Abtak Media Google News

કોઠારિયા રોડ પર સંતોષ સ્વીટ્સમાં પાંચ કિલો દાઝ્યા તેલનો નાશ: મિક્સ દૂધ અને મિનરલ વોટરના નમૂના લેવાયાં

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા મરચા પાઉડર અને શુદ્વ ઘીના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થયા છે. મરચા પાઉડરમાં બીજની ભેળસેળ ખૂલી છે. જ્યારે શુદ્વ ઘીમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા શહેરના નાનામવા સર્કલ પાસે શ્રીરામ ઉમિયાજી મસાલા માર્કેટમાં ભાવેશભાઇ વિકાણીના શ્રીરામ મસાલા ભંડારમાંથી લૂઝ મરચા પાઉડરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમ્યાન મરચા પાઉડરમાં બીજના ભૂક્કા ધારા ધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એસ.કે.ચોક મેઇન રોડ પર કમલેશભાઇ જોબનપુત્રાની માલિકીના જય જલારામ ઘી ડેપોમાંથી શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવી હતી. આ ઉપરાંત મવડી મેઇન રોડ પર વિનાયક નગરમાં બિરેન જોબનપુત્રા નામના વ્યક્તિના માલિકીની જલારામ ઘી ડેપોમાંથી લુઝ શુદ્વ ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.

આરોગ્ય શાખા દ્વારા શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં એકલવ્ય હોલ પાછળ આવેલી શિવશક્તિ ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝ દૂધ અને લક્ષ્મીનગર મેઇન રોડ પર કૈલાશ ડેરીની સામે અલ્પેશભાઇ જોશીને ત્યાંથી બિસંત પેકેઝ્ડ ડ્રિંન્કીંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો છે અને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાનને સાથે રાખી શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંતોષ સ્વીટ્સ એન્ડ ફરસાણમાંથી પાંચ દાઝ્યા તેલનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવનીત ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી ફાર્મ, ડિલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંતોષ સ્વીટ્સ, બાલાજી આઇસ્ક્રીમ, બાલાજી રસ ડેપો, જલારામ ભજીયા એન્ડ સમોસા, ઠક્કર સમોસા સહિત આઠ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.