Abtak Media Google News

સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર: હજી રવિવાર સુધી હિટવેવનો પ્રકોપ રહેશે

છેલ્લા અઢી મહિનાથી કાળઝાળ ગરમીમાં શેકાય રહેલા સૌરાષ્ટ્રવાસીઓને હજી થોડા દિવસ સૂર્યનારાયણના પ્રકોપથી રાહત મળે તેવા કોઈ જ અણસાર દેખાતા નથી જોકે હવે વાતાવરણમાં પ્રિ-મોનસુન એકિટવીટીની અસર જોવા મળી રહી છે. સવારના સમયે પરસેવે રેબઝેબ કરી દેતા આકરા ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.જયારે બપોરનાં સમયે અંગ દઝાડતા આકરા તડકા પડી રહ્યા છે.

ગુરૂવારે રાજયના 11 શહેરોમાં મહતમ તાપમાનનો પારો 41 ડિગ્રીથીવધુ રહેવા પામ્યો હતો. હજી રવિવાર સુધી હિટવેવનો પ્રકોપ યથાવત રહેશે.આજે સવારે અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો જો થોડીવાર માટે પણ પંખા કે એસી બંધ રાખવામાં આવે તો પરસેવે નીતરી જાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતુ સામાન્ય રીતે 15 મેથી પ્રિ.મોનસુન એકિટવીટી શરૂ થઈ જતી હોય છે અને એકાદ માસ એટલે કે 15 જૂન સુધી આ સીલસીલો ચાલતો હોય છે.

પખવાડીયા પૂર્વે પ્રિ-મોનસુન એકિટવીટીની અસર જોવા મળતા સૌરાષ્ટ્રના બેથી ત્રણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો હવે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે રાજયનાં 11 શહેરોનું તાપમાન 43.7 ડિગ્રી સુધી નોંધાયું હતુ સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ.

આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 43.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 41.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.8 ડિગ્રી ભૂજનું તાપમાન 42.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 43.1 ડિગ્રી અમરેલીનું તાપમાન 42.8 ડિગ્રી, રાજકોટનું તાપમાન 42.9 ડિગ્રી, જૂનાગઢનું તાપમાન 41.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. આગામી બે દિવસ હજી તાપમાનનો પારો ઉંચો રહેશે. સોમવારથી ગરમીમાં થોડી રાહત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.