Abtak Media Google News

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે :  યુપી સરકારને આગામી ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં, સુપ્રીમ કોર્ટે હિંસા આચરનારાઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી પર આવતા સપ્તાહ સુધી સ્ટે આપ્યો છે. કોર્ટે યુપી સરકારને આ મામલે આગામી ત્રણ દિવસમાં પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે અને આગામી સપ્તાહની સુનાવણી સુધી બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ પણ આપ્યો છે.

જમીયત-ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે સરકારને આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે સમય આપવામાં આવશે. ત્યાં સુધી અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. એ લોકો પણ સમાજનો એક ભાગ છે. જો કોઈને કોઈ સમસ્યા હોય, તો તેને તેનો ઉકેલ શોધવાનો અધિકાર છે. આ રીતે બાંધકામ તોડી પાડવા કાયદા હેઠળ જ થઈ શકે છે. અમે આ કેસની સુનાવણી હવે આવતા અઠવાડિયે કરીશું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચના જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે જમિયતની અરજી પર સુનાવણી કરી છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારને આદેશ જારી કરવામાં આવે કે કાયદા મુજબ મિલકતનો નાશ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બુલડોઝરની કાર્યવાહીના નિર્ણય વિરુદ્ધ આપવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી.  સરકાર તરફે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે, જ્યારે અરજદારના વકીલ સી.યુ. સિંઘે તેના પર સ્ટે માંગ્યો હતો. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને નિર્દેશ આપ્યો કે અનધિકૃત બાંધકામોને હટાવવામાં કાયદાની પ્રક્રિયાનું કડકપણે પાલન કરવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી સરકાર અને પ્રયાગરાજ અને કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, બધું ન્યાયી દેખાવું જોઈએ. હવે આ અરજી પર આગામી સપ્તાહે સુનાવણી થશે.

તે જ સમયે અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ડીમોલેશનનું કારણ એ હતું કે હિંસામાં સામેલ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  સિંઘે વધુમાં દલીલ કરી હતી કે જે ડિમોલિશન વારંવાર થાય છે તે આઘાતજનક અને ભયાનક છે. આવું તો કટોકટી દરમિયાન પણ બન્યું ન હતું. આ 20 વર્ષથી વધુ સમયથી ઉભેલા મકાનો છે અને ઘણીવાર આ મકાનો આરોપીઓ નહીં પરંતુ તેમના વૃદ્ધ માતા-પિતાના પણ હોય છે.

ઉત્તર પ્રદેશ સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા કહ્યું હતું કે, જહાંગીરપુરી ડિમોલિશન કેસમાં અસરગ્રસ્ત પક્ષકારોમાંથી કોઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી નથી. તેમણે કહ્યું કે યુપી સરકાર દ્વારા પહેલાથી જ નોટિસ આપવામાં આવી છે. કોઈની સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.