Abtak Media Google News

હડકાયા બનેલા શ્વાને પુત્રને બચાવવા ગયેલા પિતા અને વૃદ્ધાને પણ બચકા ભર્યા

શહેરના ભાગોળે આવેલા ઠેબચડા ગામની વાડીમાં ઘોડિયામા સૂતેલા માસુમ બાળકને શ્વાને બચકા ભરી લેતા મોત નીપજતાં ચકચારી મચી ગઈ છે. જ્યારે હડકાયા બનેલા શ્વાને બાળકને બચાવવા દોડેલા પિતા અને અન્ય એક વૃદ્ધાને પણ બચકું ભર્યાનું જાણવા મળ્યું છે.

આ કરુણ ઘટના અંગે મળતી માહિતી મુજબ ઠેબચડા ગામે રહેતા પારસભાઈ પસાયા પરિવાર સાથે વાડીમાં રહીને મજૂરી કામ કરે છે. આજ રોજ સવારે પારસભાઈ વાડીમાં કામ કરતા હતા ત્યારે તેમનો આઠ માસનો માસુમ પુત્ર સાહિલ ઘોડિયામા સૂતો હતો. તે દરમિયાન હડકાયા શ્વાને ઘોડિયામા સૂતેલા બાળકને બચકા ભર્યા હતા. બાળકને ગળા અને માથાના ભાગે ગંભીર બચકા ભરતા તુરંત પિતા પારસ અને અન્ય એક વૃદ્ધાએ બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન હડકાયા શ્વાને પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકા ભ્રી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સિવિલમાં ફરજ પરના ડોકટરે માસુમ બાળક સાહિલને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સાહિલ એક ભાઈ એક બહેનમાં નાનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

ઠેબચડામાં જ ‘અંબા’ને ડાઘિયા શ્ર્વાને બચકા ભર્યા’તા

આજરોજ ઠેબચડા વાડી વિસ્તારમાં એક આઠ માસના માસુમ બાળકને હડકાયા શ્વાને ફાડી ખાધાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે ભૂતકાળમાં આજ ઠેબચડા ગામમાં તરછોડી દીધેલી માસુમ બાળકીને ડાઘિયા શ્વાનોએ બચકા ભર્યા હતા. જેની જાણ થતાં પોલીસ કાફલો તુરંત બાળકીને હોસ્પિટલ લઈ ગયો હતો. એટલું જ તે સમયે તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજકોટ પોલીસ પરિવારે તરછોડાયેલી બાળકીને દતક લીધી હતી. ત્યાર બાદ પોલીસ હેડ ક્વાર્ટરમાં અંબા માતાજીના મંદિરના ધાર્મિક મહોત્સવની ઉજવણી ચાલતી હોય જેથી આ માસુમ બાળકીને પોલીસ પરિવારે ’ અંબા ’ નામ આપ્યું હતું. એટલું જ નહિ અંબાની સારસંભાળ પણ પોલીસ પરિવાર દ્વારા જ કરવામાં આવતી હતી. જે સમયે બાળકી અંબાને વિદેશના પરિવારે દતક લીધી ત્યારે આ જ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા અંબા માતાજીના મંદિર ખાતેથી જ વિદેશી પરિવારને સોંપવામાં આવી હતી. આ કરુણ ઘટના હજુ રાજકોટ વાસીઓને વિસરી નથી ત્યાં ફરી એકવાર ઠેબચડામાં શ્વાને વધુ એક પ્રતાપ બતાવ્યો છે. આઠ માસના માસુમ બાળક સાહિલને શ્વાને ફાડી ખાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.