – 2022 ની ચૂંટણીનો કાર્યકર્તાઓની મહેનતનો  ભવ્યાતી ભવ્ય વિજય દેશની લોકસભાની ચુંટણી- 2024ની ચૂંટણીનો પાયો છે.

  • દરેક મતદારનો રૂબરૂ સંપર્ક સાધવા ભાજપે બનાવી રણનીતિ
  • ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમા રેકોર્ડબ્રેક બેઠકો જીતવા ભાજપે ચિંતન શિબિરમાં કર્યું મનન

અમદાવાદના બાવળા ખાતે  યોજાયેલી ચિંતન બેઠકમાં  આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચિંતન મનન કરવામાં આવ્યું હતું . આ ચિંતન બેઠકમાં  સંગઠનાતમક  તમામ તૈયારીઓ,  આગામી કાર્યક્રમો અને પ્રચંડ વિજય સાથે ચૂંટણીઓ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી જીતશે તેની રણનીતિ ચિંતન બેઠકમાં તૈયાર કરવામાં આવી છે.

આવનારી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આગામી વરસે 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ છે અને પ્રચંડ બહુમતીથી ચૂંટણી જીતવાની રણનીતિ આ ચિંતન બેઠકમાં કરવામાં આવી છે.  ગુજરાતની વિધાનસભાની 2022 ની ચૂંટણી દેશની લોકસભાની 2024ની ચૂંટણીનો પાયો છે .  ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને સંગઠન કોઈ પણ ચૂંટણીને  સરળતાથી કે  સહજતાથી લેતું નથી એ માત્ર ને માત્ર જીતવા માટે કાર્ય  કરે છે, ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતત જન સંપર્ક કરીને જનતાની સેવામાં મેદાનમાં ઉતરી જાય છે.

ભૂતકાળમાં ગુજરાતને જોઈએ તો ગુનાહિત ગુજરાતમાંથી સુરક્ષિત ગુજરાત બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીનો સિંહફાળો છે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અથાગ મહેનતથી ચોક્કસથી તોડશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  માઈક્રો પ્લાનિંગ કરી આગામી ચુંટણીમાં  ખૂબ મોટા વિજયમાં ક્ધવર્ટ કરી એક અભેદ ગુજરાત બનાવશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં કે દેશમા  ક્યાંય દેખાતી નથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2014થી ભારત દેશને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ભારતના લોકોને આત્મનિર્ભર કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને જે જૂની સમસ્યાઓનો ભાર ભારત દેશ ભોગવી રહ્યો હતો તેનાથી મુક્ત કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. 370 ની કલમ હોય,  ત્રિપલ તલાકના કાયદા હોય,  રામ મંદિરની બાબત હોય બધા જ નિર્ણયો છેલ્લા આઠ વર્ષના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના શાસનમાં આપણને જોવા મળ્યા છે. આપણે આપણી કાર્યપદ્ધતિથી બુથ અને પેજ  સુધીનું મેનેજમેન્ટ કરીને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારથી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંપર્ક કરીને ખૂબ જ માઈક્રો પ્લાનિંગ કરીને ચૂંટણીની તૈયારીઓ કરવાની છે. નકારાત્મક રાજનીતિને ખૂબ નજીકથી જોઈ ઓળખી લીધી છે.

વર્ષ 2022ના  આગામી કાર્યક્રમો સંદર્ભે  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, નવા મતદારોને જોડવા, બુથ સહ  મિટિંગમાં કરવી,  શક્તિ કેન્દ્રની બેઠકો કરવી, પેજ સમિતિની રચના કરવી  વગેરે કાર્યક્રમોનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને દરેકે દરેક મતદાર સુધી કેવી રીતે રૂબરૂમાં સંપર્ક કરી શકાય તેની રણનીતિ બનાવવામાં આવી હતી. તેમ પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.